માત્ર ગાય કે ભેંસ જ નહિ આ જાનવરોનું દૂધ પણ પીવે છે લોકો, હરણના દૂધમાં હોય છે આ ખાસિયત.

આખી દુનિયામાં ગાય-ભેંસ સિવાય આ 5 પ્રાણીઓનું દૂધ પણ પીવે છે માણસો, જાણો સૌથી મોંઘુ દૂધ કોનું વેચાય છે.

એ તો આપણે જાણીએ છીએ કે દરેક માણસ માટે દૂધ કેટલું ફાયદાકારક હોય છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે બધા દૂધ પીવાની સલાહ આપે છે. એ કારણ છે કે આપણે રોજ ગાય કે ભેંસના દૂધનું સેવન કરીએ છીએ. આખી દુનિયામાં મોટાભાગના લોકો ગાય કે ભેંસના દૂધનું જ સેવન કરે છે, પણ શું તમે જાણો છો કે આખી દુનિયામાં માત્ર ગાય કે ભેંસના જ દૂધનું સેવન નથી કરવામાં આવતું. તે સિવાય પણ બીજા કેટલાક જાનવર છે, જેને દૂધ ઉત્પાદન માટે પાળવામાં આવે છે.

દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન ગાયમાંથી : આખી દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન માટે ગાય જ પાળવામાં આવે છે. ગાયનું દૂધ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. 2011 માં એફએઓના અનુમાન મુજબ દુનિયાભરમાં 85 ટકા દૂધનું ઉત્પાદન ગાયથી થાય છે. પશ્ચિમી દેશોમાં પણ ગાયના દૂધનું ઉત્પાદન ઔદ્યોગિક રીતે કરવામાં આવે છે. ગાય ઉપરાંત દૂધ ઉત્પાદનમાં બીજા નંબર ઉપર ભેંસ છે, જેના દૂધનું સેવન સૌથી વધુ કરવામાં આવે છે.

ગાય અને ભેંસ ઉપરાંત દુનિયાભરમાં બકરીનું દૂધ પણ સામાન્ય છે. પણ તે સિવાય જળ ભેંસ, ઘેંટા, ઊંટ, ગધેડી, ઘોડી, હરણી, માદા યાક વગેરેનું દૂધ પણ દુનિયાના અલગ અલગ સ્થાન ઉપર ઉપયોગમાં લેવાય છે. એક રીપોર્ટ મુજબ દુનિયાભરમાં લગભગ 2 ટકા લોકો બકરીનું દૂધ પીવે છે, અને દુનિયાનું સૌથી મોંઘુ દૂધ ગધેડીનું દૂધ હોય છે, જે 5000 થી લઈને 10 હજાર રૂપિયા સુધી વેચાય છે.

ગધેડીનું દૂધ ઔષધીય રીતે વધુ ઉપયોગમાં લેવાય છે, એટલા માટે વધુ મોંઘુ હોય છે. ભારતમાં પણ ગધેડીના દૂધનો મોટા પાયે વેપાર ફેલાઈ રહ્યો છે અને ઝડપથી તેની માંગ પણ વધી રહી છે.

મંગોલિયામાં મોટાભાગના લોકો ઘોડીના દૂધનું સેવન કરે છે. ઘોડીના દૂધને કુમીસ કે એરાગ પણ કહેવામાં આવે છે. મંગોલિયામાં ઘણી સમૃદ્ધ જાતીના ઘોડાનો ઉછેર થાય છે. ઘોડીના દૂધનું સેવન શીયાળામાં ઘણું ફાયદાકારક હોય છે. ઘોડીના દૂધનું સેવન સીધું નથી કરી શકાતું. સ્થાનિક લોકો તેને ફર્મેન્ટેડ (fermented) કરીને દૂધ તૈયાર કરે છે. ઘોડીનું દૂધ સ્વાદમાં થોડું ખાટું હોય છે અને તેના સેવનથી થોડો ન-શો-પ-ણ થાય છે.

હિમાલયી ક્ષેત્રમાં યાકના દૂધનું સેવન : યાક હિમાલયી ક્ષેત્રમાં પાળવામાં આવતું એક પશુ છે, જેમાંથી ઉન, માંસ અને દૂધ જેવી ઘણી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ગાયના દૂધની સરખામણીમાં યાકના દૂધમાં ચરબી અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. કેટલાક વિસ્તારોમાં યાકના દૂધ માંથી માખણ પણ તૈયાર કરવામાં આવે છે, જેની માંગ હાલના દિવસોમાં વધી રહી છે. યાક શિયાળાની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં વધુ દૂધનું ઉત્પાદન કરે છે.

સ્કેન્ડીનેવીયા દેશોમાં હરણના દૂધની માંગ : હરણનું દૂધ ઘણું દુર્લભ હોય છે. હરણના દૂધની માંગ ખાસ કરીને સ્કેન્ડીનેવીયા દેશોમાં વધુ છે. અહિયાં કેટલાક સ્થળો ઉપર બારસીંગું હરણના દૂધનો પણ ઉપયોગ થાય છે. ગાયના દૂધની સરખામણીમાં હરણના દૂધમાં 20 ટકા ચરબી વધુ હોય છે. તેનું દૂધ ઘણું મલાઈદાર હોય છે.

જિરાફનું દૂધ પણ પીવે છે લોકો : જિરાફ પણ દૂધ આપે છે અને દુનિયાના ઘણા ભાગોમાં રહેતા લોકો તેનું સેવન કરે છે. પણ શોધ ઉપરથી જાણવા મળ્યું છે કે, જિરાફનું દૂધ વધુ ગુણો વાળું નથી હોતું. તેમ છતાં પણ ઘણી આદિવાસી જાતીઓ જિરાફના દૂધનું સેવન કરે છે.

સોમાલિયા અને કેન્યા જેવા દેશોમાં ઊંટની પ્રજાતિનો ઉછેર મોટા પાયા ઉપર થાય છે. અહિયાં મોટાભાગના લોકો ઊંટના દૂધનો જ ઉપયોગ કરે છે. ઊંટ પાણી પીધા વગર જ ઘણા દિવસ સુધી જીવિત રહી શકે છે. સોમાલિયા અને કેન્યા જેવા દેશોમાં ગોવાળો માત્ર ઊંટના દૂધ ઉપર જ જીવિત રહે છે, તેઓ પોતાના ઊંટને ચરાવવા માટે દુર દુર લઇ જાય છે. એક ઊંટ દિવસમાં 5 થી 20 લીટર દૂધનું ઉત્પાદન કરી શકે છે. ઊંટના દૂધનો સ્વાદ પણ ગાયના દૂધ જેવો જ હોય છે.

ગરમ દૂધ પીવાના આ છે ફાયદા : ગરમ દૂધ પીવું આરોગ્ય માટે વધુ ફાયદાકારક હોય છે. જો તમે રોજ એક ગ્લાસ ગરમ દૂધ પીવો છો તો તે આરોગ્યને ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે. જો કોઈ કારણસર તમારું જમવાનું છૂટી જાય છે, તો તમે એક ગ્લાસ દૂધ પી ને તેની ભરપાઈ કરી શકો છો. દિવસમાં નહિ પણ રાત્રે દૂધ પીવું સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં એક તત્વ ટ્રીપ્ટોફેન મળી આવે છે જે ઊંઘ વધારે છે. હુંફાળુ દૂધ પીવાથી ન માત્ર સારી ઊંઘ આવે છે પણ તે આરોગ્ય માટે પણ સારું રહે છે.

પોષક તત્વોથી ભરપુર હોય છે દૂધ : દૂધમાં મળી આવતા કેલ્શિયમ, વિટામીન ડી, પોટેશિયમ જેવા પોષક તત્વ શરીર માટે ઘણા ફાયદાકારક સાબિત થાય છે. તે ઉપરાંત દૂધમાં મેલટોનીન પણ હોય છે, તે એક હાર્મોન છે જે ઊંઘવા અને જાગવાની પેટર્નને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત રાત્રે દૂધ પીવાથી શરીરને આરામ મળે છે, જેથી વ્યક્તિ સારું અનુભવે છે. જો તમને રાત્રે ભૂખ લાગે છે, તો તેને શાંત કરવાનો એક સારો ઉપાય દૂધ છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.