બેંકની છેતરપિંડીનો ભોગ બની મૃણાલ દેશરાજ, ખાતામાંથી ઉડી ગયા 27 હજાર રૂપિયા

આ ટીવી એક્ટ્રેસ બની બેંક છેતરપિંડીનો ભોગ, ખાતામાંથી ઉપડ્યા 27 હજાર રૂપિયા, જાણો શું થયું હતું

ઇન્ટરનેટ બેંકિંગ અને ઓનલાઇન વ્યવહારોએ લોકોનું જીવન સરળ બનાવ્યું છે. લોકોને હવે જરૂરી નાણાં મેળવવા માટે બેંકની બહાર લાંબી લાઇનો લગાડવી નથી પડતી. પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે. અને હવે ટીવી એક્ટ્રેસ મૃણાલ દેશરાજ તેનો ભોગ બની છે. મૃણાલ દેશરાજના ખાતામાંથી બેંકની છેતરપિંડી દ્વારા 27 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. મૃણાલ સાથે આ ઘટના 25 ફેબ્રુઆરીએ બની હતી અને તે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા થયું હતું.

સ્પોટબોયના કહેવા પ્રમાણે, મૃણાલે કહ્યું કે, ‘મારા પેટીએમમાં કંઇક ખોટું થયું હતું અને ચુકવણી થઈ રહી ન હતી. જ્યારે પણ હું ટ્રાંઝેક્શન કરી રહી હતી ત્યારે મને કેવાયસી પુરી કરવાનો મેસેજ મળી રહ્યો હતો. મેં પેટીએમ સપોર્ટને મેસેજ આપ્યો કે, કોઈએ મને કેવાયસી પ્રક્રિયાનો ફોન નથી કર્યો, અને મારી 2500 રૂપિયા રકમ બ્લોક કરવામાં આવી છે. હું તેનો ઉપયોગ કરી શકતી નથી.

મૃણાલે કહ્યું, ‘થોડા સમય પછી મને પેટીએમના ઘણા કોલ્સ આવ્યા. મને પેટીએમમાં કેવાયસી કરવાનું કહેવામાં આવ્યું અને તેમણે મને લિંક મોકલી દીધી. મેં તે લિંક પર ક્લિક કર્યું અને અચાનક મારા પેટીએમ વોલેટમાંથી રૂ. 758 જતા રહા. જ્યારે મેં તે જ નંબર ઉપર ફરીથી ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, તે બીજી લીંક મોકલી રહ્યા છે તેનાથી મારા પૈસા પાછા આવી જશે. પછી મારા બેંક ખાતામાંથી 27 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.

ટીવી અભિનેત્રીએ આગળ કહ્યું કે, ‘મેં જામતારા શો જોયો હતો અને મને ખ્યાલ હતો કે આવા કોલ આવી શકે છે. જ્યારે હું પેટીએમ સપોર્ટને મેસેજ કરી રહી હતી, ત્યારે મને તરત કેવી રીતે કોલ આવ્યો. ટ્રુકોલર ઉપર પણ, આ નંબર પેટીએમના નામે દેખાતો હતો, તેથી મેં વિચાર્યું કે આ કોલ સાચો હશે.’

આ ઘટના પછી મૃણાલ દેશરાજે બેંક અને પોલીસમાં તે અંગે ફરિયાદ કરી હતી. અભિનેત્રીએ કહ્યું, ‘બેંક અને પાલિસે મને કહ્યું કે તે મારી ભૂલ હતી. મેં જ તે લિંક ઉપર ક્લિક કર્યું. તેથી મને પૈસા પાછા નહીં મળે. હવે જોઈએ કે હવે પછી શું થાય છે? મારો ઉદ્દેશ આ ઘટનાને દરેક સુધી પહોંચાડવાનો હતો, જેથી બીજા લોકો સજાગ રહે. તે મહેનતની કમાણી હતી અને હું છેતરપિંડીનો અનુભવ કરી રહી છું.

મિત્રો, તમે પણ ધ્યાન રાખજો કે મેસેજ, ઈમેલ કે અન્ય કોઈ માધ્યમથી આવેલા કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો. તેમજ તેને કોઈ અન્ય નંબર કે આઈડી પર ફોરવર્ડ પણ કરવી નહિ. પોતાની બેંક ડીટેલ, પિન, સીવીવી, ઓટીપી અન્ય કોઈને આપવા નહિ. કોઈ પણ સમસ્યા હોય તો બેંકમાં રૂબરૂ જઈને મુલાકાત કરવી, ફોન પર કે મેસેજ દ્વારા બેંકની પ્રોબ્લેમ ઉકેલવા પ્રયત્ન ન કરવો. નહિ તો અન્ય લોકોની જેમ તમે પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.