આમણે કરી પતરાળામાં જમવાની શરૂઆત, અઠવાડિયે એકવાર પતરાળામાં ભોજન કરીને વર્ષો જૂની પરંપરા જીવિત કરી

તમારામાંથી મોટાભાગના લોકોએ ઘણા સમય પહેલા પતરાળામાં ભોજન કર્યું હશે. જોકે હાલમાં આ પરંપરા જાણે કે બંધ જ થઈ ગઈ છે. ઘણી ઓછી જગ્યાઓ પર તમને પતરાળા જોવા મળશે. પણ જયારે એ જાણીને ઘણી ખુશી થાય છે કે, આજના મોર્ડન જમાનામાં પણ ઘણા લોકો એવા છે જે પતરાળાનો ઉપયોગ કરે છે. અને તેમણે આ પરંપરાને ફરીથી જીવંત કરી છે.

“અઠવાડિયે એકવાર ભોજન પતરાળામાં.” દોઢ વર્ષ પહેલા શરૂ કરેલો આ બદલાવ આજે ઘણો અસરદાર દેખાય રહ્યો છે. અને ઘણા બધા લોકો પતરાળાનો ઉપયોગ કરતા થયા છે. લોકો ઓછામાં ઓછું એકવાર પતરાળામાં ભોજન કરીને આ અભિયાનમાં પોતાનો સહકાર આપી રહ્યા છે. અને આપણી વર્ષો જૂની પરંપરાને જીવંત રાખવામાં પોતાનો સહયોગ આપી રહ્યા છે.

બદલાવ આપણાં માટે, બદલાવ આપણાં પોતાનાઓ માટે અભિયાન અંતર્ગત અઠવાડિયે એકવાર ભોજન પતરાળામાં. જાણીતા વૈદ્ય.પ્રકાશ ચૌહાણે આ બાબતે ખુબ સરસ લખ્યું પણ છે. આવો તેમણે લખેલી વાતો જાણીએ.

કદાચ આજની યુવા પેઢીને આ વાંચતા સાથે કદાચ પહેલો પ્રશ્ન થાય‌, આ પતરાળા એટલે શું વળી?

સામાન્ય રીતે ખાખરા (પલાશ), વડ, કમળનાં પાનને લીમડા અથવા વાંસની પાતળી સળીઓ દ્રારા વર્તુળાકારે જોડી ભોજન માટે બનતો એક પૂર્ણ સ્વદેશી થાળ એટલે પતરાળા.

૮૦-૯૯ નાં દશકામાં વડીલોએ પોતાના જીવનની ઘણી યાદો આ પતરાળા સાથે જીવી હશે. અને ચોક્કસ પણે એ સ્વીકારવું જ રહ્યું કે, એ સમયે ખુબ જ ઓછા શિક્ષણ વચ્ચે’ય આવી પરંપરાઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખુબ જ સ્પષ્ટ હતાં. પરંતુ આજની આ આધુનિક યુગની હવાની લહેરોએ આ બધું ક્યાંય ઉડાવી દીધું. હવે આજે જયારે આપણે કુદરતનાં વિવિધ તત્વો જેવા કે પાણી, પર્યાવરણ, વૃક્ષને મલીન કરી ચુક્યા છીએ, ત્યારે પુનઃ આવા બદલાવોની તાતી આવશ્યકતા છે.

પતરાળાનાં રોજિંદા ઉપયોગથી થતા ફાયદાઓ :

(૧) ભૌતિક ફાયદાઓ :

‘જળ એ જ જીવન’ સૂત્રને પરિપૂર્ણ કરતું હોય એમ પહેલી નજરે જ આનાં ઉપયોગથી પાણીની બચત થાય છે. વળી બીજુ આ જળને ઉપયોગમાં લેવા માટે વપરાતી વીજળીની પણ દેખીતી બચત થાય છે.

છેલ્લા એક વર્ષનો મારા પોતાનાં જ ઘરનો અનુભવ જણાવું તો ઘરનાં ૨ વ્યક્તિઓ માટે એક સમયનાં ભોજનની ૨ ડીશ પ્રમાણે દિવસની કુલ ૬ ડીશ ધોવા માટે ૧૦-૧૨ લીટર પાણી લગીરે વેડફાય જાય છે. આવા સોસાયટીનાં ૫૦ ઘરો વિશે પાણી અને એ પાણી માટે વપરાતી વીજળીનાં આંકડાઓ હૃદયઘાત કરનારા છે હોં.

પતરાળા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે એમાં કોઈ બે-મત ન હોઈ શકે. ઓર્ગેનિક ખેતી તરફ હરણ ફાળ ભરતા સમાજને ખાતર માટેનો કાચો માલ આનાં વપરાશ પછી ડી-કમપોસ્ટ દ્વારા મળી રહેશે. ગ્રામ્ય જીવનનો એક મોટો વર્ગ જેણે દશકાઓ સુધી પતરાળા બનાવવાનાં ગૃહ ઉદ્યોગથી આજીવિકા મેળવી હતી એને પુનઃ પ્રસ્થાપિત કરી શકાશે.

(૨) શારીરિક ફાયદાઓ :

આયુર્વેદ મુજબ ખાખરો પોતે કૃમિ નાશક ગુણ ધરાવે છે, એટલે એનાં પાનમાં ભોજન લેવાથી પાચન સંબઘી સમસ્યાઓ દુર થાય છે. વળી અતિશયોક્તિ રૂપ એવું’ય કહેવાય છે કે સુવર્ણ પાત્રમાં જમવા સમાન ફાયદા ખાખરાનાં પાનમાં જમવાનાં છે. અને હાલતો વૈજ્ઞાનિક સંશોધનો દ્રારા એ અંશતઃ સાબિત પણ થઈ ચૂક્યું છે.

(૩) આધ્યાત્મિક ફાયદાઓ :

જમીનથી બે ફૂટ ઉપર ડાયનિંગ ટેબલનાં ક્લચરથી દુર પુનઃ જમીન સાથેનાં જોડાણનાં તારને સાંઘી શકાશે. જેથી અજાણતાં’ય સેલ્ફ ઈગોને ભૂલી ડાઉન ટુ અર્થ રહેવા પ્રેરણા મળશે. વળી આ બધા ફાયદાઓથી કંઈક હજારો લાખો ગણો ફાયદો તો એ છે કે, જેમ “કમાતો દીકરો વ્હાલો લાગે” એમ વૃક્ષની આડપેદાશોની કિંમત સમજાય તો આપોઆપ વૃક્ષ જતન માટે જાગૃતિ આવે. અને આમેય એક ઋતુમાં વૃક્ષોનાં પાન ખરી જતાં હોય છે જેની આનાથી વિશેષ ઉપયોગીતા મને તો કોઈ જણાતી નથી.

દોઢ વર્ષ પહેલા મારા આ અભિયાનની શરૂઆત સમયે ઘણાં પ્રશ્નો, ઘણી સમસ્યાઓ વચ્ચે’ય સતત પ્રયાસથી આજે લગભગ ૩૦૦ પરિવાર નિયમિત પણે અઠવાડિયે એકવાર પતરાળામાં ભોજન લેતા થયાં છે.

– વૈદ્ય.પ્રકાશ ચૌહાણ.

તો મિત્રો, આપણે પણ પ્રણ લઈએ કે આપણે ફરીથી આપણી પતરાળાની પરંપરાને અપનાવીએ. અને એક નવી શરૂઆત કરીએ. અમે આશા રાખીએ છીએ કે, આ માહિતીને તમે વધુમાં વધુ લોકોને શેયર કરશો જેથી તેઓ પણ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકે.