પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

કાઝીરંગા પાર્કમાં પૂરે સર્જ્યો વિનાશ, 47 જીવોએ ગુમાવ્યો જીવ, જાણો વધુ વિગત

આસામમાં આવેલા ભયંકર પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્ક ખેદાન મેદાન થઇ ગયું છે. પાર્કનો 90 ટકા ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 47 પ્રાણીઓના મૃત્યુ થઇ ગયા છે. ડઝનેક પ્રાણીઓ ગુમ થઇ ગયા છે. આ ઉપરાંત જંગલમાંથી ભાગેલા વાઘ પાર્કની આજુબાજુના ગામોમાં જોવા મળ્યા છે.

કાઝીરંગા નેશનલ પાર્ક અને પોબિતોરા વન્યપ્રાણી અભયારણ્યની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. એક શિંગડાવાળા ગેંડા, હરણ અને હાથી ભાગીને ઉંચાણ વાળા સ્થાન ઉપર જતા રહ્યા છે. ઘણા પ્રાણીઓ તો ઉંચાણ ઉપર બનાવવામાં આવેલા આશ્રયસ્થાનોમાં છુપાયેલા છે.

મોટાભાગના પ્રાણીઓ કાર્બી આંગલોંગ હિલ્સ તરફ ભાગ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉદ્યાનની પાસેથી નીકળતા હાઈવે 37 ઉપર ગાડીઓની ગતિ ઘટાડવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. તેનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. કારણ કે આ રસ્તો ઓળંગીને પ્રાણીઓ ઉંચાઈ વાળા સ્થળે જઈ રહ્યા છે.

કાઝીરંગા નેશનલ પાર્ક ઓથોરિટીના જણાવ્યા મુજબ, સમગ્ર રાષ્ટ્રીય ઉદ્યાનનો 90 ટકા વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. ઉદ્યાનની અંદર બાંધવામાં આવેલા 223 શિકાર વિરોધી કેમ્પસ માંથી 166 કેમ્પસ પાણીની અંદર જતા રહ્યા છે. આ સિવાય પાર્કના કર્મચારીઓએ સાત શિકાર વિરોધી કેમ્પસ છોડી દીધા છે.

પાર્ક ઓથોરિટીએ જણાવ્યું હતું કે લગભગ 47 પ્રાણીઓના મોત થયા છે. આમાં એક ગેંડો, 41 હોગ હરણ, ત્રણ જંગલી ડુક્કર શામેલ છે. તે બધાના મૃત્યુ પાણીમાં ડૂબવાના કારણે થયા છે.

સોમવારે જ કાજીરંગા નેશનલ પાર્ક નજીકના એક ગામમાં વાઘ જોવા મળ્યો છે. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂરના પાણીથી બચવા માટે વાઘ રહેણાંક વિસ્તારોમાં છુપાવા ગયો હશે. અથવા તે કોઈ ઊંચા સ્થળની શોધમાં છે.

કાઝિરંગા નેશનલ પાર્ક નજીક કંડોલિમારી ગામમાં એક બકરીના શેડની અંદર આ નાની ઉંમરનો વાઘ જોવા મળ્યો હતો. તે તેની અંદર છુપાઈને બેઠો હતો. વન વિભાગના કર્મચારી વાઘને બચાવવા માટે તે સ્થળે ગયા હતા. તેને સલામત રીતે બચાવી લીધો હતો.

તેવી જ રીતે, મોરીગાંવ જિલ્લામાં આવેલા પોબીતોરા વન્યપ્રાણી અભયારણ્યનો 80 ટકા ભાગ પાણીમાં ડૂબી ગયો છે. આ અભ્યારણ છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત પૂરમાં ડૂબી ગયું છે. 24 શિકાર વિરોધી કેમ્પસમાંથી 12 કેમ્પસ પાણીની અંદર ગરકાવ થઇ ગયા છે.

પોબીતોરી વન્ય પ્રાણી અભ્યારણના વડા મુકુલ તામુલીએ જણાવ્યું હતું કે 29 જૂનના રોજ આવેલા પૂર પછી અત્યાર સુધી એક ગેંડાના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. 29 જૂને બીજી વખત પૂર આવ્યું હતું. અમે હાલમાં થયેલા નુકસાનની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

શિંગડાવાળા ગેંડાની સૌથી વધુ વસ્તી કાજીરંગા નેશનલ પાર્કમાં છે. અહીંયા 2600 થી વધુ એક શિંગડાવાળા ગેંડા છે. 2018 ના અહેવાલ મુજબ કાઝીરંગા પાર્કમાં 2413 અને પોબીતોરામાં 102 એક શિંગડાવાળા ગેંડા મળી આવ્યા હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.