શાહબુદ્દીન રાઠોડની “મને ડાળે વળગાડો” સ્ટોરી વાંચીને તમારા હાસ્યનું ઠેકાણું નહિ રહે.

“મને ડાળે વળગાડો”

ઘણા સૂવા માટે જગ્યા પસંદ કરે , પછી ખાટલાની પાંગત બરાબર ખેંચે , ત્યાર બાદ ગાદલાનું પરીક્ષણ કરે , છેવટે પાતળી ચાદર ઓઢવી કે જાડું ગોદડું રાખવું એ માથાકૂટમાં સવાર પડે અને સૂવાનો સમય જ ન રહે.

અમારા મિત્ર ધીરજલાલ ને પણ આમ જ થયું. અમારા ગામમાં ગુજરાતીનો વિષય લઈ એ બી. એ. પાસ થયો. ગામમાં સૌ પહેલો ધીરુ ગ્રેજ્યુએટ થયો. સાહિત્યનો શોખીન પણ ખરો. દસબાર કાવ્યો પણ કંઠસ્થ કરેલાં. થોડાં મુક્તકો પણ ધીરુને મોઢે થઈ ગયેલાં, તે પ્રસંગ હોય તોપણ રજૂ કરતો અને અનુરૂપ પ્રસંગ ન હોય તોપણ રજૂ કરતો. અમારા વાસુકિ સંસ્કારમંડળે ધીરજલાલનું સન્માન કર્યું. ગામમાં ધીરુના નામનો ડંકો દેવાઈ ગયો. જ્ઞાતિમાં પણ ચારે તરફ પ્રસિદ્ધિ પ્રસરી ગઈ.

ધીરુ ભાગ્યશાળી પણ ખરો , કારણ , સગપણના કાગળો મંડ્યા આવવા , પણ કાગળ વાંચી ધીરજલાલ ગંભીરપણે પ્રશ્ન કરતો , “ બીજું બધું તો ઠીક , પણ કન્યા ગ્રેજ્યુએટ છે?”

સામેવાળા કહેતા , “ ના , ભઈ , ગ્રેજ્યુએટ તો ક્યાંથી હોય ? આ ભણતર અને ચણતર તો અત્યારે વધ્યાં છે . પહેલાં ક્યાં આવું બધું હતું ? ”

ધીરુ કહેતો , “ ગ્રેજ્યુએટ કન્યા વગર મારી આ ઊર્મિઓની અભિવ્યક્તિ હું ક્યાં જઈ કરું ? મારા આ ઉત્તમ સાહિત્યિક વિચારોને કોણ સમજશે ? કન્યા ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ. ”

ધીરુની ગ્રેજ્યુએટ કન્યાની જિદ્દના હિસાબે ઘણી સંસ્કારી , સમજદાર , સુંદર કન્યાઓની અવગણના થઈ. પરિવારને સાત વર્ષ તો માત્ર ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં પસાર કરવા પડ્યાં.

ધીરુ પણ મૂંઝાયો. કલ્પનાના આકાશમાંથી વાસ્તવિકતાની ધરતી પર મંડ્યો ધીરેધીરે આવવા. “ચાલો , ઇન્ટર પાસ પણ ચાલશે. બસ , હું ચલાવી લઈશ.”

આમ ધીરજલાલે પોતાની ઉદારતાનો પરિચય આપ્યો. વળી, ચાર વર્ષ વીતી ગયાં. પછી તો ધીરુની મૂંઝવણનો પાર ન રહ્યો. જવા દ્યો બધું અને હવે માત્ર મૅટ્રિક પાસ અને કરો તપાસ.”

પણ પછી તો ધીરજલાલની ઉંમર પણ સામાવાળા ગણતરીમાં લેવા લાગ્યા. મેટ્રિક પાસનો પણ મેળ ન ખાધો. ધીરુ છેવટે શાળાંત પાસ માથે આવી ગયો અને હવે નવમી ડિસેમ્બરે ધીરજલાલને છત્રીસ વર્ષ પૂરાં થશે.

અત્યારે ધીરજલાલ એમ કહે છે , “ કન્યાને અક્ષરજ્ઞાન હું આપીશ , પણ મને ડાળે વળગાડો , મને પરણાવો.”

ધીરુ ઉગ્ર સ્વભાવનો થઈ ગયો છે એવો કે લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. ગામમાં જે શેરીમાં લગ્નના ઢોલ વાગતા હોય ત્યાં બાઝવા દોડે છે અને કહે છે, “ ઢોલ , બીજી શેરીમાં જઈ વગાડો. ” શરદપૂર્ણિમાની રાતે સરખી સાહેલીઓ રાસ રમવા નીકળે છે ત્યાં ધીરુની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. ગામમાં જાગરણ હોય ત્યારે એ બહારગામ જતો રહે છે. પછી એને ખ્યાલ આવે છે કે અહીંયાં પણ જાગરણ છે.

એટલે હું યુવાનોને ગામોગામ જઈને કહ્યા કરું છું કે પસંદગીનાં ધોરણ બહુ ઊંચાં ન રાખશો , સાથે પોતાની લાયકાત પણ જોતા રહેજો , નહીંતર એસ. ટી. ડેપો પહોંચવામાં એટલું બધું મોડું થઈ જશે કે લક્ઝરી બસ તો બધી ઊપડી જશે , પરંતુ સાદી બસ પણ ચૂકી જશો.

– શાહબુદ્દીન રાઠોડનો હાસ્યવૈભવ

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)