સગા ભાઈઓનો જમીનના ભાગલા બાબતે બનેલો આ પ્રસંગ દરેક માટે પ્રેરણાના ઝરણાં સમાન છે.

શેઢા માટે ક પાઈ મરતા ભાઈઓની વાતો આપણે ખૂબ સાંભળી છે. આજે શેઢો નહીં, જમીનનો અમુક ભાગ સ્વેચ્છાએ, વર્ષો પહેલા પડેલા ભાઈઓ ભાગે આવેલી જમીનમાંથી છોડી દેવાની ઘટનાની વાત કરવી છે. મારા બાપાએ બેસાડેલા દાખલાની રોચક વાત હરખથી આપ સામે મૂકું છું.

પિતાના ચહેરા પરની ચમક :

સમય નામનું અવિરત ફરતું ચક્ર ક્યારેય અટકતું નથી. એ અનેક ઘટનાઓ, પ્રસંગો અને બનાવોને પોતાના પડખામાં સંકોરીને સાચવી રાખે છે. સચવાયેલા આ ખટમીઠા અને મધુર પ્રસંગો ચિરકાળ સુધી આપણા સ્મૃતિપટ ઉપર સચવાયેલા રહે છે. ન ગમતા અને ખરાબ પ્રસંગો પણ આપણી સ્મૃતિમાં સચવાયેલા હોવાથી એ આપણને સમયાંતરે ચલિત કરતા હોય છે.

કેટલાક એવા પ્રસંગો પણ હોય છે કે એ આપણને અંદરથી આનંદ આપતા હોય છે. સારી પ્રવૃતિ આપણા દ્વારા કે કોઈ અન્ય દ્વારા થઈ હોય છે તો એ આપણને અંદરથી આનંદ આપ્યા કરતી હોય છે. ઘણીવાર આવી પ્રવૃતિ આપણા માટે પ્રેરણાદાયી પણ બનતી હોય છે. એક રીતે આ પ્રસંગોની રંગીન ભાત થકી જ આપણું પોત ઘડાતું હોય છે.

મને આવો જ એક પ્રસંગ યાદ આવે છે, જે મારી સ્મૃતિમાં સચવાઈ ને પડેલો છે. આ પ્રસંગ મારા માટે પ્રેરણાના ઝરણાં સમાન છે.

મારા પિતાજીને એ ચાર ભાઈ. પિતાજી સૌથી મોટા. ચારેય ભાઈ જુદા થયા એના બે દાયકા પછીની આ વાત છે.

પંચો, આગેવાનોની હાજરીમાં સહમતિથી જમીન, મકાન, ગાડી, બળદ અને ભેંસોના ભાગ પડી ગયા હતા. બોરડી વાળું ખેતર કુલ બત્રીસ વીઘાનું હતું. ઉપરનો ભાગ ૧૬ વીઘા અને નીચેનો ભાગ ૧૬ વીઘા મળીને ૩ર વીઘા થતું હતું. વચ્ચેથી નાનકડી કેડી પસાર થતી હતી. જેનો ગામના સૌ લોકો એક ખેતરથી બીજા ખેતર જવા ઉપયોગ કરતા હતા.

ઢાળ ઢોળાવ અને ખાડા-ટેકરાવાળા ખેતરને પિતાજી અને કાકાએ ખૂબ મહેનત કરીને સમતલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વચ્ચે ઢોળાવ અને બંને બાજુ વેણ (નીચાણ વાળો ભાગ) હોવાથી દર વર્ષે વરસાદમાં જમીનનું મોટા પાયે ધોવાણ થતું હતું એટલે અમુક અમુક અંતરે મોટા શેઢા (પાળા)નાંખી ઘરો ઉગાડી ખેતરને પાર્ટ પાડી ધોવાણ અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો.

[નોંધ: તસવીરમાં દેખાતા આ સત્ય ઘટનાના પાત્રોમાં ડાબી બાજુ લાકડીના ટેકે ઊભા છે એ મારા બાપા નરશીભાઈ છે. વચમાં મોટાકાકા અને પછી જે છે એ ડાયાકાકા છે. (ફોટો તાજેતરનો છે. એક કાકાનું અવસાન થયેલું છે એટલે ફોટામાં ત્રણ ભાઈ જ દેખાય છે.)]

જુદા થયા ત્યારે આ જ પાળા (શેઢા)ને સરહદ ગણી ખેતરના ચાર ભાગ પાડી ચારેય ભાઈઓ વચ્ચે પાના નાંખી જમીન સર્વસંમતિથી વહેંચવામાં આવેલી. ઉપરવાસના ભાગે સવજીકાકાનો ભાગ, પછી અમારો ભાગ, પછી ડાયા કાકાનો ભાગ અને છેલ્લે સૌથી નાના કાકા ગોરધનકાકાનો ભાગ આવેલો.

સર્વસંમતિથી પાડવામાં આવેલ ભાગ પૈકી અમારા અને સવજીકાકાના ભાગે આવેલ ભાગ થોડો વધુ લાગે. ડાયાકાકાને થોડો ઓછો અને ગોરધનકાકાને સાવ ઓછો ભાગ આવેલો એ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે. ગોરધન કાકાને એકાદ વીઘા ઓછું હોય અને ડાયાકાકાને અડધો વીઘો ઓછું હોય એમ અજાણ્યાને પણ લાગે.

પણ, જે તે વખતે સારી મોળી જમીન અને ધોવાણ અટકાવવા બાંધેલા પાળાને જ સર્વસંમતિથી આખરી ગણવામાં આવેલા એટલે કોઈને કોઈ વાંધો કે તકરાર નહોતા. સૌ સૌનો ભાગ ખેડી ખાતા હતા. ક્યાંય કોઈ તકરાર કે ક્યાંય કોઈ રાગદ્વેષ નહોતો. સૌ સંપીને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.

આમને આમ થોડા વર્ષો ચાલ્યું. અમે અભ્યાસ પૂરો કરી નોકરીએ લાગી ગયા હતા. પિતાજી હજુ ગામડે ખેતીનું કામ સંભાળતા હતા. વેકેશનમાં અને રજાઓમાં અમે ગામડે જઈએ ત્યારે હું, મોટાભાઈ અને પિતાજી જમીનના ભાગની વિસંગતતા વિશે ચર્ચા કરીએ. ગોરધનકાકાનો ભાગ ઓછો હોવાની ચર્ચા થાય. ડાયાકાકાને પણ નાનકડું નુકસાન થઈ રહ્યું હોવાની વાત થાય. પિતાજી અને અમે બંને ભાઈઓ સર્વસંમતિથી વર્ષો પહેલા લેવાયેલા નિર્ણયથી વાકેફ હતા.

બે-ચાર ચાસ જમીન ઓછાવત્તા અંશે ભાઈઓ ભાગ વખતે ઓછીવત્તી આવે એ સ્વાભાવિક હતું. વળી, કોઈનો વિરોધ પણ નહોતો. છતા ત્રણેય વચ્ચે ચર્ચા થયા પછી નક્કી થાય કે આપણે બધું ફરી વખત મપાવીને નવેસરથી ભાગ પાડવા જોઈએ. એકાદ-બે વરસ સુધી આ બાબતે મળીએ ત્યારે ચર્ચા થાય પણ પછી નવેસરથી માપવાની વાત લટકી પડતી હતી. મોટાકાકા જમીન માપવા તૈયાર થાય કે કેમ તથા માપણીના પૈસા કોણ આપે જેવી વાતે વાત અટકી પડતી હતી.

વર્ષ ર૦૦૬માં અમે ગામડે ગયા ત્યારે ફરી વખત અમારા ત્રણેય વચ્ચે આજ મુદ્દો ફરી ચગ્યો. જેમના ભાગે ઓછી જમીન આવતી હતી એ બંને કાકા તો ભાવનગર હીરા ઘસતા હતા. એમને કે મોટા કાકાને કોઈ વાત ક્યારેય થઈ જ નહોતી. આખરે અમે ત્રણેય બાપ-દીકરાએ અંદરોઅંદર નક્કી કરી નિર્ણય લઈ લીધો કે અમારે અમારું એકનું જ ખેતર મપાવવું. વધું હોય તો એટલો ભાગ ડાયાકાકાના ખેતર બાજુ છોડી મૂકવો. નવા ખૂંટા ખોડી ડાયાકાકાને જાણ કરવી કે હવેથી તમે નવા ખૂંટા મુજબ ખેતરનો શેઢો ગણી વાવેતર કરજો.

ઉનાળાના વેકેશનની શરૂઆત થઈ એટલે અમે બંનેભાઈ બોટાદથી ગામડે આવ્યા. સાથે જમીન માપવાવાળા માપણીદારને પણ લેતા આવ્યા. અમારી જમીન અમે સ્વખર્ચે નવેસરથી મપાવી. ખેતરે માપણીદાર અને અમે ત્રણ બાપ-દીકરા સિવાય બીજું કોઈ નહોતું. એકાદ કલાકની મહેનત પછી અમારી જમીન મપાઈ ગઈ.

લગભગ દસ ડગલા જેટલી જમીનનો ઊભો પટ્ટો ચાર વીઘા માપ્યા પછી વધતો હતો. માપણીદારે માપી આપ્યા મુજબ અમે નવેસરથી ખૂંટા (પથ્થર) ખોડી નવી સરહદ આંકી ને વધેલા દસ ડગલાનો ઊભો પટ્ટો ડાયાકાકાના ખેતર બાજુ છોડી દીધો. માપણી વાળો ગયો એટલે અમે ઘર તરફ પ્રયાણ કર્યું.

રસ્તામાં થયેલી વાતચીતથી એટલું તો ફલિત થતું હતું કે પિતાજી અને અમે બંને ભાઈઓને સંતોષ થયો હતો. કોઈ વાદ-વિવાદ કે માંગણી વિના અડસટ્ટે પડેલા ભાગથી કાકાને થતો અન્યાય દૂર કરવા જાતે જ માપણીદાર લાવીને વધેલી જમીન છોડી દીધી એ વાતે પિતાજી પણ ખૂબ રાજી હતા. રસ્તામાં પિતાજીએ અમને કહ્યું પણ ખરું કે, ‘સારું થયું. કે’દુના જમીન મપાવવી મપાવવી કરતા ‘તા તે આજ પત્યું. કાકાને સાંજે ફોન કરીને કય દેવી કે હવે તમે નવા શેઢા મુજબ વાવેતર કરજો.’

અમે ઘેર આવ્યા. પાણી પીધું. બાને વાડીની સઘળી હકીકતની વાત કરી. એમણે પણ હકનું હોય એ જ લેવું એવી વાત કરી.

સાંજે અમે ડાયાકાકાને ફોન કરીને જાણ કરી. મોટાભાઈ હરજીભાઈએ સઘળી વાતથી કાકાને વાકેફ કર્યા. કાકા પણ ફોનમાં વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈએ કીધું જ નહોતું, કે કોઈના મનમાં ઓછી જમીન અંગે પ્રશ્ન પણ નહોતો એટલે કાકાને વધું નવાઈ લાગી. વાત ચાલતી હતી ત્યારે પિતાજી દીવો કરી ભગવાનની આરતી કરી રહ્યા હતા.

શેઢા માટે કપાઈ મરતા કે વેર બાંધી લેતા ભાઈઓના દાખલા આપણે ત્યાં અનેક વખત બન્યા છે. પણ વગર માગ્યે કે વગર કીધે વધુ લાગતી જમીન માપીને વધરાનો ભાગ નિસ્પૃહી બની છોડી દેવો અઘરું કામ છે. જે કામ અમે કરી શક્યા છીએ એનો અમને આનંદ છે.

આજે પણ અમે પિતા સાથે બેઠા હોઈએ અને આ વાત નીકળે એટલે પિતાના ચહેરા ઉપર અનેરી ચમક છવાઈ જાય છે.

-રવજી ગાબાણી