મૂર્તિઓની જેમ થાય છે ચંદીગઢના મેનહોલના ઢાંકણોની ચોરી, કિંમત જાણીને ઉડી જશે હોશ

કેંદ્ર શાસિત પ્રદેશમાં સ્વિસ વાસ્તુકાર લી કોર્બુજીએ (Le Corbusier) ના ડિઝાઇન કરેલા બધા હેરિટેજ મેનહોલના ઢાંકણ બદલવામાં આવી રહ્યા છે. નગર નિગમ શહેરના બધા મેનહોલ ઉપર લાગેલા ઢાંકણ હટાવીને પોતાની પાસે સંરક્ષિત કરશે, અને એના સ્થાન પર કોન્ક્રીટના ઢાંકણ લગાવી રહી છે.

ચંદીગઢના મેયર રાજેશ કુમાર કાલિયાએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, હેરિટેજ ઢાંકણોના સતત ચોરી થવાની ઘટનાઓને કારણે નિગમે આવા 2 હજાર હેરિટેજ ઢાંકણ બદલવા માટે પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેને સદનમાં પાસ કરી દેવામાં આવ્યો છે. એમણે જણાવ્યું કે, આ ફક્ત હેરિટેજ ઢાંકણ નથી પણ વારસો છે જેને સંરક્ષિત કરવા આપણી જવાબદારી છે.

મેયર રાજેશ કુમાર કાલિયાએ જણાવ્યું કે, આ ઢાંકણો પર ચંદીગઢનો નકશો બનેલો છે અને એને વિશેષ ધાતુથી તૈયાર કરવામાં આવ્યા હતા. વર્ષ 2019 માં જાન્યુઆરી મહિનામાં પહેલા સેક્ટર-22 અને એ પછી ઓક્ટોબર મહિનામાં એક હેરિટેજ ઢાંકણ ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો.

એમણે જણાવ્યું કે, બીજા હેરિટેજ ઢાંકણ ચોરી ન થાય એટલા માટે, અત્યારે શહેરમાં જે આવા 2000 જેટલા ઢાંકણ લાગ્યા છે, એને હટાવીને એની જગ્યાએ કોન્ક્રીટના ઢાંકણ લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. જાણકારી અનુસાર, ઢાંકણ બદલવા પર લગભગ 75 લાખ રૂપિયા ખર્ચ આવશે.

લાખોમાં વેચાય છે હેરિટેજ મેનહોલ ઢાંકણ :

ચંદીગઢના નકશાને દર્શાવતા આ હેરિટેજ ઢાંકણ આંતરરાષ્ટ્રીય બજારમાં લાખોમાં વેચાય છે. ચંદીગઢ પ્રશાસનના હેરિટેજ પ્રોટેક્શન સેલના સભ્ય વકીલ અજય જગ્ગાએ જણાવ્યું કે, એક ઢાંકણનું વજન લગભગ 170 પાઉન્ડ છે. અત્યાર સુધી લંડન અને પેરિસમાં લાખો રૂપિયામાં હેરિટેજ ઢાંકણની હરાજી થઈ ચુકી છે.

વર્ષ 2007 માં લંડનમાં બૉનહૈમ ઑક્શન હાઉસમાં આ મેનહોલ ઢાંકણની 21 હજાર 600 ડોલરમાં (લગભગ 10 લાખમાં) અને નવેમ્બર 2010 માં પેરિસના આર્ટક્યુરીયલ ઑક્શન હાઉસમાં એવા જ ઢાંકણની 17 હજાર 851 યૂરોમાં (લગભગ 11 લાખમાં) હરાજી થઈ હતી. એમણે જણાવ્યું કે આ હેરિટેજ ઢાંકણની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 20 લાખ સુધી પહોંચી ગઈ હશે.

દેશ હજી પણ સોનાની ચકલી :

વકીલ અજય જગ્ગાએ જણાવ્યું કે, 2011 પહેલા ઘણા બધા હેરિટેજ ઢાંકણ ચોરી થયા છે. એમણે કહ્યું કે, આપણો દેશ હજી પણ સોનાની ચકલી છે, પણ આપણે આપણા વારસાને સાચવીને રાખી નથી શકતા. એમણે જણાવ્યું કે, 2011 માં મિનિસ્ટરી ઓફ હોમ અફેયર્સ દ્વારા વારસાગત આઇટમ્સના વેચવા અને નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવ્યા પછી, ચંદીગઢની બહાર જવા વાળા હેરિટેજ ઢાંકણ અને ફર્નિચર પર જાળ કસવામાં આવી છે.

હેરિટેજ ઢાંકણ આટલા માટે ખાસ છે :

ચંડીગઢમાં બનેલા મેનહોલ ઉપર લાગેલા હેરિટેજ ઢાંકણની ડિઝાઇન વર્ષ 1951 માં લી કોર્બુજીએ બનાવી હતી. આ ઢાંકણ વિશેષ ધાતુથી બનેલા છે. અને તેની પર ચંદીગઢનો નકશો બનેલો છે. આ ઢાંકણ ચોરી થઈને વિદેશોમાં વેચવામાં આવે છે. ઢાંકણની સાથે લી કોર્બુજીએ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ફર્નિચર પણ ચંદીગઢમાંથી ચોરી થઈને વિદેશોમાં વેચાઈ રહ્યા છે, પણ પ્રશાસન એને રોકવામાં અસમર્થ છે. એવામાં નિગમે મેનહોલના ઢાંકણને સંરક્ષિત રાખવા માટે આ પ્રકિયા અપનાવવામાં આવી છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.