6 વર્ષના દીકરાની પ્લેનમાં હજ પઢવા જવાની હતી ઈચ્છા, જે રસ્તામાં ઉભેલા ટ્રકને કારણે અધૂરી રહી ગઈ

સુરતમાંથી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. અહીં એક 6 વર્ષના બાળકનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. આ દુઃખદ ઘટનાને કારણે તે બાળકની અંતિમ ઈચ્છા પણ અધૂરી રહી ગઈ છે.

ભાવનગરના મહુવામાં આવેલી સાદર કોલોની સામે રહેતા ઈરફાન હૈદર હુસૈન બુખારી સુરત પોતાના સંબંધીને મળવા આવ્યા હતા. આ દરમિયાન તે પરિવાર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે આ બનાવ બન્યો, જેમાં તેમણે પોતાના દીકરાને ખોયો. આ ઘટનામાં બાળકના પિતા અને માતાને ગંભીર રૂપથી ઇજા થઈ છે.

14 માર્ચના રોજ ઈરફાન પોતાની પત્ની, 6 વર્ષના પુત્ર અને દોઢ વર્ષની અને 6 મહિનાની દીકરીને લઈને ઘોઘાથી જહાજમાં બેસીને સુરત આવ્યા હતા. સુરતમાં આવ્યા પછી ઈરફાન બાઈક પર પોતાની પત્ની અને 3 બાળકોને લઈને પોતાના એક સંબંધીને ત્યાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં હજીરા એનટીપીસી બ્રિજ પાસે ઊભેલી એક હાઈવા ટ્રકમાં પાછળથી તેની બાઇક ભટકાઈ ગઈ.

આ બનાવમાં ઈરફાન તેની પત્ની અને તેના 6 વર્ષના દીકરાને ગંભીર ઈજાઓ થઈ હતી. તે ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. પણ સારવાર દરમિયાન 6 વર્ષના મોહંમદ મુનજીરનું મોત થયું હતું.

મોહંમદ મુનજીર મહુવામાં આવેલી સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતો હતો. અને આ ઘટનાને કારણે તેની સેલવાસમાં દરગાહ પર જવાની ઈચ્છા અધૂરી જ રહી ગઈ. સુરતમાં પોતાના સંબંધીને ત્યાંથી તેઓ બસમાં બેસીને સેલવાસમાં આવેલી દરગાહ પર જવાના હતા.

જયારે તેઓ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે, મોહંમદ મુનજીરે પોતાના પિતાને કહ્યું હતું કે, પપ્પા, મને જહાજમાં તો બહુ મજા આવી, તમે મને ટ્રેનમાં પણ બેસાડ્યો, હવે પ્લેનમાં હજ પઢવા કયારે લઈ જશો? તેના જવાબમાં ઈરફાને કહ્યું કે, થોડા પૈસા ભેગા કરીએ પછી સાથે જઈશું. બસ, આ વાત તેમની છેલ્લી વાત હતી. કારણ કે આટલી વાત થયા પછી રસ્તામાં ઊભેલી હાઇવા ટ્રકમાં તેમનું બાઇક ભટકાઈ ગયું.

ઈચ્છાપોર પોલીસે ઈરફાનની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.