નાયકીદેવી સોલંકી જેનાથી ગભરાઈને મોહમ્મદ ઘોરી મેદાન છોડી ભાગ્યો હતો, વાંચો ગુજરાતનો ઉજજવળ ઇતિહાસ.

એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે, મોહમ્મદ ઘોરીને 1178 માં ગુજરાતની એક ક્ષત્રાણીના હાથે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાત ઉપર કુમારપાલના પુત્ર અજયપાલનું રાજ હતું. તેને શાસનમાં આવ્યાને માત્ર 4 વર્ષ જ થયા હતાં કે 1176 માં અજયપાલના અંગરક્ષકે જ નિંદ્રાધિન અવસ્થામાં તેમને પરધામ સિધાવી દીધા. અજયપાલના લગ્ન કદંબ જે આજે ગોવા તરીકે ઓળખાય છે તેના મહામંડલેશ્વર પર્માંડીની રાજકુમારી નાયકીદેવી સાથે થયા હતા.

જયારે અજયપાલનું મત્યુ થયું ત્યારે તેમનો પુત્ર મુળરાજ ત્રીજો નાનો બાળક હતો. આથી નાયકીદેવીએ પોતે જ ગુજરાતનો કારભાર પોતાના હાથમાં લીધો. જયારે મોહમ્મદ ઘોરીને જાણકારી પ્રાપ્ત થઇ કે, ગુજરાત ઉપર અજયપાલની વિધવા સ્ત્રી રાજ કરી રહી છે, તો તે આસાનીથી વિજય મેળવી શકાશે એવા વિચાર સાથે ઘોડેસવાર સૈનિકો અને હાથીઓ સહીત વિશાળ પાયદળ સેના લઇને 1178 માં ગુજરાત ઉપર ચઢી આવ્યો. બીજી તરફ નાયકીદેવીને જાણ થઇ કે ઘોરીની સેના ગુજરાત તરફ આવી રહી છે, તો તેમણે પોતાની સેના એકથી કરી અને સામે જવાનો નિર્ણય લીધો.

નાયકીદેવી પાટણના સપાટ મેદાની પ્રદેશ સુધી ધોરીની સેના આવી પહોંચે તેવું જોખમ લેવા માંગતા ન હતા. તે માનતા હતા કે, ઘોરીની સેનાને રાજધાનીથી જેટલું બને તેટલું દુર રખાય, અને ઉત્તર દિશાના પહાડી પ્રદેશમાં જ લડાઈ થાય તેટલું સારું. તેનું કારણ એ હતું કે, જો કદાચ યુ ધ માં હાર થાય તો ગુજરાતની સ્ત્રીઓને પોતાની આબરૂ બચાવવા ભાગી જવા કે જોહર કરવા સમય મળે. આથી નાયકીદેવીએ ઘોરીની સેનાની સામે જવાનું નક્કી કર્યું. જયારે ઘોરીની સેના આબુ પર્વતની તળેટીમાં આવેલા કયાદરા પાસે પહોંચી, ત્યારે ઘોરીને જાણવા મળ્યું કે નાયકીદેવી પોતાની સેના સાથે તેની સેનાનું સામૈયું કરવા સામે આવી રહ્યા છે.

પછી ઘોરીએ સંદેશો મોકલાવ્યો કે, “ગુર્જર રજપૂતોને કહો કે, તેમની સ્ત્રીઓ અને સોનું અમને સોંપી દે. તેમનો જીવ બક્ષી દેવામાં આવશે.” તો નાયકીદેવીએ પણ વળતો સંદેશો મોકલ્યો કે, “ઘોરીને કહો કે જો તું દ્વારકાધીશના દર્શન કરી અને સાંજની આરતી ઉતારવા તૈયાર હોય, તો અમે પણ તને બક્ષી દઈશું.”

મોહમ્મદ ઘોરીએ નાયકીદેવીને એક નબળી સ્ત્રી માનીને તેમની વાત મજાકમાં ઉડાવી દીધી. તેને એવું લાગતું હતું કે, તે જુજ ક્ષણોમાં જ નાયકીદેવીના લશ્કરને ખતમ કરી સરળતાથી જીત મેળવી લેશે. ઘોરીએ જ્યાં પડાવ નાખ્યો હતો તેનાથી થોડે દુર એક બખ્તરબંધ ઘોડેસવાર આગળ વધતો જોયો. ઘોરી તેને એકલાને નજીક આવતો જોઈ અચંબામાં પડી ગયો. અને તે ઘોડેસવાર કોઈ સ્ત્રી હતી જેની પીઠ ઉપર બાળક બાંધેલું હતું.

આ બાજુ ઘોરી કઈ સમજે તે પહેલા તો હજારો ઘોડેસવારોનું લશ્કર, મોટ્ટા અવાજ કરતા હાથીઓ અને આંધીની જેમ ધૂળ ઉડાડતા સૈનિકોનો વિશાળ કાફલો તેની તરફ ધસતો દેખાયો. તેણે પોતાના લશ્કરને સાબદું કરવા પ્રયત્ન કર્યો, પણ તે પહેલા તો તેનું લશ્કર ત્રણ તરફથી ઘેરાઈ ચુક્યું હોવાનું જોવા મળ્યુ. આ તરફ નાયકીદેવી, આબુના પરમાર અને કીર્તિગઢના મકવાણા સહીતની ક્ષત્રીય સેના ઘોરીની અફઘાન, પઠાણ, મકરાણી અને મુલતાની સેના ઉપર તૂટી પડી.

નાયકીદેવી પોતે પોતાના બંને હાથમાં બે તલ વાર લઇને ઘોરીની સેનાને સમાપ્ત કરી રહી હતી. ઘોરીએ તેનો સામનો કરવાનો પ્રયત્ન તો કર્યો, પણ રજપૂતોના જુસ્સા અને ઝનુનને જોઈ તેણે ભાગી છૂટવું વધાર યોગ્ય લાગ્યું. અને ઘોરી પોતાના અંગરક્ષકોને લઇ મેદાન છોડી ભાગી છૂટ્યો. તેને કાયરની જેમ ભાગતો જોઈ નાયકીદેવીએ ભાલો ફેંક્યો, પણ કમનસીબે તે ઘોરીથી દુર પડ્યો. આ સમયે ઘોરી એટલો બધો ગભરાઈ ગયો હતો કે, તે ઘોડા ઉપર જ બેસી રહ્યો. તે મુલતાન પહોંચ્યો ત્યાં સુધી ઘોડા ઉપરથી ઉતર્યો જ નહિ. તેણે પોતાના અંગરક્ષકોને કહી રાખ્યું હતું કે, “હું ઘોડા ઉપર સુઈ પણ જાઉં તો પણ ઘોડાને અટકવા દેતા નહીં. અને જો ઘોડો અટકી જાય તો મને બીજા ઘોડા ઉપર નાખીને પણ ઘરે પહોંચાડવો.”

આ રીતે મોહમ્મદ ઘોરીને ગુજરાતમાંથી એવો સબક મળ્યો કે ત્યારબાદ તેણે આખું જીવન ગુજરાત તરફ જોવાનું માંડી વાળ્યું, અને ઉત્તર ભારતના માર્ગ ઉપરથી દિલ્હીને કબજે કરાવવા યોજના બનાવી. ગુજરાતમાં એક ક્ષત્રાણીના હાથે માર ખાધા પછી 14 વર્ષ પછી પૃથ્વીરાજ ચૌહાણ સામે તેણે જીત મેળવી. ત્યારબાદ ઘોરી તેના સેનાપતિ કુત્બુદ્દીન ઐબકને દિલ્લીની ગાદી સોંપી મુલતાન ચાલ્યો ગયો. આ કુત્બુદ્દીન ઐબકને નાયકીદેવીની દીકરી કુરમદેવીએ દ્વંદ યુ ધ માં હરાવીને પાઠ ભણાવ્યો હતો.

– અનિલ પઢીયારની પોસ્ટનું સંપાદન.