નવા વર્ષમાં નવા નિયમ : બદલાઇ રહી છે રોજિંદા જીવનની વસ્તુઓ, તમારા પર થશે આ અસર

નવું વર્ષ એટલે કે 2020 નું આગમન થઈ ગયું છે. આ નવા વર્ષમાં તમારા રોજિંદા જીવન સાથે જોડાયેલી ઘણી વસ્તુ બદલાઈ જશે. આવો જાણીએ એવા જ થોડા પરિવર્તન વિષે.

રેલવેનો ફક્ત 1 હેલ્પલાઈન નંબર :

1 જાન્યુઆરીથી ભારતીય રેલવેના અનેક હેલ્પલાઈન નંબરની જગ્યાએ ફક્ત એક નંબર 139 નો જ ઉપયોગ કરવામાં આવશે. હકીકતમાં ભારતીય રેલવે એ હવે 139 નંબર સેવાને એકીકૃત હેલ્પલાઈન નંબરમાં ફરેવી દીધી છે, જે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ પર આધારિત છે. એવામાં હવે યાત્રીઓએ અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી. હવે તમે ફક્ત 139 નંબરનો ઉપયોગ કરીને રેલવે સાથે જોડાયેલી દરેક સમસ્યા ઉકેલી શકો છો.

15 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત :

આમ તો ગઈ 15 ડિસેમ્બરથી રાષ્ટ્રીય રાજમાર્ગો પર ફાસ્ટેગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે, પણ થોડી છૂટ પણ આપવામાં આવી છે. હકીકતમાં લોકોને કોઈ મુશ્કેલી ન થાય એના માટે 15 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની મહત્તમ 25 ટકા લેનને હાઈબ્રીડ રાખવામાં આવી છે. એનો અર્થ એ થયો કે, આ હાઈબ્રીડ લેનમાં 15 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની સાથે સાથે કેશ પેમેન્ટથી પણ ટોલ આપી શકાશે. એવામાં જો તમે 15 જાન્યુઆરી સુધી પણ ફાસ્ટેગ નહિ લગાવ્યું, તો ટોલ પ્લાઝા પરથી પસાર થવા પર બમણો ટેક્સ આપવો પડી શકે છે.

ઓટીપી બેઝડ સુવિધા :

1 જાન્યુઆરીથી ભારતીય સ્ટેટ બેંકના કેશ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અંતર્ગત તમે જયારે એસબીઆઈના એટીએમ મશીનમાં કેશ ઉપાડવા માટે કાર્ડ નાખશો તો તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ જનરેટ થશે. ઓટોપી એન્ટર કર્યા પછી જ કેશ ઉપાડી શકાશે.

આ સુવિધા 10,000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન માટે મળશે. અહીં જણાવી દઈએ કે, ઓટીપી બેઝડ ઉપાડ સુવિધા એસબીઆઈ કાર્ડથી બીજી બેંકના એટીએમમાંથી કેસ ઉપાડવા પાર લાગુ નહિ થાય. તેમજ નવી સુવિધા અંતર્ગત અત્યારે ફક્ત સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

NEFT અને MDR પર રાહત :

નવા વર્ષમાં નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા પૈસાની લેવડદેવડ પર ફી નહિ લાગે. એના સિવાય રુપે કાર્ડ અને યુપીઆઈ ડિજિટલ ચુકવણી પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) થી પણ સામાન્ય લોકોને રાહત મળશે.

માર્ચ સુધી આધાર-પેન લિંકિંગ જરૂરી :

નવા વર્ષમાં આધાર અને પેનના લિંકિંગની ડેડલાઈન પણ પુરી થશે. હકીકતમાં, પહેલા 31 ડિસેમ્બર સુધી પેન આધાર સાથે લિંક કરવું જરૂરી હતું, પણ હવે માર્ચ 2020 સુધીનો સમય મળ્યો છે. જો તમે નવી ડેડલાઈન સુધી લિંકિંગ નહિ કરાવ્યું તો મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જીએસટી રજીસ્ટ્રેશન આધાર દ્વારા :

નવા વર્ષમાં આધાર દ્વારા જીએસટી રજીસ્ટ્રેશન થઈ શકશે. એન્યુઅલ રિટર્ન ફાઈલ કરવાની સમયસીમા 2 મહિના વધારીને 30 ઓગસ્ટ 2019 કરી દેવામાં આવી હતી. જો કે નવી જીએસટી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020 થી લાગુ થશે.

પીએફ સાથે જોડાયેલા નિયમ બદલાયા :

નવા વર્ષમાં એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) ના નિયમોમાં મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા નિયમનો ફાયદો જમ્મુ-કશ્મીરના કર્મચારીઓને મળશે, જેનું અત્યાર સુધી પીએફ કપાતું ન હતું. નવા વર્ષથી કર્મચારી પોતે પીએફનું અંશદાન નક્કી કરી શકશે. એના સિવાય પેંશન ફંડમાંથી એક સાથે ઉપાડ શક્ય। હશે.

હોલમાર્કિંગ ફરજિયાતની પ્રક્રિયા શરૂ :

નવા વર્ષથી સોના-ચાંદીના ઘરેણાં પર હોલમાર્કિંગ પ્રક્રિયા શરુ થઈ જશે. તેમજ 15 જાન્યુઆરી 2021 માં એને અનિવાર્ય કરી દેવામાં આવશે. એનો અર્થ એ થયો કે, સોનાના દરેક આભૂષણ પર હોલમાર્ક જરૂરી હશે. એવામાં તમે જયારે પણ આભૂષણની ખરીદી કરશો તો હોલમાર્ક દેખાશે.

નાની બચત યોજનાઓમાં પરિવર્તન :

નવા વર્ષમાં નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં પરિવર્તન થઈ શકે છે. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંકે નાણાં મંત્રાયલને સલાહ આપી છે કે, નાની બચત યોજનાઓ પર વ્યાજદર બજારના દર જેટલું હોય. જો એવું થાય છે, તો નાની બચત યોજનાઓનો વ્યાજદર પહેલાની સરખામણીએ ઓછો થઈ શકે છે. જણાવી દઈએ કે, નાની બચત યોજનાઓમાં પોસ્ટઓફિસની બચત યોજના આવે છે, જેમાં ઘણા ઉત્પાદનોની એક યાદી હોય છે જે ભરોસાપાત્ર હોય છે, અને એમાં રોકાણ કરવા પર જોખમ વગર રિટર્ન મળે છે.

વન નેશન, વન કાર્ડ લાગુ :

નવા વર્ષમાં 1 જૂનથી દેશના બધા રાજ્યોમાં ‘વન નેશન, વન રેશન કાર્ડ’ એટલે કે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની સુવિધા શરુ થઈ જશે. એ પછી કોઈ પણ રાજ્યના રેશન કાર્ડ ધારક, બીજા કોઈ પણ રાજ્યમાં કાર્ડ દેખાડીને રાશન લઇ શકશે. વર્તમાનમાં દેશના 8 રાજ્યોમાં આ સુવિધા શરૂ થઈ ગઈ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.