નાગપુરની ગલીઓમાં સ્કૂટર પર ભોજન વહેંચવાવાળા આ વ્યક્તિ ગરીબો માટે છે દેવદૂત.

રસ્તા પર સ્કૂટર લઈને ભૂખ્યા લોકોને ખાવાનું ખવડાવે છે જમશેદ સિંહ, ભીખારીઓની પણ કરે છે મદદ.

આ મહામારી દરમિયાન લોકોના કામ-ધંધા બંધ થયા છે. કેટલાય લોકો સામે ખાવા-પીવાની સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે. નાગપુર-મહારાષ્ટ્રની હાલત તો હજુ પણ ખરાબ છે. ત્યાં લગભગ 1 મહિનાથી લોકડાઉન લાગ્યુ છે. એવામાં ગરીબ લોકો કેવી રીતે પોતાનું પેટ ભરી શકતા હશે? એ એક મોટો પ્રશ્ન છે.

પણ આવા લોકોની મદદ માટે એક શીખ દેવદૂત બનીને આવ્યા છે. તે પોતાના સ્કૂટર પર જમવાનું લઈને નાગપુરની ગલીઓમાં નીકળે છે. તે ગલી-ગલી ફરીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં ભોજન આપી રહ્યા છે.

આ ભલાઈનું કામ કરી રહ્યા છે જમશેદ સિહ કપૂર. તે વ્યવસાયે એક જ્યોતિષ છે. તે દરરોજ બપોરે ત્રણ વાગ્યાથી લોકોને દાળ ખીચડી આપે છે. તેમની કહેવું છે કે, તે આ સેવા 2013 કરતા આવી રહ્યા છે. આ વિષે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ પહેલા ફક્ત ગરીબ લોકો ખાવાનું લેતા હતા, પરંતુ મહામારી અને લોકડાઉનને કારણે નાના ભોજનાલય બંધ છે. એટલા માટે જેની પાસે પૈસા છે અને કંઈક ખરીદીને ખાવા માંગે છે એવા લોકો પણ આ સેવાનો લાભ ઉઠાવી શકે છે.

નાગપુરની ગલીઓમાં જમશેદજીને ‘લંગર સેવા’ લખેલું ટી-શર્ટ પહેલી લોકોને દાળ ખીચડી પીરસતા સરળતાથી જોઈ શકાય છે. તેઓ પોતાના સ્કૂટર પર ખીચડીથી ભરેલું વાસણ બાંધીને ઘરેથી નીકળે છે. અને ભૂખ્યા લોકોનું પેટ ભરે છે.

થોડા સમય પહેલાની વાત છે. ત્યારે એક ભિખારી પણ તેમની પાસે ખાવાનું લેવા આવતો હતો. તેના વિષે વાત કરતા તેમણે જણાવ્યું કે, એક દિવસ તે મને કપડાથી ભરેલ એક થેલી આપી ગયો. તે ભિખારીએ કહ્યું હતું કે, જયારે હું દુનિયા છોડી જતો રહું તો આ કપડાં જરૂરિયાત મંદ લોકોમાં આપી દેજો. મેં તે થેલી રાખી લીધી.

તે ભિખારીના દુનિયા છોડીને ગયા પછી જમશેદજીએ તે થેલી ખોલી તો તેમાં કપડાંની સાથે 25,000 રૂપિયા પણ હતા. તેના વિષે ભિખારીએ કાંઈજ જણાવ્યું નહતું. જમશેદજી જણાવે છે કે, તે પૈસાથી પણ તેમણે જમવાનું બનાવીને લોકોમાં વહેંચ્યું હતું. તેમની આસપાસના લોકો ક્યારેક અનાજ તો ક્યારેક શાક તો ક્યારેક રૂપિયા દાન કરી તેમની લંગર સેવાને ચાલુ રાખવામાં મદદ કરે છે.

આ રીતે તે પોતાના લંગર દ્વારા દરરોજ ઘણા બધા ભૂખ્યા લોકોનું પેટ ભરે છે. જમશેદજી આ લંગર સેવા શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવજીની યાદમાં કરે છે, જેમણે 1512 માં નાગપુરનો પ્રવાસ કરી સ્થાનીય આદિવાસીઓને લંગર સેવા આપી હતી. જમશેદજીનું સપનું છે કે, તે ગરીબો માટે આ લંગર સેવા 24 કલાક ચાલુ રાખી શકે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.