પ્રાઇવેટ ટ્રેનમાં ટિકિટ ચેક કરવા પણ નહિ આવે ‘ટીટી’, રેલવેનો સ્ટાફ પણ જોવા નહિ મળે

નવી દિલ્હી, શુક્રવારથી લખનૌથી દિલ્હી વચ્ચે ચલાવવામાં આવેલ તેજસ એક્સપ્રેસને દેશમાં પ્રાઇવેટ ટ્રેનના યુગની શરૂવાત માનવામાં આવે છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો ભવિષ્યમાં ટ્રેન સંચાલન પુરી રીતે પ્રાઇવેટ સેક્ટરના હવાલે થઈ શકે છે. આજ કારણે રેલવે કર્મચારીઓ આનો વિરોધ કરી રહ્યા છે. રેલવે યુનિયનના વિરોધ સાથે પ્રાઇવેટ ટ્રેન ફેલ થશે એવી ભવિષ્યવાણી કરી દીધી છે.

બીજી તરફ રેલવે બોર્ડને આ ટ્રેન તરફથી ઘણી આશા છે. આનાથી બોર્ડને એટલો બધો ફાયદો જોવા મળી રહ્યો છે કે તેમણે ભવિષ્યમાં લગભગ દોઢસો પ્રાઇવેટ ટ્રેન ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આમાં ‘તેજસ’ સિવાય ‘વંદે ભારત’ જેવી દેશની સૌથી ઝડપી સેમી હાઈસ્પીડ પ્રીમિયમ ટ્રેનનો સમાવેશ થાય છે, જેના ઉત્પાદનને આવનાર વર્ષમાં વધારવામાં આવશે.

ટ્રેનમાં હશે પ્રાઇવેટ ટિકિટ ચેકીંગ સ્ટાફ :

પ્રાઇવેટ ટ્રેનમાં પ્રાઇવેટ ઓપરેટરને ભાડું નક્કી કરવા ઉપરાંત ટ્રેનની અંદર પોતાની રીતે ટિકિટ ચેકીંગ સ્ટાફ, કેટરિંગ અને હાઉસકીપિંગ સ્ટાફ રાખવાની છૂટ આપવામાં આવશે. જયારે પાઇલટ અને ગાર્ડ અને સુરક્ષા કર્મી રેલવેના રહેશે. રેલવે પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રનિંગ સ્ટાફનો ઉપયોગ કરવા માટે પ્રાઇવેટ ઓપરેટર પાસે પૈસા વસુલ કરશે.

જોકે લખનૌ – દિલ્હી તેજસ એક્સપ્રેસનું સંચાલન રેલવેનું જ એક પીએસયુ આઇઆરસીટીસી ખાનગી કંપનીઓના સહયોગથી કરી રહ્યા છે. આમાં આઇઆરસીટીસી અને પ્રાઇવેટ ઓપરેટર વચ્ચે કન્સેશન એગ્રીમેન્ટ થશે, અને બંને તે મુજબ જ કામ કરશે. આ સિવાય આઇઆરસીટીસીને પ્રાઇવેટ ઓપરેટર પાસેથી નફામાં ભાગીદારી મળશે. અને તેમાંથી તે રેલવેને ભાડું આપશે.

વિદેશમાંથી ટ્રેનની આયાત કરવા માટે છૂટ આપવામાં આવશે :

પરંતુ જયારે આગળ ચાલીને પુરી રિતે પ્રાઇવેટ ટ્રેનનું સંચાલન થશે, ત્યારે રેલવે બોર્ડ પોતે અંગત ઓપરેટર સાથે સીધા કન્સેશન એગ્રીમેન્ટ કરી શકશે, અને ખાનગી ઓપરેટર પાસેથી નફામાં ચોક્કસ પ્રમાણમાં ભાગ પ્રાપ્ત કરશે. આવી સ્થિતિમાં પ્રાઇવેટ ઓપરેટરના રોલિંગ સ્ટોકને નક્કી કરવામાં પણ છૂટ મળશે. તે પછી ઈચ્છે તો વિદેશમાંથી ટ્રેનની આયાત કરી સંચાલન કરી શકશે.

આના પર ભારતીય રેલના કારખાનામાં બનેલી ટ્રેનનો જ ઉપયોગ કરવો તેવી શરત લાગુ પાડવામાં આવી નથી. રેલવે બોર્ડના એક ઉચ્ચ અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું છે કે, ‘પ્રાઇવેટ ઓપરેટર જ્યાંથી ઈચ્છે ત્યાંથી પોતાની ટ્રેન લાવી શકશે. રેલવેમાંથી જ ટ્રેનને ખરીદવી એવું જરૂરી નથી.’

પ્રાઇવેટ ટ્રેનના લીધે સામાન્ય ટ્રેન મોડી પડશે :

રેલવેની સૌથી મોટી યુનિયન ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (એઆઇઆરએફ) ના મહા સચિવ શિવગોપાલ મિશ્રાએ રેલવેના ઇરાદાઓ પર વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમને આ શરતો વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.’ તેમણે કહ્યું કે, પ્રાઈવેટ ટ્રેનમાં માત્ર સુખી સંપન્ન લોકો જ યાત્રા કરી શકશે. સંચાલનમાં પ્રાઇવેટ ટ્રેનને પ્રધાનતા આપવાથી સામાન્ય ટ્રેન મોડી પડશે, જેનાથી સામાન્ય યાત્રી પરેશાન થશે. આ સિવાય હજારો ટિકિટ સ્ટાફ, ટીટીઇ વગેરેની નોકરીઓ જશે. અમે ટ્રેનના સંચાલનનો બરાબર વિરોધ કરીશું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.