પંડિતજી ના તો ચાંદલો કરે છે કે ના તો પ્રસાદ મળી રહ્યો છે, જ્યારે માતા સામે મિનિટો સુધી ઉભા રહેવાની તક મળી

પાંચ મહિના પછી શરુ થઇ માં વૈષ્ણોદેવીની યાત્રા હવે ઘણી બદલાઈ ગઈ છે, જાણો નવી સુવિધાની સાથે કેવી રીતે સાવધાની રાખવામાં આવી છે

રવિવારે સવારે 6 વાગ્યાથી શરુ થઇ માં વૈષ્ણોદેવીની યાત્રા, કોરોનાને કારણે ઘણી ઓછી સંખ્યામાં આવ્યા ભક્તો

દરેક ભક્તનું તાપમાન તપાસવામાં આવ્યું, જમ્મુના સ્થાનિક લોકોને કોરોના પરીક્ષણ કર્યા વગર મળ્યો મંદિરમાં પ્રવેશ

પાંચ મહિના પછી શરૂ થઇ માં વૈષ્ણોદેવીની યાત્રા હવે ઘણી બદલાઈ ગઈ છે. હવે જે ભક્તો માતાના દરબારમાં દર્શન માટે આવી રહ્યા છે, તેને ન તો પંડિતજી તિલક કરી રહ્યા છે કે ન તો પ્રસાદ આપી રહ્યા છે. અગાઉ મંદિરના પ્રાંગણમાં પ્રસાદ ઉપલબ્ધ હતો, જે લઈને ભક્તો માતાને અર્પણ કરતા હતા અને પછી તેમની સાથે લઇ જતા હતા, પરંતુ હવે પ્રસાદની બધી દુકાનો બંધ છે. ભવનની અંદર કોઈ વસ્તુ લઈને પ્રવેશ નથી કરી શકતા.

બેલ્ટ, મોબાઈલ, પર્સ પણ ભવનની બહાર જ જમા કરવામાં આવી રહ્યા છે. જો કે, પહેલા જ્યાં ભક્તો માતાની સામે સેકંડમાં દૂર કરવામાં આવતા હતા, હવે ત્યાં શ્રદ્ધાળુઓ ત્રણથી ચાર મિનિટ સુધી પણ ઉભા રહી શકે છે, કારણ કે અત્યારે મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી છે.

રવિવારે સવારે અમારી યાત્રા તારાકોટ રૂટથી શરૂ થઈ હતી. તમામ મીડિયાકર્મીઓને એમ્બ્યુલન્સ વાન દ્વારા માતાના દરબારમાં લઇ જવામાં આવ્યા હતા. માતાના સંકુલમાં પહોંચતા પહેલા હાથની સફાઇ કરવામાં આવતી હતી અને સામાન બહાર જ જમા કરાવવી દેવામાં આવતો હતો. ત્યાર પછી અમારી એન્ટ્રી માતાના દરબારમાં થઇ. પ્રાકૃતિક ગુફા ઉપરાંત, અન્ય ત્રણ ગુફાઓ અંદર બનાવવામાં આવી છે, જ્યાંથી માતાના દર્શન થાય છે. આમાંની બે ગુફાઓ બંધ છે. માત્ર એક જ ગુફાથી ભક્તોને અંદર મોકલવામાં આવી રહ્યા છે.

આ ગુફામાં ભક્તો એક તરફથી જઈ રહ્યા છે અને બીજી બાજુથી પાછા આવી રહ્યા છે. અહીંયાથી અમે પણ માતાની પવિત્ર ગુફામાં પ્રવેશ કર્યો. થોડી સેકંડમાં જ અમે માતાના દરબારમાં પહોંચી ગયા. પંડિતજીએ તિલક ન લગાવ્યું. આરતી-પ્રસાદ પણ આપવામાં આવ્યો ન હતો. જો કે, દર્શન કરવા વાળા નક્કી કરેલા જ ભક્તો જ હતા, તેથી અમે લાંબા સમય સુધી માતાના દરબારમાં ઉભા રહી શક્યા. પછી આ ગુફાના પાછા ફરવાના રસ્તેથી પાછા ફર્યા.

રસ્તામાં અમને ઘણા ભક્તો મળ્યા, જેમણે સવારે 6 વાગ્યે યાત્રા શરૂ કરી હતી અને બપોરે 11 વાગ્યાની આસપાસ ભવન નજીક આવી ગયા હતા. ઘોડા-ખચ્ચર અને પાલખીની સેવાઓ હજી શરૂ કરવામાં આવી નથી, તેથી મુસાફરોને નીચેથી પગપાળા જ જવું પડે છે. જોકે, હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે.

તેનું એક તરફનું ભાડું (કટરાથી સાંઝીછત) 1 હજાર 45 રૂપિયા છે. બંને તરફનું ભાડું(આવા અને જવા) 2 હજાર 90 રૂપિયામાં થઇ જાય છે. જો કે, સાંઝીછતથી પણ માતાના ભવનનું અંતર લગભગ 3 કિ.મી. છે, જેને પગપાળા જ પૂર્ણ કરવું પડે છે. તેમ જ અર્ધકુંવારીથી બેટરી કારની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે. આ સાથે અહીંયાથી ભૈરવનાથ સુધી રોપવે પણ શરૂ કરવામાં આવ્યો છે.

તેમ જ પસંદગીના સ્થળોએ શ્રાઇન બોર્ડે લંગર શરૂ કર્યા છે. અહીંયા સામાજિક અંતરને અનુસરીને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. જો યાત્રા યોગ્ય રીતે ચાલુ રહે અને કોરોનાનો કોઈ કેસ ન આવે તો શ્રાઇન બોર્ડ ટૂંક સમયમાં ભક્તોની સંખ્યામાં વધારો કરશે. શ્રાઇન બોર્ડ દ્વારા કોરોના અંગે કડક માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.

જે ભક્ત બહારના રાજ્યો માંથી આવશે તેમણે અહીંયા કોરોના ટેસ્ટ કરાવવાનો જ રહેશે. જો તમે તમારા ક્ષેત્રમાંથી કોરોના રિપોર્ટ લઈને આવો છો, તો પણ તમારે અહીંયા આવીને કોરોનાની ઝડપી તપાસ કરવી પડશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ મુસાફરી કરવાની પરવાનગી મળશે. દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ જરૂરી છે.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઇઓ રમેશ કુમાર સાથે ભાસ્કરના પત્રકાર અક્ષય બાજપેયીએ ખાસ વાતચીત કરી હતી. વાંચો, તેમણે યાત્રા વિશે શું કહ્યું ….

પ્રશ્ન – દેશભરમાંથી જે લોકો યાત્રા માટે આવી રહ્યા છે, તેમના માટે શું શું કરવું જરૂરી છે?

જવાબ – સૌથી પહેલાં તો યાત્રા માટે ઓનલાઇન નોંધણી કરવી પડશે. આ વખતે માત્ર બે હજાર લોકોને મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે. તેમાંથી 1900 સ્થાનિક અને 100 બહારના લોકો હશે. બહારથી આવતા મુસાફરો માટે કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને યાત્રાની મંજૂરી આપવામાં આવશે. દરેક માટે ફેસ માસ્ક પહેરવું ફરજિયાત છે.

દરેક જગ્યાએ થર્મલ સ્કેનરો મૂકવામાં આવ્યા છે, બધાએ તેમાંથી પસાર થઈને આવવું પડશે. ફક્ત એસિંપ્ટોમૈટિક મુસાફરોને જ મંજૂરી આપવામાં આવશે, એસિંપ્ટોમૈટિક મુસાફરો, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બેટરી કાર, હેલિકોપ્ટર અને રોપ વે સામાજિક અંતર સાથે ચલાવવામાં આવશે.

પ્રશ્ન – જે મુસાફરો પાસે નવીનતમ કોવિડ રિપોર્ટ છે, તેઓને અહીંયા પણ પરીક્ષણ કરાવવું પડશે?

જવાબ – હા, કોઈપણ વ્યક્તિ જે બહારથી આવે છે, તેને અહીંયા કોવિડ ટેસ્ટ કરાવવો પડશે.

સવાલ – મોટા ભાગની રેસ્ટોરાં અને હોટલો કટરામાં બંધ છે, ભક્તોને રહેવા-જમવાની શું વ્યવસ્થા છે?

જવાબ – કટરામાં નિહારિકા ભોજનાલય, આધકુંવારીની ભોજનાલય, તારાકોટનું લંગર અને અહીંયા ભવનનું ભોજનાલય ખોલવામાં આવી છે, જેથી મુસાફરોને કોઈ પ્રકારની તકલીફ ન પડે. આ ઉપરાંત મુસાફરો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રશ્ન – અત્યારે મુસાફરોની મર્યાદા 2 હજાર છે, શું તેમાં વધારો કરવામાં આવશે અને જો તે વધારવામાં આવશે તો ક્યા સુધી અને કેટલા?

જવાબ – સમય – સમય ઉપર તેની સમીક્ષા કરવામાં આવશે. અત્યાર સુધીની માર્ગદર્શિકા મુજબ સપ્ટેમ્બર સુધીની મર્યાદા 5 હજાર છે.

પ્રશ્ન – રસ્તામાં જે દુકાનો બંધ છે, તેને ક્યાં સુધીમાં ખોલવામાં આવશે?

જવાબ – આ દુકાનો યોજનાબદ્ધ રીતે ખોલવામાં આવશે, જેથી આવનારા મુસાફરોને કોઈ તકલીફ ન પડે.

પ્રશ્ન – હેલિકોપ્ટર અને રોપ-વે અંગેની માર્ગદર્શિકા શું છે?

જવાબ – હેલિકોપ્ટર અને રોપ વે ચાલશે. આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે. જો હેલિકોપ્ટરમાં બેઠકો હશે તો તત્કાલ બુકિંગ આપી શકાય છે.

બહારથી આવતા ભક્તો માટે શું કરવું જરૂરી રહેશે

કોરોના પરીક્ષણ કરાવીને આવે અને રીપોર્ટ સાથે લાવે. જો કે એક ઝડપી પરીક્ષણ અહિયાં પણ થશે.

મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખો.

ફેસ માસ્ક અથવા કવર લઈને આવો.

ઓનલાઇન નોંધણી કરાવી લો.

હોટેલ બુકિંગ પણ ઓનલાઇન શરૂ થઇ ગયું છે, તમે અગાઉ પણ કરાવી શકો છો.

કટરા સુધી અત્યારે ટ્રેનો નથી ચાલતી, તેથી તમારે જમ્મુથી ટેક્સી મારફત કટરા આવવું પડશે. જમ્મુમાં ટેક્સી ઉપલબ્ધ છે.

સાથે છત્રી પણ લાવો, જેથી વરસાદ પડે ત્યારે તમે તમારી રક્ષા કરી શકો.

પહેલાં ગર્ભગૃહમાંથી દર્શન કરવામાં અઢી કલાકનો સમય લાગતો હતો, હવે તે માત્ર પાંચ મિનિટનો સમય લાગે છે

પહેલી બેચમાં સામેલ રવિન્દ્ર દર્શન કરીને હમણાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પહેલા ગર્ભગૃહમાંથી માતા રાણીના દર્શન માટે બે થી અઢી કલાકનો સમય લાગતો હતો, પરંતુ આજે માત્ર પાંચ મિનિટમાં દર્શન થઇ ગયા. અમે પૂછ્યું કે માતા પાસે શું માગ્યું, તો તેમણે કહ્યું કે દર્શન થઇ ગયા, અમારી ઇચ્છા પૂર્ણ થઈ. અમે અહિયાં દર મહિને દર્શન માટે આવતા રહીએ છીએ, પરંતુ લોકડાઉનને કારણે 5 મહિનાથી માતાના દર્શન ન થઇ શક્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે ફરી વખત આ પ્રકારના પ્રતિબંધ લાદવામાં ન આવે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.