શ્રીકૃષ્ણના આ 8 નામ પડવા પાછળ છે ખાસ કારણ, જાણો તેમના અલગ અલગ નામ સાથે જોડાયેલી કથા

ભગવાનના 8 નામ, મુરા રાક્ષસને મારીને બન્યા મુરારી, મધુ ઋતુના સ્વામી અને મધુ દૈત્યના વંશજ હોવાથી કહેવાયા માધવ.

ભગવાન કૃષ્ણના ઘણા નામ છે. પણ અમુક નામ એવા છે જેની પાછળ વાર્તા, કિસ્સા અથવા કોઈ અલગ જ મહત્વ છે. આવા નામોનો અલગથી જાપ કરવાનું વિધાન પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. શ્રીમદ્દ ભાગવત, પદ્મપુરાણ, કૂર્મ પુરાણ, ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન કૃષ્ણના નામોનો મહિમા જણાવવામાં આવ્યો છે.

અલગ-અલગ ગ્રંથોમાં નામોની અલગ વ્યાખ્યા પણ છે. જેવી રીતે, ભાગવતમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કાળા રંગ સાથે છે, પણ સાથે જ કૃષ્ણ શબ્દને મોક્ષ આપનારો કહેવામાં આવ્યો છે. મહાભારતમાં બે કૃષ્ણ છે, એક ભગવાન કૃષ્ણ અને બીજા મહાભારતના રચનાકાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એટલે વેદ વ્યાસ. વેદ વ્યાસ કાળા હતા અને દ્વીપ પર જનમ્યાં હતા, એટલે તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. એક વેદને ચાર ભાગોમાં વહેંચવાને કારણે તેમનું નામ વેદ વ્યાસ પડ્યું.

કૃષ્ નો અર્થ છે કર્મોનું નિર્મૂલન, ણ નો અર્થ છે દાસ્ય ભાવ. જે આપણા કર્મોનો સમૂળ નાશ કરી ભક્તિનો ભાવ આપે તેને જ કૃષ્ણ કહે છે. મોક્ષની પ્રાપ્તિ માટે આ નામનો જાપ કરવામાં આવે છે.

એવી જ રીતે ભગવાન કૃષ્ણના ઘણા નામ સિદ્ધિઓ અને તેમના વ્યક્તિત્વની વિશેષતાઓને કારણે પડ્યા.

મુરારી :

મહર્ષિ કશ્યપ અને દિતિનો એક રાક્ષસ પુત્ર હતો. તેનું નામ હતું મુરા. મુરાએ પોતાના બળથી સ્વર્ગ પર વિજય મેળવી લીધો હતો. દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મુકવામાં આવ્યા. ત્યારે ઇંદ્રએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણ અને તેમની પત્ની સત્યભામાએ યુદ્ધમાં મુરાનો વધ કરી દીધો. મુરા દૈત્યના અરિ એટલે કે શત્રુ હોવાને કારણે ભગવાનનું એક નામ મુરારી પડ્યું. શુભ કાર્યોમાં અડચણ ના આવે એટલા માટે આ નામનો જાપ કરવો સારું માનવામાં આવે છે.

મધુસૂદન :

મધુ નામના દૈત્યનો વધ કરવાથી ભગવાનનું એક નામ મધુસૂદન પડ્યું. આ રાક્ષસને કારણે પણ દેવતા અને મનુષ્ય ઘણા પરેશાન હતા. ભાગવતમાં મધુ નામના બે થી ત્રણ રાક્ષસોનો ઉલ્લેખ મળે છે, જે અલગ-અલગ કાળમાં થયા છે. તેમાંથી એકનો વધ કૃષ્ણએ કર્યો હતો. સમસ્યાઓના વિનાશ માટે ભગવાનના આ નામનો જાપ કરવામાં આવે છે.

કેશવ :

આ નામ ભગવાનના સુંદર કેશોને કારણે છે. ભાગવત અને ગર્ગ સંહિતામાં ભગવાનના રૂપનું વર્ણન મળે છે. ગોપીઓ, સખીઓ અને વ્રજવાસી ઘણી જગ્યાએ ભગવાન કૃષ્ણને કેશવના નામથી સંબોધિત કરે છે. સુંદરતા અને વ્યક્તિત્વમાં આકર્ષણ માટે ભગવાનના આ નામનું ધ્યાન ધરવું જોઈએ.

ગોવર્ધનધારી – ગિરધારી :

ઇંદ્રની પૂજા અટકાવીને ગોવર્ધન પર્વતની પૂજા કરવા, અને પછી ઇંદ્ર દ્વારા વ્રજમાં ભારે વરસાદ વરસાવવા પર લોકોને બચાવવા માટે પોતાના હાથની સૌથી નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવવાને કારણે તેમનું આ નામ પડ્યું. ભગવાનને બંને નામ પ્રિય છે. વૃંદાવનમાં ગિરધારી, ગિરિરાજધારી નામ ભગવાન માટે ઘણા ઉપયોગમાં લેવામાં આવે છે. વધારે તણાવ અને દબાણથી મુક્તિ મેળવવા માટે આ નામનું સ્મરણ કરવામાં આવે છે.

માધવ :

આ નામ પાછળ બે સ્ટોરી છે. એક તો વસંત ઋતુના દેવતા અથવા ઋતુઓમાં વસંત સમાન શ્રેષ્ઠ હોવાને કારણે કૃષ્ણનું નામ માધવ પડ્યું છે, કારણ કે વસંતનું એક નામ મધુ પણ છે. બીજી સ્ટોરી ત્રેતાયુગના રાક્ષસ મધુ સાથે જોડાયેલી છે, જે મથુરાના રાજા હતા. આ મધુના મોટા પુત્ર યાદવરાજ હતા, જેમના વંશમાં પછીથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો. મધુના વંશમાં જન્મ લેવાને કારણે પણ તેમને માધવ કહે છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે ભગવાનના આ નામનો જાપ કરવામાં આવે છે.

મુરલીધર – વંશીધર :

વાંસળી ધારણ કરવાને લીધે નંદબાબાએ કૃષ્ણને આ નામ આપ્યું હતું. નંદબાબાએ બાળ કૃષ્ણને ઉપહારમાં વાંસળી આપી હતી. જે હંમેશા તેમની ઓળખ રહી. કૃષ્ણના વ્યક્તિત્વ સાથે વાંસળી એ રીતે જોડાયેલી છે કે, તેના વગર કૃષ્ણની છબીની કલ્પના પણ નથી કરી શકાતી. જીવનમાં સરળતા લાવવા અને ઉદાસીને દૂર કરવા માટે આ નામનો જાપ કરવામાં આવે છે.

અચ્યુત :

કૃષ્ણ પોતાના વ્યક્તિત્વમાં અટળ અને અડગ છે. તેમની છબી એવા દેવતાની છે જે અચલ ભક્તિ પ્રદાન કરે છે. તેજ એકમાત્ર એવા દેવતા છે, જે ઘણા રૂપોમાં એક સાથે પૂજાય છે. પુત્ર, મિત્ર, ભાઈ, ભગવાન, પતિ, પુરુષ, યોદ્ધા, સલાહકાર અને ગુરુ સહીત ઘણા પ્રકારના લોકો કૃષ્ણની પૂજા કરે છે. પોતાના દરેક રૂપમાં તે અટળ – અડગ છે. એટલા માટે તેમને અચ્યુત કહેવામાં આવે છે. ભક્તિ, ધન, સંપત્તિ અને પ્રતિષ્ઠા માટે આ નામનું ધ્યાન ધરવામાં આવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)