માતૃગયા તીર્થ કહેવાતા સિદ્ધપુરના રુદ્રમહાલય સાથે જોડાયેલી રોચક વાતો અને દંતકથા.

ઐતિહાસિક અણહિલવાડ પાટણ પાસે અને સરસ્વતી નદીને કાંઠે વસેલું અને બિન્દુ સરોવર, રુદ્ર મહાલય, તેમજ શિલ્પસમૃદ્ધિ અને કોતરણીવાળાં ઘરોને કારણે સુપ્રસિદ્ધ બનેલું સિદ્ધપુર આજે પણ ભૂતકાળમાંની તેની જાહોજલાલીનાં દર્શન કરાવે છે. સિદ્ધપુર માતૃગયા તીર્થ કહેવામાં આવે છે. જેમ પિતાજી માટે ગયાજીનો મહિમા છે, તેમ માતાના શ્રાદ્ધ માટે સિદ્ધપુરનું અનોખું મહત્વ છે.

એવું કેવાય છે કે અહીં આવેલા બિન્દુ સરોવરમાં પવિત્ર સ્નાન કરીને ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું અને ત્યારથી આ સ્થાન માતૃશ્રાદ્ધ માટે ખુબ પવિત્ર અને ઉત્તમ માનવામાં આવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માતાનું શ્રાદ્ધ કરવા માટે આવે છે. સિદ્ધપુરમાં અનુપમ શિલ્પ સમૃદ્ધિવાળું મહાલય એટલે કે રુદ્ર મહાલય આવેલું હતું. આજે તો માત્ર અવશેષો જ રહ્યા છે, તેમ છતાં તે જે તે સમયે કેટલું ભવ્ય હશે, તેની પ્રતીતિ થાય છે.

રુદ્રમહાલય મંદિરનું બાંધકામ ઇ.સ. 943માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ ચાલુ કરાવ્યું હતું, અને 1140 માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂરું થયું હતું. તેની પ્રસિદ્ધિ અને સમૃદ્ધિના કારણે આ મંદિરનો વિનાશ પહેલાં અલાઉદ્દીન ખિલજી અને ત્યાર પછી અહમદશાહ પહેલા (1410-44) વડે કરાયો હતો, અને તેણે મંદિરનો સંપૂર્ણ વિનાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવી નાખ્યો હતો. મંદિરનું તોરણ અને ચાર સ્થંભો હજી પણ જળવાયેલા છે, અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

દંતકથા :- રુદ્ર મહાલય અને તેની સાથે સંકળાયેલી દંતકથા પણ જણાવી જોઈએ. સોલંકી કાળમાં મહાન શિવભક્ત રાજા મૂળરાજ સોલંકીને સરસ્વતી નદીના કિનારે શિવ-રુદ્ર ભવ્ય મહાલય બાંધવાની ઈચ્છા થતાં, તેણે તેનો નકશો બનાવવા વિદ્વાન કલાકાર પ્રાણધર શિલ્પસ્થપતિને બોલાવ્યા હતા. દેશ-પરદેશથી કારીગરો બોલાવી મહાલય માટે ઉત્તમ પથ્થરોની પસંદગી શરૂ કરી કામ શરૂ કર્યું. મૂળરાજદેવ અને પ્રખર કલાધર અને જ્યોતિષી પ્રાણધરના દેહાંત થતાં પાટણની ગાદી પર ભીમદેવ સોલંકીની મર્દાનગી, કર્ણદેવનું શૌર્ય અને મીનળદેવીનાં શૌર્ય શાણપણની કથાઓ કોતરાઈ ગઈ.

ત્યાર બાદ ગુજરાતને મહાસામ્રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરનાર પરમ ભટાર્ક સિદ્ધરાજ જયસિંહનું શાસન આવ્યું. ત્યારે કોઈએ તેમને મૂળરાજ સોલંકીના અધૂરા સ્વપ્ન મહાલયની યાદ અપાવતાં તેમણે તે કામ પૂરું કરવાની શરૂઆત કરી, અને માળવાથી મહાન જ્યોતિષાચાર્ય માર્કંડ શાસ્ત્રીને બોલાવી નવેસરથી સિદ્ધપુરમાં ખાતમુહૂર્ત વિધિ શરૂ કરી. તે સમયે માર્કંડ શાસ્ત્રીએ એક ખાડો ખોદાવી અને તેઓ કહે ત્યારે ખાડામાં ખીલો ઠોકવાની સૂચના આપી.

તેમની સૂચના મુજબ ખીલો ઠોકાઈ જતા તેમણે રાજાને જણાવ્યું કે, મહારાજ આ ખીલો શેષનાગના માથે ઠોકાયો છે, એટલે હવે આ રુદ્રમહાલયને કાળ પણ સ્પર્શ કરી શકશે નહીં અને તે અજય રહેશે. પરંતુ રાજાએ તેમની વાત ઉપર શંકા કરી અને કહ્યું કે આચાર્ય જેનો ક્ષય ના થાય તેવી વસ્તુ તો ભગવાને પણ બનાવી નથી. ત્યારે આચાર્યએ કહ્યું કે મહારાજ મારી જયોતિષ ગણતરી કદી ખોટી ના પડે, ખીલો શેષનાગના માથે જ વાગ્યો છે.

રાજાએ આનું પ્રમાણ આપવાનું જણાવતા આચાર્યે જણાવ્યું કે, રાજન આ ખીલો કાઢીને જુઓ તરત જ લોહીની ધાર છૂટશે પણ સહેજ રક્ત દેખાય કે તરત જ ખીલો પાછો દબાવી દેશો. આમ જેવો ખીલો ખેંચાયો કે તરત જ રાજાનાં કપડાં પર રકતધારા છંટાઈ ગઈ અને ખીલો પાછો ધરબી દેવામાં આવ્યો.

પછી આચાર્યએ જણાવ્યું કે રાજન ખીલો ખેંચાયો અને ફરીથી ધરબાયો તે સમય દરમિયાન શેષનાગ સરકી ગયો છે, અને હવે તેના માથે નહી પણ પૂંછડી પર ખીલો વાગ્યો છે. ત્યારે રાજાએ કહ્યું કે હવે શું થશે? એટલે આચાર્યએ જણાવ્યું કે રાજન તમારા પર શેષની રક્તધારાનો અભિષેક થયો છે, એટલે તમે અજિત તો બનશો પણ તમારી કીર્તિ પર કલંકના છાંટા લાગશે, તથા આ રુદ્રમહાલય પણ અમર નહીં રહે અને કાળક્રમે તેનો નાશ થઇ જશે. આમ આજે આ રુદ્ર મહાલય ખંડેર બની ઊભો છે.

સ્થાપત્ય :- આ મહાલય સરસ્વતી નદીને કાંઠે રેતાળ પથ્થરો (સેન્ડસ્ટૉન) માંથી બનાવવામાં આવેલો છે.

ચાલુક્યન શૈલીના સ્થાપક સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ આ સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર બાદ રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું સમારકામ કરાવ્યું હતું.

તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણીકામ ઉપરથી મૂળ સ્થાપ્તયની ભવ્યતા તેમ જ કલાસમૃદ્ધિની પ્રતીતિ કરાવે છે.

મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ 70 મીટર તથા પકોળાઈ 49 મીટર છે.

ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્રમહાલય બે માળનો હતો. તેની ઊંચાઈ 150 ફૂટ હતી.

રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી.

આ શિવમંદિરના શિખર પર ઘણા સુવર્ણકળશ હતા. લગભગ 1600 ધજાઓ ફર ફર કરતી હતી.

રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો રામાયણ તથા મહાભારતના પ્રસંગોથી કંડારાયેલી હતી.

આજે રુદ્રમહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષરૂપે જોવા મળે છે. આ સ્થાપત્ય સોલંકી વંશની કલા-સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.

સંપાદક : પ્રજાપતિ તુષાર “ઝાકળ”