આ છે ભારતનો સૌથી જુનો કેસ જે 221 વર્ષથી આજ સુધી છે પેન્ડીંગ, કુલ આંકડા જાણીને ચકિત થઈ જશો.

ભારતની કોર્ટોમાં એટલા કેસ પેન્ડિંગ છે કે ઉકેલવામાં સદીઓ નીકળી જાય, અહીં જાણો તેના આંકડા.

“તારીખ પે તારીખ, તારીખ પે તારીખ,

તારીખ પે તારીખ ઔર તારીખ પે તારીખ મિલતી રહી હૈ,

લેકિન ઈંસાફ નહીં મિલા માય લોર્ડ ઈંસાફ નહીં મિલા

મિલી હૈ તો સિર્ફ તારીખ.”

બોલીવુડની ફિલ્મ દામિનીમાં સની દેઓલનો આ ડાયલોગ તો તમને બધાને યાદ જ હશે. આ ડાયલોગ અહીં એટલા માટે લખવામાં આવ્યો છે, કારણ કે આજે અમે દેશની કોર્ટોમાં રહેલા પેન્ડિંગ કેસની વાત કરવા જઈ રહ્યા છીએ.

કોલકાતા હાઈકોર્ટ દેશમાં બનાવવામાં આવેલી પહેલી હાઈકોર્ટ હતી. તેની સ્થાપના ઈ.સ. 1862 માં થઇ હતી. વર્તમાનમાં કોલકાતા હાઈકોર્ટ દેશની સૌથી વધુ પેન્ડીંગ કેસો વાળી કોર્ટ માનવામાં આવે છે. તેમાં હાલમાં 2.25 લાખ કેસ પેન્ડીંગ છે. તેમાં 9,979 કેસ એવા છે જે 30 વર્ષથી વધુ વર્ષોથી પેન્ડીંગ છે. પણ ભારતમાં એક એવો કેસ પણ છે જે 221 વર્ષોથી પેન્ડીંગ છે. તેને દેશનો સૌથી જુનો પેન્ડીંગ કેસ પણ કહેવામાં આવે છે.

ભારતનો સૌથી જુનો પેન્ડીંગ કેસ : નેશનલ જુડીશીયલ ડેટા ગ્રીડ મુજબ કોલકાતા હાઈકોર્ટનો કેસ નંબર AST/1/1800 દેશનો સૌથી જુનો પેન્ડીંગ કેસ છે. 221 વર્ષ જુનો આ કેસ પહેલી વખત ઈ.સ. 1800 માં એક નીચલી કોર્ટમાં રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં છેલ્લી સુનાવણી 20 નવેમ્બર 2018 ના રોજ કોલકાતા હાઈકોર્ટમાં થઇ હતી.

કોલકાતાની નીચલી કોર્ટની ફાઈલોમાં લગભગ 170 વર્ષ પેન્ડીંગ રહ્યા પછી 1 જાન્યુઆરી 1970 ના રોજ આ ઐતિહાસિક કેસ AST/1/1800 કોલકાતા હાઈકોર્ટમાં રજીસ્ટર કરવામાં આવ્યો. પણ અફસોસની વાત તો એ છે કે, હાઈકોર્ટમાં પણ આ કેસને છેલ્લા 51 વર્ષથી માત્ર તારીખ પર તારીખ જ ભાગ્યમાં મળી છે.

NJDG ના ચોંકાવનારા આંકડા : નેશનલ જુડીશીયલ ડેટા ગ્રીડ (એનજેડીજી) ના આંકડા મુજબ દેશભરના લગભગ 17000 જીલ્લા અને તેના અંતર્ગત આવતી કોર્ટોમાં હજુ પણ 1,00,639 કેસ પેન્ડીંગ છે, જે 30 વર્ષથી વધુ જુના છે. જયારે દેશમાં કુલ પેન્ડીંગ કેસોની સંખ્યા 3.9 કરોડ છે. જુદી જુદી હાઈકોર્ટોમાં 58.5 લાખ કેસ અને સુપ્રીમ કોર્ટમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ છે.

દેશની 24 હાઈકોર્ટમાં લગભગ 49 લાખ કેસ પેન્ડીંગ : વર્તમાનમાં ભારતની કુલ 24 હાઈકોર્ટમાં લગભગ 49 લાખ કેસ પેન્ડીંગ છે. તેમાંથી લગભગ 10 લાખથી વધુ કેસ તો એવા પણ છે જે 10 થી 30 વર્ષથી પેન્ડીંગ છે. દેશની સૌથી મોટી હાઈકોર્ટ ઇલાહાબાદ હાઈકોર્ટમાં 38 હજાર કેસ 30 વર્ષથી વધુ જુના છે.

ભારત સરકાર તરફથી કરવામાં આવેલા એક સર્વે મુજબ જો દેશમાં આ ગતિથી કેસની નિકાલ આવશે તો આ બધા કેસ પુરા થવામાં 324 વર્ષ લાગી શકે છે.

આ માહિતી સ્કૉપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.