ન તો સરકારી નોકરી, ન તો જમીન-મિલ્કત છતાં પણ છોકરીવાળાએ આપી કન્યા, દરેક પરિવારે આ વાંચવા જેવો અનુભવ

આજકાલ આપણી આસપાસ જે ઘટનાઓ ઘટી રહી છે એના અનુસંધાને મારી પોતાની અગાઉ કહેલી એક અંગત વાત આપ સૌની સાથે શેર કરી રહ્યો છું. કોઈને અગત્યનો નિર્ણય લેવામાં મદદ મળે એવા શુભ હેતુથી જ આ વાત કરી રહ્યો છું. આ માત્ર મારા એકનો નહીં મારા જેવા ઘણા મિત્રોનો અનુભવ હશે. 1999 માં હું જ્યારે લગ્ન માટે છોકરી જોવા ગયો ત્યારે મારી પાસે કંઈ જ નહોતું. હું ગામડે નળિયાવાળા મકાનમાં રહેતો. કોઈ સરકારી નોકરી પણ નહોતી. એમ.કોમ.નો અભ્યાસ પૂરો કરીને ટ્યુશન કરાવતો.

સવારથી મોડી રાત સુધી મહેનત કરતો ત્યારે મહિને 7000 કમાતો. મારા પિતાજી કડીયાકામ કરતા આથી એમની પાસે પણ કોઈ બીજી મિલકત કે મોટી જમીન નહોતી. બીજા શબ્દોમાં કહું તો એક પટેલના દીકરાનો સંબંધ કરવા માટે જે હોવું જોઈએ એ મારી પાસે કશું જ નહોતું.

સામાં પક્ષે જે છોકરી જોવા ગયો એના પિતાજીને 200 વિધા જમીન અને સંપત્તિ પણ બહુ મોટી. ગામનું આબરૂદાર અને સંપતિવાન ખોરડું. મોટી બંને દીકરીઓને સમૃદ્ધ પરિવારમાં પરણાવેલી. ચંદ્રિકા સૌથી નાની દીકરી, સૌથી વધારે ભણેલી (M.A.with Gujarati), અને સૌથી વધારે સ્વરૂપવાન હતી આમ છતાં એની દીકરી માટે એણે મારી પસંદગી કરી. એના સગા-સંબંધી કહેતા કે તમે શું જોઈને દીકરી આપી? ત્યારે મારા સસરાજી એમને જવાબ આપતા કે મેં છોકરાની કે એના પરિવારની સંપત્તિ જોઈને નહિ પણ છોકરાની ક્ષમતાઓ જોઈને દિકરી આપી છે.

હું જ્યારે મારા ધર્મપત્ની ચંદ્રિકાને જોવા ગયો અને એની સાથે વાતો કરી ત્યારે મેં મારી આર્થિક સ્થિતિની બધી જ વાતો કરી હતી. મેં એમને એ પણ સ્પષ્ટતા કરી હતી કે હું ગામડે રહીને ટ્યુશન કરાવું છું. તું મોટા ઘરમાં રહી છો અને નાની હોવાથી સૌની લાડકી છો. અમારા પરિવારમાં અનુકુળ આવશે કે કેમ એ બરોબર વિચારી લેજે. ચંદ્રિકાએ બધી વાત જાણ્યા પછી પણ મારી સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને કહેલું કે મારે ભલે નળિયાવાળા મકાનમાં ગામડે રહેવું પડે પણ મારે એ જ ઘરે જવું છે.’

લગ્ન પછી જ મને સરકારી નોકરી મળી. જીપીએસસીની પરીક્ષા આપીને સીધો જ ક્લાસ-૨ અધિકારી તરીકે સિલેક્ટ થયો. મારું પોસ્ટિંગ રાજકોટ હતું પરંતુ રાજકોટ રહેવાની હજુ હેસિયત નહોતી એટલે હું ગામડે જ રહેતો આમ છતાં એણે ક્યારેય એવું નથી કહ્યું કે આપણે શહેરમાં રહેવા જઈએ. આજકાલ લગ્ન પહેલા જ શરત મુકવામાં આવે કે હું ગામડે રહીશ નહિ એના બદલે અહીંયા તો શહેરમાં નોકરી છતાં ગામડે રહેવાનું હતું પણ એને આ બાબતે ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી.

એ જ્યારે એના પિયરમાં હતી ત્યારે એણે ખેતીનું કોઈ કામ કર્યું નહોતું. બહાર હોસ્ટેલમાં રહીને ભણતી એટલે એના દાદા અને પપ્પા બંનેની લાડકી હતી પરંતુ મારે ત્યાં કાંધુ વીણવાનું કે એવા બીજા કોઈ કામ ઘરે કરવાના થતા તો એ ઉત્સાહ સાથે કામ કરતી. અમારે ત્યાં પાણીની ખુબ ખેંચ રહેતી એટલે બીજાના ઘરે પાણી ભરવા માટે જવું પડે. મોટા જમીનદારની ભણેલી દીકરી હોવા છતાં એણે બીજાના ઘરે પાણી ભરવા જવામાં પણ કોઈ સંકોચ રાખ્યો નથી. એના સહયોગનાં પરિણામે આજે મારી પાસે બધું જ છે.

આ પોસ્ટ દ્વારા મારે મારા કે મારા ધર્મપત્નીના વખાણ નથી કરવા પણ દીકરીના પરિવારજનો અને દીકરીને એક મહત્વનો સંદેશો આપવો છે કે જીવનસાથીની પસંદગી વખતે માત્ર સંપતિ જોવાને બદલે છોકરાની સંપતિ કમાવાની ક્ષમતા અને સંસ્કાર પણ જો જો.

છોકરા પાસે અત્યારે ભલે કાઈ ન હોય પણ જો એનું ભણતર, ક્ષમતા અને સંસ્કાર હશે તો બધું આવશે બાકી એના વગર જે હશે એ પણ જતું રહેશે. સુખ અને શાંતિને સંપતિ કરતા પણ સમજણ સાથે વધુ ગાઢ સંબંધ છે. એક વાત ખાસ યાદ રાખજો કે બીજા સાથેની દેખાદેખી તમારી પાસે જે હશે એનો આનંદ પણ નહિ લેવા દે.

– શૈલેષ સગપરિયા.