રાજસ્થાન ઈલેક્શન 2018 : રાજસ્થાનમાં કોની કુંડળી છે મજબૂત, જુઓ કોના હાથમાં આવશે સત્તાની ચાવી

રાજસ્થાનમાં 7 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આ દિવસે અસ્ત થયેલો ગુરુ ગ્રહ ઉદિત થઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ અનુસાર જયારે જન્મ નક્ષત્ર પર ગુરુનું ગોચર હોય છે, તો આ સમય વ્યક્તિના જીવનમાં ઘણી ઉથલ-પાથલ લાવે છે. આ સંદર્ભમાં ભગવાન રામની કુંડળીનું ઉદાહરણ આપતા જ્યોતિષશાસ્ત્રી જણાવે છે કે, જયારે એમના જન્મ નક્ષત્ર પર ગુરુનું ગોચર થયું હતું ત્યારે દેવી સીતાનું હરણ થયું હતું, અને ભગવાન રામે એક જંગલથી બીજા જંગલમાં ભટકવું પડયું હતું. એવી જ દશામાં દુર્યોધનને મહાભારત યુદ્ધમાં ભાઈઓ સહિત મારી નાખવામાં આવ્યા હતા. આ સમયે રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેની કુંડળીમાં જન્મ નક્ષત્ર અનુરાધા પર અતિચારી ગુરુનું ગોચર થઈ રહ્યું છે, જે શુભ દશા નથી.

વસુંધરાથી ગુરુ છે નારાજ :

વસુંધરા રાજેની કુંડળીને વિસ્તારથી જોઈએ તો જાણવા મળે છે, કે 8 માર્ચ 1953 ના રોજ સાંજે 4 વાગ્યેને 45 મિનિટ પર મુંબઈમાં જન્મેલી વસુંધરા રાજેની કુંડળી કર્ક લગ્ન અને વૃશ્ચિક રાશિની છે. વસુંધરા રાજેની કુંડળીમાં નવમેશ ગુરુ અને દશમેશ મંગળ સ્થાન પરિવર્તન રાજયોગે એમને બે વાર રાજસ્થાનની મુખ્યમંત્રી બનાવ્યા અને જબરજસ્ત લોકપ્રિયતા આપી.

કુંડળી કર્મ સ્થાન (દશમ ભાવ) માં બેસેલા ગુરુ અને શુક્રના યોગને કારણે વસુંધરા રાજેએ શિક્ષણ અને મહિલા તેમજ બાળ કલ્યાણના ક્ષેત્રમાં રાજસ્થાનમાં ઘણું સારું કામ કર્યુ. પરંતુ વર્ષ 2015 માં શનિની સાડાસાતીને કારણે લલિત મોદી કાંડમાં નામ આવવા પર વસુંધરા રાજેની લોકપ્રિયતામાં ઘટાડો આવવા લાગ્યો. વર્તમાનમાં ચાલી રહેલી રાહુમાં ગુરુની દશા છિદ્ર અને જન્મ નક્ષત્ર પર ગોચરના ગુરુના પ્રભાવને કારણે એમણે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પ્રતિકૂળ પરિણામનો સામનો કરવો પડી શકે છે.

સચિન પાયલટના તારા અત્યારે સાથ નથી આપી રહ્યા :

રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને મનમોહન સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા સચિન પાયલટ આ સમયે પોતાની પાર્ટીના સૌથી ઉગ્ર વક્તાઓમાંથી એક માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટી તરફથી પ્રચાર કરતા સચિન પાયલટ પ્રધાનમંત્રી મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર કટાક્ષ કરવાની કોઈ તક નથી છોડતા. 7 ડિસેમ્બર 1977 ના રોજ સહારનપુરમાં જન્મેલા સચિન પાયલટની કુંડળીમાં બની રહેલો ‘શૂલ યોગ’ જ્યાં એમને એક તરફ ચપળ વક્તા બનાવે છે, તો બીજી તરફ આ યોગ એમની જ પાર્ટીની અંદર નિષ્ક્રિયતાથી પરેશાન થવાનો સંકેત પણ આપી રહ્યો છે.

સચિન પાયલટની કુંડળી વૃશ્ચિક લગ્નની છે, જ્યાં બધા ગ્રહ ત્રણ રાશિઓમાં થઈને શૂલ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આઠમાં ભાવમાં પડતા નવમાં (પિતા સ્થાન) સ્થાનના સ્વામી ચંદ્રના છઠ્ઠા (દુર્ઘટના) સ્થાનના સ્વામી ક્રૂર ગ્રહ મંગળ સાથેના જોડાણથી, વર્ષ 2000 માં જૂન મહિનામાં થયેલા કાર અકસ્માતમાં એમના પિતા રાજેશ પાયલટના મૃત્યુએ એમને ઘણો મોટો ઝટકો આપ્યો. ત્યારબાદ વર્ષ 2008 માં શરૂ થયેલા દશમાં ભાવમાં બેસેલા શનિની મહાદશામાં સચિન પાયલટએ રાજનીતિમાં પ્રવેશ કર્યો.

ચતુર્થેશ (રાજસિંહાસન) શનિ એમની કુંડળીમાં દશમેશ (રાજ્ય સ્થાન) સૂર્ય સાથે તથા લાભેશ બુધ સાથે જોડાઈને એક સારા રાજયોગમાં છે. 2009 માં સામાન્ય ચૂંટણીમાં અજમેર લોકસભા સીટ પરથી સાંસદ બન્યા પછી, સચિન પાયલટની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી. વર્તમાનમાં ચાલી રહેલ શનિમાં સૂર્યની વિંશોત્તરી દશામાં એમના નેતૃત્વમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી શકે છે. પરંતુ સૂર્ય એમની કુંડળીમાં નવમાં સ્થાનમાં નીચ રાશિમાં છે, માટે અત્યારે એમના માટે મુખ્ય મંત્રી પદ સુધી પહોંચવું મુશ્કેલ છે.

અશોક ગહલોતની કુંડળીમાં સારા યોગ :

કોંગ્રેસે હજુ સુધી નથી જણાવ્યું કે રાજસ્થાનમાં એમના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે. પરંતુ તારાની સ્થિતિ જણાવે છે કે કોંગ્રેસ તરફથી પહેલા બે વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ગહલોતને ફરી એક વાર સત્તાની ચાવી મળી શકે છે. એમની કુંડળીમાં આ દિવસોમાં ગ્રહોના સારા યોગ બનેલા છે. લગ્નના છઠ્ઠા ભાવમાં ગુરુના ગોચર અને સાતમા ભાવમાં ચાલી રહેલા શનિના ગોચર એમને સારી સફળતા અપાવી શકે છે. યોગકારક મંગળની મહાદશામાં આ સમયે સૂર્યની અંતર્દશા ચાલી રહી છે, જે લાભ ભાવમાં થઈને એમને ‘રાજ્ય-લાભ’ ના જ્યોતિષીય સંકેત આપી રહ્યા છે.