એમડીએચ મસાલાના ચેરમેન ધર્મપાલ ગુલાટીને સ્વાતંત્ર્ય દિવસ વખતે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. માત્ર ૧૦ વર્ષની ઉંમરથી કામ કરવા વાળા ધર્મપાલ ગુલાટીને આજે તેમના મસાલાને કારણે ભારત ઉપરાંત વિદેશોમાં પણ ઓળખવામાં આવે છે. હવે ભારત સરકાર તેમને પદ્મભૂષણથી સન્માનિત કરશે. આ સન્માનની જાહેરાત થયા પછી તેમણે કહ્યું કે, મેં ઘણી મહેનત કરી છે. મને ખબર ન હતી કે આ (પદ્મભૂષણ સન્માન) મને મળવાનું છે.
એનડીટીવી સાથે વિશેષ વાતચીતમાં તેમણે પોતાના સફળ બિઝનેસ અને ઉંમર વિષે ઘણી વાતો કરી. તેમણે કહ્યું કે માણસ મહેનતુ બને અને સારું બોલે, તો પ્રેમથી બધું મળી જાય છે. જ્યાં સુધી માણસ ઈમાનદાર નહિ બને, મહેનતુ નહિ બને, સારું નહિ બોલે ત્યાં સુધી પરમાત્માના આશીર્વાદ નહિ મળે. મેં પરમપિતા પરમાત્મા અને માતા પિતાના આશીર્વાદ લીધા. હું સવારે ૪ વાગ્યે ઉઠું છું અને બે ગ્લાસ પાણી પીઉ છું. ફરવા જાવ છું અને ઘરે આવીને યોગા કરું છું.
ધર્મપાલના ‘મહાશીયાં દી હટ્ટી’ (દુકાનનું નામ) થી એમડીએચ બનવા સુધીની જાણવા જેવી વાર્તા છે. એ પણ સાચું છે કે જો દેશના ભાગલા ન પડ્યા હોત તો ક્દાહ તે મસાલાની કંપની ન હોત. લગભગ ૧૦૦ દેશોમાં પોતાના મસાલાથી લોકોના મોઢાનો ચટાકો જાળવી રાખવા વાળા ધર્મપાલ ગુલાટી ઉપર વિદેશી મીડિયામાં પણ ઘણું લખવામાં આવ્યું છે. ધર્મપાલ ગુલાટીના પિતા ચુન્ની લાલ ગુલાટીએ સીયાલકોટના બજાર પંસારીયામાં (જો કે હવે પાકિસ્તાનમાં છે) ૮ માર્ચ ૧૯૧૯ ના રોજ ‘મહાશીયાં દી હટ્ટી’ ના નામથી મસાલાની દુકાન ખોલી હતી. ધર્મપાલ ગુલાટીએ ઘણી જ નાની ઉંમરમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. તેમણે ૧૦ વર્ષની ઉંમરમાં પાંચમાં ધોરણની પરીક્ષા આપતા પહેલા જ સ્કુલ છોડી દીધી હતી.
વોલ સ્ટ્રીટ જનરલને ગુલાટીએ આપેલા એક જુના ઈન્ટરવ્યુંમાં જણાવ્યા મુજબ, ૧૯૪૭ માં દેશના ભાગલા થયા, લોકો પલાયન કરીને જવા લાગ્યા, અને ધાર્મિક હિંસાના સમાચાર ફેલાવા લાગ્યા. તો અમને પણ અસુરક્ષાનો ડર સતાવવા લાગ્યો. અમને ખબર હતી કે હવે અમારો ઘર છોડવાનો સમય આવી ગયો છે. ૭ સપ્ટેમ્બર ૧૯૪૭ ના રોજ પરિવાર સહીત અમૃતસરની શરણાર્થી શિબિરમાં આવી ગયા. હું ત્યારે ૨૩ વર્ષનો હતો. કામની શોધમાં દિલ્લી આવ્યો.
અમને લાગ્યું કે દંગા પીડિત વિસ્તાર અમૃતસરથી ઘણો નજીક હતો. દિલ્હી પંજાબથી આવવાનો રસ્તો પણ થયો. કરોલબાગમાં આવેલા છાપરા વગરના, પાણી વગરના, વીજળી અને શૌચાલય વગરના ફ્લેટમાં અમે રહ્યા. દિલ્હી આવતી વખતે પિતાએ ૧૫૦૦ રૂપિયા આપ્યા હતા. તેમાંથી ૬૫૦ રૂપિયાની તો ઘોડાગાડી ખરીદી. એ સમયે કનોટ પ્લેસથી કરોલ બાગ સુધી એક વખતનું ૨ આના ભાડું લેતા હતા.
ઓછી આવકને કારણે પરિવારનું ભરણ પોષણ અઘરું થઇ ગયું હતું. એવા પણ દિવસો આવતા હતા જ્યારે પેસેન્જર મળતા ન હતા. તો આખો દિવસ બુમો પાડતા રહેતા હતા અને લોકોનું અપમાન સહન કરતા હતા. ઘોડા ગાડી વેચીને પરિવારનો ધંધો અપનાવી લીધો. અજમલ ખાન રોડ ઉપર મસાલાની એક નાની એવી દુકાન ખોલી દીધી. દિવસેને દિવસે દુકાન ચાલવા લાગી અને દાળ રોટલાની સમસ્યા ન રહી. સીયલકોટના મસાલા વાળાના નામથી પ્રસિદ્ધ થવા લાગ્યા.
ત્યારબાદ દિલ્હીમાં એમડીએચ સામ્રાજ્યનો પાયો નાખ્યો. ૧૯૫૩ માં ચાંદની ચોકમાં એક બીજી દુકાન ભાડા ઉપર લીધી અને ૧૯૫૯ માં કીર્તિ નગરમાં એક પ્લોટ ખરીદીને પોતાની ફેક્ટરી શરુ કરી. જેમ જેમ ધંધો વધતો રહ્યો તેમ તેમ દિલ્હી પણ વધી રહ્યું હતું. ઘોડા ગાડી વાળા દિવસ અને પાકિસ્તાનનું બાળપણ વાળું ઘર યાદ આવે છે, પરંતુ દિલ્હી હવે અમારું ઘર છે.