દુનિયામાં સમયની સાથે સાથે દરેક ક્ષેત્રમાં વિકાસ થવા લાગ્યો છે, પછી ભલે તે કંસ્ટ્રક્શન હોય, પરિવહન હોય, ખેતી હોય કે બેન્કિંગ હોય. દરેક ક્ષેત્રમાં સમયે સમયે નવી નવી સિસ્ટમ અને ટેક્નોલોજી આવતી રહે છે. જેમ કે પરિવહન માટે પહેલા રેલવેમાં કોલસા વાળા એન્જીન હતા, ત્યારબાદ ડીઝલ એન્જીન આવ્યા, હવે વીજળીથી ચાલતા એન્જીન આપણે વાપરી રહ્યા છીએ. દેશના અમુક ભાગોમાં મેટ્રો ટ્રેન શરુ થઇ ગઈ છે અને બુલેટ ટ્રેન પણ શરુ થવાની છે.
એવી જ રીતે બેન્કિંગ ક્ષેત્રની વાત કરીએ તો પહેલા થોડી ઘણી જ બેંકો હતી, પણ હવે ઢગલાબંધ બેંકો આવી ગઈ છે. એમાં વળી પહેલા રોકડ જમા અને ઉપાડ માટે કામ મેન્યુઅલી થતું હતું પણ હવે એના માટે ઓટોમેટિક મશીન આવી ગયા છે.
નવા જમાના સાથે નેટ બેન્કિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. અને પેટીએમ અને એયરટેલ જેવી કંપનીઓ મોબાઈલ બેંકનો વિકલ્પ પણ આપવા લાગી છે. ખાતું ખોલાવવા માટે પણ લાઈનમાં નથી ઉભા રહેવું પડતું અને ન તો હાથથી કોઈ જાતનું ફોર્મ ભરવું પડતું. બસ જરૂરી માહિતી ફોનમાં ટાઈપ કરો અને મિનિટોમાં એકાઉન્ટ ખુલી જાય છે. એવામાં ઘણા લોકોએ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પોતાના એકાઉન્ટ ખોલાવ્યા હતા.
પણ કંપની તરફથી ગેરમાર્ગ અપનાવવાના કારણે આરબીઆઇ તરફથી એના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પણ હવે એ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે અને તમે ફરીથી એમાં એકાઉન્ટ ખોલવી શકો છો, અને સાથે જ ATM કાર્ડ પણ લઇ શકો છો. જી હાં, આ વાત સાચી છે. આજના આ લેખમાં અમે તમને એના વિષે જ થોડી જાણકારી આપીશું. તો આવો જાણીએ એના વિષે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પેટીએમ બેંકમાં નવા એકાઉન્ટ ખોલવા પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. પેટીએમ પર આ પ્રતિબંધ ‘નો યોર કસ્ટમર’ (KYC) ના નિયમોના ઉલ્લંઘનને લઈને લગાવવામાં આવ્યો હતો. પ્રતિબંધ હટાવ્યા પછી પેટીએમ હવે પોતાના પેમેન્ટ બેંક અને ઈ-વોલેટ માટે એકાઉન્ટ ખોલી શકશે. જો કે કંપનીએ એના માટે નો યોર કસ્ટમરના નિયમોનું પાલન કરવું પડશે.
હકીકતમાં આરબીઆઇએ પોતાની તપાસમાં પેટીએમ દ્વારા જોડવામાં આવેલા નવા ગ્રાહકોની કેવાયસીમાં ગોટાળા પકડ્યા હતા. ઓડિટ કર્યા પછી આરબીઆઇએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 20 જૂન 2018 થી નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
જણાવી દઈએ કે હાલમાં જ પેટીએમ પેમેન્ટ્સ બેંકના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પરથી રેનુ સત્તીએ રાજીનામુ આપી દીધું છે. આરબીઆઇનો નિર્દેશ છે કે કોઈ બેંકર જ પેટીએમ બેંકનો હેડ હોઈ શકે છે, પરંતુ એની અવગણના કરીને પેટીએમએ રેની સત્તીને સીઈઓ બનાવ્યા, પણ રેનુ સત્તી આ પહેલા મધર ડેરી અને મેનપાવર સર્વિસના માનવ સંસાધન વિભાગની કર્મચારી રહી હતી.
વિચારવા જેવું છે કે પેટીએમને પેટીએમ પેમેન્ટ્સ બેંક ખોલવા માટે ઓગસ્ટ 2015 માં મંજૂરી મળી હતી. ત્યારબાદ નવેમ્બર 2017 માં વિધિગત રીતે એની આખા દેશમાં શરૂઆત કરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે પેટીએમ કંપની પોતાની પેમેન્ટ્સ બેંકમાં ચાલુ ખાતું પણ ખોલી રહી હતી. પણ હવે ચુકાદો આવી ગયો છે અને પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં તમે ફરીથી એકાઉન્ટ ખોલાવી શકો છો અને એનો ATM કાર્ડ પણ મેળવી શકો છો.
પેટીએમના ચાર્જ અને ઇન્ટરેસ્ટ રેટ :
પેટીએમ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે કોઈ મીનીમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. એટલે કે આ એક ઝેરો બેલેન્સ એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પર વર્ષે 4% વ્યાજ મળે છે, જે દર મહીને નિયમ અનુસાર ગણતરી કરીને આપવામાં આવે છે. મુંબઈ, નવી દિલ્લી, ચેન્નઈ, કલકત્તા, બેંગ્લોર અને હૈદરાબાદ આ મુખ્ય શહેરોમાં દર મહીને ત્રણ વખત ફ્રીમાં પૈસા ઉપાડી શકાય છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા ચાર્જ લાગશે. અને મીની સ્ટેટમેન્ટ, બેલેન્સ ચેક અને પીન ચેન્જનો ચાર્જ 8 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે.
ઉપર જણાવેલા મુખ્ય શહેરો સિવાય બીજા શહેરોમાં દર મહીને પાંચ વખત ફ્રીમાં પૈસા ઉપાડી શકાય છે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા ચાર્જ લાગશે. અને મીની સ્ટેટમેન્ટ, બેલેન્સ ચેક અને પીન ચેન્જનો ચાર્જ 8 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે.
પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ખાતું ખોલાવવા પર ડીજીટલ રૂપે ડેબીટ કાર્ડ ફ્રીમાં આપવામાં આવશે. ફીઝીકલ રૂપે ડેબીટ કાર્ડ લેવા માટે પ્રથમ 125 રૂપિયા ચાર્જ લાગશે, ત્યારબાદ દાર વર્ષે 100 રૂપિયા ચાર્જ (વપરાશનો) લેવામાં આવશે. કાર્ડ ખોવાઈ જવા કે રિપ્લેસ કરવાં માટે 125 રૂપિયા ફી લેવામાં આવશે. 10 પાનાની ચેકબુકનો ચાર્જ 100 રૂપિયા થશે. ઓનલાઈન IMPS, UPI, NEFT સેવા ફ્રી રહેશે (બીજા પેટીએમ પેમેન્ટ્સ બેંક અને પેટીએમ વોલેટમાં). ડોમેસ્ટિક મની ટ્રાન્સફર ચાર્જ 1% પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. એકાઉન્ટ વેરીફીકેશન માટે પ્રતિ એકાઉન્ટ 3 રૂપિયા ચાર્જ લાગશે.
પેટીએમ વોલેટ માંથી પેટીએમ બેંક ટ્રાન્સફર માટે 4% ચાર્જ લાગશે. પેટીએમ વોલેટ માંથી બેંક ટ્રાન્સફર (KYC કસ્ટમર) માટે 4% ચાર્જ લાગશે. પેટીએમ વોલેટમાં ક્રેડીટ કાર્ડ માંથી 1 લાખ સુધી બેલેન્સ ઉમેરી શકાશે. અને એક ક્રેડીટ કાર્ડ માંથી મલ્ટીપલ યુઝરના એકાઉન્ટમાં 1 લાખ સુધી પૈસા ઉમેરી શકાશે.