સવારના નાસ્તામાં બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ‘મીઠા નારિયેળ પરોઠા’ જાણો તેની રેસિપી.

સાદા પરોઠા તો ઘણા ખાધા, હવે ટ્રાય કરો ટેસ્ટી નારિયેળ પરોઠા, તેને બનાવવા છે ખુબ જ સરળ. નાસ્તામાં બટેટા કે કોબીજના પરોઠા તો તમે ઘણી વખત ખાધા હશે, પરંતુ શું ક્યારેય નારિયેળ પરોઠા ખાધા છે? તેમાં છીણેલું નારિયેળ, દૂધ અને ઘી જેવી ઘણી સ્વાદિષ્ટ વસ્તુ મિક્સ કરવામાં આવે છે. તમે તેને ઘરે જ બનાવી શકો છો, અને બાળકોથી લઈને મોટા સુધી દરેકને ખુશ કરી શકો છો.

જો તમારા ઘરે મહેમાન આવી રહ્યા છે અને તમે તેના માટે કાંઈક સ્પેશિયલ બનાવવા માંગો છો, તો નારિયેળ પરોઠા ઉત્તમ રહેશે. તેના સ્ટફ કરેલા તાજા નારિયેળ તમને એક ક્રીમી સ્વાદ આપે છે, તેને દૂધ કે દહીં સાથે સર્વ કરી શકાય છે. તો આવો જાણીએ નારિયેળ પરોઠાની સૌથી સરળ રેસિપી.

મીઠા નારિયેળ પરોઠાની રેસિપી :

જરૂરી સામગ્રી :

1 તાજું નારિયેળ

2 કપ મેંદો

1 કપ હુંફાળુ દૂધ

અડધો કપ ઘી

2 મોટી ચમચી દળેલી ખાંડ

2 ચમચી સોજી

અડધો કપ ખાંડ

અડધો ચમચી બેકિંગ પાવડર

1 ચમચી લીલી ઈલાયચી વાટેલી

બનાવવાની રીત :

નારિયેળ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા નારિયેળને અધકચરુ પીસી લો. હવે એક મોટા વાસણમાં મેંદો, સોજી અને ખાંડનો પાવડર નાખીને મિક્સ કરી લો. ધીમે ધીમે તેમાં ઘી નાખો અને હાથની મદદથી ગુંદવાનું શરુ કરી દો.

તમારે મેંદો અને ઘી સારી રીતે મિક્સ કરીને લોટ તૈયાર કરવાનો છે, અને સાથે સાથે તેમાં એક ચમચી બેકિંગ પાવડર પણ નાખવાનો છે. જયારે મેંદો ગુંદાવા લાગે તો તેમાં એક ચપટી મીઠું પણ નાખી દો.

ધ્યાન રાખશો કે, તમારે મેંદામાં પાણી નથી નાખવાનું, તેના બદલે દૂધ નાખો અને લોટ બાંધવાનું શરુ કરી દો. મેંદાનો લોટ સોફ્ટ ન હોવો જોઈએ, તેને પૂરીના લોટની જેવો થોડો કડક બાંધવાનો છે.

હવે છીણેલા નારિયેળમાં ખાંડ અને ઈલાયચી પાવડર નાખો અને તેને સારી રીતે મિક્સ કરી લો. નારિયેળને ટેસ્ટી બનાવવા માટે તમે કાજુ કે બદામની પેસ્ટ પણ નાખી શકો છો. તમે તેની સાથે વરીયાળી પાવડર પણ ભેળવી શકો છો.

હવે મેંદો ગુંદી લીધા પછી લોટ બંધાઈને તૈયાર થઇ ગયો છે. તેની બે રોટલી વણી લો, એક મોટી અને એક તેનાથી થોડી નાની. એમ કરવાથી તમારી સ્ટફિંગ બહાર નહિ આવે અને પરોઠા સ્ટફડ બનશે.

વણેલી રોટલી ઉપર લગભગ બે ચમચી નારિયેળ સ્ટફિંગ નાખો અને તેની ઉપર નાની રોટલી મૂકી દો. હવે તેને બંને સાઈડથી જોડી દો અને ચમચીની મદદથી બંધ કરી દો. એમ કરવાથી તમારા પરોઠા ફાટશે નહિ અને સ્વાદિષ્ટ રહેશે.

હવે તવો ગરમ કરો અને તેની ઉપર પરોઠા મૂકીને શેકવાનું શરુ કરી દો. જયારે તમે નારિયેળનો પરોઠો શેકો ત્યારે તેની ઉપર ઘી લગાવો. કેમ કે ઘી થી નારિયેળનો સ્વાદ ઘણો વધુ ટેસ્ટી બની જશે. બંને તરફથી પરોઠા શેક્યા પછી તમારો નાસ્તો તૈયાર છે.

તેના ચાર પીસ કરીને ચા, દૂધ કે મીઠા દહીં સાથે તમે તેને સર્વ કરી શકો છો. તો આ વખતે મહેમાનો માટે બેસ્ટ નાસ્તો તૈયાર છે.

આ માહિતી હર ઝીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.