માણસે પોતાની આવડત ના ભુલવી જોઈએ, અને જીવનમાં હંમેશા ઊંચે ઉડવું જોઈએ.

એક રાજા અને બે ગરુડના ઊંચા ઉડવાની પ્રેરણાદાયક વાર્તા :

એક રાજાએ બે ગરુડના બચ્ચા પાળ્યા હતા, અને તે ગરુડને ખુબ જ પ્રેમ કરતા હતા. જયારે એ ગરુડ મોટા થવા લાગ્યા તો રાજાએ તેની સંભાળ માટે એક વ્યક્તિને રાખી દીધો. જે દિવસ રાત તેની સેવા કર્યા કરતો હતો, અને તેને ઉડવાનું શીખવતો હતો. એક દિવસ રાજાએ આ બન્ને ગરુડને ઉડતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી, અને જે વ્યક્તિને તેની સંભાળની જવાબદારી સોંપવામાં આવી હતી તેને કહ્યું કે, હું જોવા માગું છું કે તે આ ગરુડને શું શીખવાડ્યું છે?

આ સાંભળી એ વ્યક્તિએ ગરુડને આકાશમાં છોડી દીધા. પરંતુ તે ગરુડ થોડે ઉપર ઉડીને પાછા પોતાના પીંજરાની પાસે આવી ગયા, અને પીંજરાની પાસે ઉગેલા એક ઝાડની ડાળ ઉપર બેસી ગયા. રાજાએ એ વ્યક્તિને પૂછ્યું, આ શું હતું? આ ગરુડ આકાશમાં ઉંચે કેમ ઉડ્યા નહિ?

ત્યારે વ્યક્તિએ રાજાને કહ્યું, મહારાજ આ ગરુડ હંમેશાથી થોડું જ ઉડે છે, અને તે ડાળી ઉપર આવીને બેસી જાય છે. મેં ઘણા પ્રયત્ન કર્યા કે તે બન્ને ગરુડ ઊંચા ઉડી શકે, પરંતુ પીંજરા માંથી બહાર આવતા જ તે ગરુડ તે ડાળી ઉપર બેસી જાય છે.

ગરુડને ઉડતા ન જોઇને રાજાને ઘણું દુઃખ થયું, અને રાજાએ પોતાની આજુબાજુના રાજ્યોમાં એવી જાહેરાત કરાવી દીધી કે, જે વ્યક્તિ આ બન્ને ગરુડને સારી રીતે ઉડતા શીખવી દેશે, તેને ઇનામ તરીકે ઘણા બધા સોનાના સિક્કા આપવામાં આવશે. અને રાજાની આ જાહેરાત પછી દુર દુરથી લોકો આ રાજ્યમાં આવવા લાગ્યા, અને તે ગરુડને ઉડાડવાનો પ્રયત્ન કરવામાં લાગી ગયા. પરંતુ તે ગરુડ દરેક વખતે થોડા ઉંચે ઉડીને ઝાડની ડાળી ઉપર આવીને બેસી જતા હતા. અને એટલા પ્રયત્નો પછી પણ કોઈપણ વ્યક્તિ આ ગરુડને ઉડાડવામાં સફળ ન થઇ શક્યા.

પરંતુ એક દિવસ રાજા આ બન્ને ગરુડને ઊંચા આકાશમાં ઉડતા જુવે છે. અને ગરુડને ઊંચા ઉડતા જોઈ રાજાને ઘણો આનંદ થાય છે, અને રાજા તરત પોતાના મંત્રીને પૂછે છે કે, અચાનક આ ગરુડ આટલા ઊંચા કેવી રીતે ઉડી રહ્યા છે? ત્યારે મંત્રી રાજાને કહે છે કે, કાલે એક ખેડૂત આવ્યો હતો અને તેણે કહ્યું કે તે આ ગરુડને ઉડતા શીખવી દેશે.

રાજા તરત તે ખેડૂતને પોતાના રાજ દરબારમાં બોલાવે છે અને તેને પૂછે છે કે, તેં કેવી રીતે આ ગરુડને એક જ દિવસમાં આટલા ઊંચા ઉડતા શીખવી દીધું. ત્યારે ખેડૂત રાજાને કહે છે કે, મહારાજ મેં સાંભળ્યું હતું કે આ ગરુડને ડાળી ઉપર બેસવાની ટેવ હતી. તો મેં તે ડાળીને જ કાપી નાખી. આથી ગરુડ જયારે પીંજરા માંથી નીકળ્યા, તો તેને બેસવા માટે ડાળી ન મળી અને તેમણે ઉડવાનું શરુ કરી દીધું. ખેડૂતના આ કામથી રાજા ખુશ થઈ જાય છે, અને તેને ઘણા બધા સોનાના સિક્કા આપી દે છે.

વાર્તા માંથી મળ્યો સંદેશ :

તમે પણ આ ગરુડની જેમ વસ્તુના ગુલામ ન બનો, અને પોતાની ક્ષમતાનો ઉપયોગ કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.