મારુતિએ પાછી મંગાવી 63 હજારથી વધારે કાર, જાણો શું છે કારણ?

દેશની મોટી ઓટોટોમેકર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ 60 હજારથી વધુ કારોને બજારમાંથી પરત મંગાવી છે. મારુતિએ આપેલી માહિતી અનુસાર કંપનીએ સલામતીને ધ્યાનમાં રાખીને સિયાઝ, અર્ટીગા અને એક્સએલ 6 ના 63,493 યુનિટ્સ પાછા મંગાવ્યા છે.

મારુતિના જણાવ્યા મુજબ મોટર જનરેટર યુનિટમાં ખામી હોવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. મારુતિ હવે આ કારોના મોડેલની તપાસ કરશે. આ માટે ગ્રાહકો પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. કંપનીએ 1 જાન્યુઆરી, 2019 થી 21 નવેમ્બર, 2019 સુધીમાં બનાવેલી કારને પરત બોલાવી છે. કારોને પાછા બોલાવવાનું વૈશ્વિક અભિયાન 6 ડિસેમ્બર, 2019 થી શરૂ થયું છે. આ સમાચારોની વચ્ચે, મારુતિના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. શુક્રવારે વેપારના અંતિમ કલાકોમાં મારુતિનો શેરનો ભાવ 1.79% ઘટીને રૂ. 6880 રહ્યો છે.

તાજેતરમાં જ મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2020 થી તેની કારોના ભાવમાં વધારો કરવાની ઘોષણા કરી છે. તાજેતરમાં જ કંપનીએ જણાવ્યું હતું કે, કાચા માલના વધતા ખર્ચને કારણે છેલ્લા એક વર્ષમાં કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જો કે, કંપનીએ હજી સુધી તેનો ખુલાસો કર્યો નથી કે, કિંમત કેટલી વધારશે.

જયારે, કંપનીએ ભારતીય બજારમાં 2 કરોડથી વધુ કાર વેચવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. મારુતિએ 36 વર્ષમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં, કંપનીએ તેની પ્રથમ કાર 14 ડિસેમ્બર 1983 ના રોજ લોન્ચ કરી હતી. આ કાર કંપનીની સૌથી વધુ ચર્ચામાં રહેલી મારુતિ 800 હતી.

હ્યુન્ડાઇએ 16,409 કારોને પાછી મંગાવી છે :

આ નવેમ્બર મહિનામાં, હ્યુન્ડાઇએ સીએનજી ફિલ્ટર એસેમ્બલીમાં ખામી હોવાને કારણે તેની 16,409 કારોને પાછી મંગાવી હતી. ત્યારે કંપનીએ જણાવ્યું હતું કે, ગ્રાન્ડ આઈ 10 અને એકસેન્ટના કુલ 16,409 સીએનજી મોડેલો પાછા મંગાવવામાં આવી રહ્યા છે. હ્યુન્ડાઇની આ કારો 1 ઓગસ્ટ 2017 થી 30 સપ્ટેમ્બર 2019 ની વચ્ચે બનાવવામાં આવી છે, અને આ તમામ કારોમાં ફેક્ટરી ફીટેડ સીએનજી કીટ આપવામાં આવી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.