સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કાગવડ ગામ નજીક ખોડલધામનું સતત પાંચ વર્ષ ચાલ્યા પછી પૂર્ણ થયું છે. ભાદર નદીના કાંઠે ૧૦૦ એકર જમીનમાં આકાર પામેલું ખોડલધામ શિલ્પ અને સ્થાપત્ય દૃષ્ટિએ આધુનિક ગુજરાતનું બેનમૂન મંદિર છે.
ધર્મ સાથે રાષ્ટ્રભાવનાને સર્વોપરિ માનતા ખોડલધામ સંસ્થા દ્વારા આ મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે જેના પ્રદેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે તેવું ખોડલધામ વિશ્વનું પહેલું મંદિરછે.
ખોડલધામમાં ખોડિયાર માતા સહિત ર૧ મૂર્તિઓનો ભવ્ય દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઇ છે.મંદિરમાં અન્ય મૂર્તિઓમાં ગણપતિ, વીર હનુમાન રામસીતા, રાધા કૃષ્ણ, ગેલ માતાજી, હરિસિધ્ધિ માતા, મહાકાળી માતા, મોમાઈ માતા, નાગબાઈ માતા, સિહોરીયાના રાંદલ માતા, ચામુંડા માતા, અંબાજી, વેરાઈ માતા, માં આશાપુરા, બહુચરામા, બુટ ભગવાનીમાં, ગેલ માતા, બ્રહ્મણી માતા, ગાત્રાળ માતા મૂર્તિઓ બિરાજીત છે.
રાજસ્થાનના બયાના પાસેના બંસી પહાડપુર વિસ્તારમાં નીકળતા કુદરતી ગુલાબી પથ્થરમાંથી ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે. લાગલગાટ પાંચ વર્ષ કામ ચાલ્યા બાદ ખોડલધામ નિર્માણ પામી ચૂક્યું છે.
મંદિર બાંધકામમાં અંદાજે ર લાખ ૩૦ હજાર ધનફૂટ પથ્થર વાપરવામાં આવ્યો છે. સોમપુરા શિલ્સ્શાસ્ત્રી વિપુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં રાજસ્થાન અને ઓરિસ્સાના કારીગરોએ અલગ અલગ કોતરકામ કર્યું છે એમાં પિલર, છત, તોરણ, ઘુમ્મટની ડિઝાઈન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે.
જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે ૬૫૦ મૂર્તિઓ મુકવામાં આવી છે જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે.
ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી ૧૭ ફૂટ ઉંડે છે એ પછી જમીનથી ૧૮ ફૂટ ઉંચે પહેલો ભાગ અને ૬.૫ ફૂટ ઉંચાઈએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે અને તેની ઉપર મંદિર બાંધવામાં આવ્યું છે. મંદિરમાં પહેલાં પીલર આવે પછી બીમ આવે.
પીલર ઉપર આડા ગોઠવવામાં આવ્યા હોય તેવા ૧૬૦ બીમ નીચેના ભાગે છે અને પહેલા માળે ૧૨૮ બીમ છે. કુલ ૨૮૮ બીમ મૂકવામાં આવ્યા છે. મંદિરમાં પગથિયા ચડીને પ્રવેશ કરીએ ત્યારે પહેલો ઘુમ્મટ આવે તેને નૃત્ય મંડપ કહે છે ત્યાં કલાત્મક ઘુમ્મટ છે. પછી ઉંબરો ઓળંગીને આગળ વધીએ ત્યારે મુખ્ય ઘુમ્મટ આવે છે. મંદિરનો સૌથી નીચેનો ભાગ કે જે જમીનને અડેલો છે તે ૧૮ ફૂટ ઉંચો છે. આ ભાગને જગતી કહે છે.
આ કલાત્મક જગતીમાં પટેલ પેનલ મુકવામાં આવી છે. મંદિરમાં બહારના ભાગે પાંચ નાના સામરણ છે. એક મધ્યમ સામરણ છે અને શિખરની નીચે દેખાતું મોટું સામરણ છે. ત્રણ દિશામાં ઝરૃખા છે અને નવ પ્રવેશદ્વાર છે. પગથિયા ચડીને ભકતો બેસી શકે તે માટે ફરતી પાળી કરવામાં આવી છે તેને કક્ષાસન કહે છે. મંદિરના શિખરમાં મધ્યમ ૮ ફૂટનો વિરાટ સિંહ મૂકવામાં આવ્યો છે તેને સુકનાશ કહે છે. સુકનાશ એ મંદિરના રક્ષક તરીકેનું કામ કરે છે. રાતના સમયે ખોડલધામ અત્યાધુનિક લાઈટીંગ સિસ્ટમથી ઝળહળી ઉઠે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વિડીયો
https://www.youtube.com/watch?v=A3oqZ_I6Nig