આ છે સાચા પોલિસકર્મી, ચોરાયેલા મોબાઈલ શોધી કાઢીને માલિકને પરત કરે છે

સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં હીરાભાઈ માલકિયા નામના એક કોન્સ્ટેબલ છે. તેઓ ફક્ત પોતાના શોખ માટે લોકોના ચોરાયેલા મોબીલે શોધીને પાછા આપે છે. તેમના આ કામની જાણ પોલીસ કમિશ્નર સતીશ શર્માને થઇ, તો તેમણે આ પોલીસકર્મીને ક્રાઇમ બ્રાન્ચમાં પોસ્ટિંગ કરી આપવાનું કહ્યું. પરંતુ હીરાભાઈએ જ્યાં છે ત્યાં જ રહીને આ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તમને જણાવી દઈએ કે હીરાભાઈએ 131 જેટલા ચોરાયેલા-ખોવાયેલા મોબાઈલ ફક્ત 15 મહિનામાં જ શોધી આપ્યા છે. આટલી શોધ તો શહેરના અન્ય કોઈ પોલીસ મથકનો પૂરો સ્ટાફ એક વર્ષમાં પણ કરી શક્યો નહિ. તેઓ વર્ષ 2012 માં સુરત શહેર પોલીસ બેડામાં ભરતી થયા હતા. હીરાભાઈ ટીશાભાઈ માલકિયાની શરૂઆતમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થઇ હતી.

ત્યારબાદ રાંદેર પોલીસ સ્ટેશન માંથી તેમની બદલી થઇ ઉમરા પોલીસ સ્ટેશનમાં. તેમને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળતા, તેઓ પોતાની અરજી સંદર્ભની તપાસ કરી શકતા હતા. તેઓએ થોડાક જ દિવસોમાં બે મોબાઈલ શોધી કાઢ્યા હતા. જ્યારે તેમની આ વાતની જાણ ઉમરા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડને થઈ તો તેમણે હીરાભાઈને બોલાવ્યા.

એ પોલીસ ઈન્સ્પેક્ટરે તેમણે આ મોબાઈલ કેવી રીતે શોધી કાઢ્યા તે જાણવા માંગ્યું ત્યારે હીરાભાઈ જણાવ્યું કે, સાહેબ મને ચોરાઈ ગયેલ મોબાઈલ શોધવાનું પસંદ છે. આ કામ કરવામાં ખુબ મજા આવે છે. ત્યારે પીઆઈએ જણાવ્યું કે તમારે આ જ કામ કરતા રહેવાનું છે. થોડાક જ દિવસોમાં તેમને ઘણા બધા ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા.

ઇન્વેસ્ટિગેશન કરતા આવી રીતે :

બધા મોબાઈલમાં 16 આંકડાનો આઈએમઈઆઈ એટલે કે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇકિવપમેન્ટ આઇડેન્ટિટી નંબર હોય છે. જે મોબાઈલમાં બે સીમકાર્ડ સ્લોટ હોય છે તેવા મોબાઈલના બે આઇએમઈઆઈ નંબર હોય છે. જયારે કોઈનો પણ મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ત્યારે આઇએમઇઆઇથી મોબાઈલ શોધી શકાય છે.

ચોરી કરનાર ચોર તેમાં રહેલા સિમ કાર્ડ ફેંકી દે છે અને ત્યારબાદ તે બીજા કોઈ વ્યક્તિને સસ્તા ભાવે મોબાઈલ વેચી નાખે છે. જયારે ચોરનાર વ્યક્તિ કે મોબાઈલ ખરીદનાર તે મોબાઈલમાં કોઈ સીમકાર્ડ નાખે છે, ત્યારે ટેલિકોમ કંપનીને ખબર પડી જાય છે. તરત જ ટેલિકોમ કંપની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે. જે ખોવાયેલો કે ચોરાયેલો મોબાઈલમાં જેના નામનું સિમ કાર્ડ હોય તેનું નામ, સરનામું જાણીને હીરાભાઈ તેઓ પાસેથી મોબાઈલ લઈને તેના અસલી માલિકને આપે છે.

વૃદ્ધને ઘરે જઈને મોબાઈલ પરત કર્યો :

એક વૃદ્ધ પીપલોડમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા, ત્યારે તે વૃદ્ધનો મોબાઈલ કારમાંથી ઉતરતા સમયે પડી ગયેલો. ત્યારે તેમણે પોલીસ સ્ટેશન જઈને પોતાનો મોબાઈલ ચોરાઈ ગયો તેની રિપોર્ટ કરી અને તેમણે જણાવ્યું હતું કે મારાથી વધારે ચલાતું નથી એટલે બીજી વખત પોલીસ સ્ટેશન આવી શકાશે નહિ. તેમની આ રિપોર્ટ હીરાભાઈ પાસે ગઈ. તેમણે સમય બગાડ્યા વિના ઈન્વેસ્ટીગેશન શરુ કરી નાખ્યું અને થોડા જ દિવસમાં મોબાઈલ શોધી કાઢ્યો હતો. વૃદ્ધનો મોબાઈલ મળતા જ તેઓએ તેમના ઘરે જઈને તેમને મોબાઈલ પરત કરી દીધો.

પોલીસ કમિશનર સતીશ શર્માને આ બધી વાતની જાણ થતા તેમણે હીરાભાઈને બોલાવ્યા અને જણાવ્યું, કે તમે આ કામ કેવી રીતે કરો છો? હીરાભાઈએ જણાવ્યું કે, હું ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને ખુબ મહેનતથી ટ્રેક કરું છું. અને તેનું સતત ફોટોઅપ લઉં છું. તેના કારણે મોટાભાગના કેસમાં સફળતા મળી જાય છે. તેમની કામગીરીથી ખુશ થઇ પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરી આપવાની તેમને ઓફર આપી પરંતુ હીરાભાઈએ જણાવ્યું કે સાહેબ હું જ્યાં છું ત્યાં જ બરાબર છું