ખંડિત શિવલિંગની પૂજા કરવી પણ હોય છે શુભ, વાંચો શિવલિંગ સાથે જોડાયેલી જાણકારી

હિંદુ ધર્મમાં શિવજીને ત્રિદેવમાં એક ગણ્યા છે, અને તેની સાથે જોડયેલો પવિત્ર શ્રાવણ મહિનો પણ ઘણો જ વિશેષ માનવામાં આવે છે. આ મહિના દરમિયાન કરવામાં આવેલી પૂજાનું ફળ જરૂર મળે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવ સાથે જોડાયેલો છે અને આ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મહિનામાં જ શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા.

એવી માન્યતા છે કે, શ્રાવણ મહિના દરમિયાન વ્રત રાખવાથી અને ભગવાન શિવ ઉપર જળ અર્પણ કરવાથી દરેક ઈચ્છા પૂરી થઇ જાય છે. આ વર્ષે આ મહિનો 21 જુલાઈથી શરુ થાય છે અને આ મહિનો 18 ઓગસ્ટ સુધી ચાલશે અને તે દરમિયાન ભગવાન શિવની પૂજા જરૂર કરો. પણ તે સિવાય પણ તમે બીજા કોઈ મહિનામાં પણ શિવજીની પૂજા કરી શકો છો.

આવી રીતે કરો ભગવાન શિવની પૂજા :

ઘણા લોકો મંદિરમાં જઈને શિવલિંગ ઉપર જળ અર્પણ કરે છે, જયારે ઘણા લોકો ઘરમાં જ શિવલિંગ ઉપર જળ ચડાવે છે. જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખવા માગો છો, તો શ્રાવણ મહિનો ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે સૌથી ઉત્તમ છે. પણ તમે બીજા કોઈ મહિનામાં પણ ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકો છો. ઘરમાં શિવલિંગ રાખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેની સાથે જોડાયેલી મહત્વની માહિતી આ મુજબ છે.

ન રાખો વધુ મોટું શિવલિંગ :

મંદિરમાં તમે લોકોએ સામાન્ય રીતે મોટું શિવલિંગ જ જોયું હશે. પરંતુ જયારે તમે તમારા પૂજા ઘરમાં શિવલિંગની સ્થાપના કરો તો તે વાતનું ધ્યાન રાખો કે, શિવલિંગનો આકાર વધુ મોટો ન હોય. પુરાણ મુજબ ઘરમાં માત્ર નાનું શિવલિંગ જ રાખવું જોઈએ.

રોજ કરો પૂજા :

ઘરમાં એક વખત શિવલિંગ સ્થાપિત કર્યા પછી તમે તેની પૂજા રોજ કરો, અને રોજ સવારે શિવલિંગ ઉપર જળ જરૂર ચડાવો. તે ઉપરાંત સાંજના સમયે શિવલિંગ સામે એક ઘી નો દીવો પણ જરૂર પ્રગટાવો અને આરતી કરો.

શિવલિંગ નથી હોતું ખંડિત :

દેવી દેવતાઓની મૂર્તિ જો તૂટી જાય કે તેની ઉપર તિરાડ પડી જાય તો તેને ખંડિત માનવામાં આવે છે. પરંતુ શિવપુરાણ મુજબ શિવલિંગને ક્યારે પણ ખંડિત નથી માનવામાં આવતું. અને જો શિવલિંગ તૂટી પણ જાય તો પણ તેની પૂજા કરી શકાય છે. એટલા માટે જો તમારા ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગ જો ખંડિત થઇ જાય, તો પણ તમે તે શિવલિંગની પૂજા કોઈ પણ પ્રકારના ડર વગર કરી શકો છો.

માત્ર ઇશાન ખૂણામાં રાખો શિવલિંગ :

તમે શિવલિંગને માત્ર ઘરના ઇશાન ખૂણામાં જ રાખો. કેમ કે ઇશાન ખૂણો જ સૌથી શુભ ખૂણો હોય છે, અને તે ખૂણાને સૌથી પવિત્ર ખૂણો માનવામાં આવે છે. તે ઉપરાંત તમે જે સ્થળ ઉપર શિવલિંગ રાખો તે વાતનું ધ્યાન પણ જરૂર રાખો કે, તે સ્થળ ઉપર તુલસીનો છોડ ન હોય. કેમ કે તુલસીનો છોડ અને શિવલિંગને ક્યારે પણ એક સાથે નથી રાખવામાં આવતા. શિવલિંગની પૂજા કરતી વખતે તમારું મોઢું ઉત્તર દિશા તરફ જ રાખો.

સાથે ભગવાનની મૂર્તિ પણ રાખો :

શિવલિંગ રાખવાની સાથે સાથે તમે ધારો તો ગણેશજી, માતા પાર્વતી, નંદીની પણ મૂર્તિઓ રાખી શકો છો. અને જયારે પણ શિવજીની પૂજા શરુ કરો તો પૂજાની શરુઆતમાં ગણેશનું નામ લો અને તેની પૂજા કર્યા પછી જ શિવલિંગ ઉપર જળ ચડાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.