બંધ થયેલા LED બલ્બ ને નાખી ના દેતા ખૂબ જ સરળ રીતે ઘરે બેઠા જ કરી શકો છો ચાલુ ગેરંટી છે થશે ચાલુ, જાણી લો રીત

આપણે ઘરમાં જે એલઈડી બલ્બ વાપરીએ છીએ એ ખરાબ થઈ જાય, અને જો એની વોરંટી પૂરી થઈ ગઈ હોય તો આપણે નવા બલ્બ લઈ આવીએ છીએ. પણ જણાવી દઈએ કે, તમે જાતે જ બંધ થયેલા એલઈડી બલ્બને રીપેર કરી શકો છો. આવો તમને એની રીત જણાવીએ.

સૌથી પહેલા તમારા ઘરમાં રહેલા બધા બંધ એલઈડી બલ્બ ભેગા કરી લો. અને એક ચીપિયો(મોબાઈલ ખોલવાના સાધનોમાં હોય છે તે), અથવા કોઈ તારનો નાનકડો ટુકડો લઈ લો. સાથે સાથે એક હોલ્ડર, વાયરનો ટુકડો અને પાવર સપ્લાય માટે પ્લગમાં નાખવાની પિન લઇ લો. સામાન્ય રીતે આ બધી વસ્તુઓ ઘરમાં હોય જ છે. અથવા તો શેરીમાં કોઈને કોઈ વ્યક્તિને ત્યાંથી આ વસ્તુઓ મળી રહે છે.

હવે બંધ એલઈડી બલ્બનો ઉપરનો ભાગ ખોલી દો. એના માટે તમે ચીપિયાનો ઉપયોગ કરો, અથવા હાથથી પણ ખેંચીને એને સરળતાથી ખોલી શકો છો. ત્યારબાદ બલ્બને હોલ્ડરમાં લગાવીને પાવર સપ્લાય આપો. તમારા બલ્બમાં એક સર્કિટ પર ઘણી બધી નાની નાની એલઈડી ફિટ કરેલી હશે. એમાંથી કોઈ એક અથવા એક કરતા વધારે એલઈડી બંધ થઇ જવા પર આખો બલ્બ બંધ થઇ જાય છે. એટલે હવે ચીપિયાની મદદથી બંધ એલઈડી બલ્બને શોધવાનો છે.

જણાવી દઈએ કે, આ કામ કરતા સમયે કરંટ નહિ લાગે, કારણ કે બલ્બમાં જે સર્કિટ હોય છે તે તમારા ઘરના એસી પાવરને ડીસીમાં ફેરવી દે છે. એલઈડીને ખુબ ઓછા પવારની જરૂર હોય છે, એટલે તે સર્કિટ એ પ્રમાણે પાવર રિડ્યુસ કરે છે, એ કારણે તમને કરંટ નહિ લાગે. હા, પણ એક વાતનું ખાસ ધ્યાન રહે કે, તમારું હોલ્ડર સંપૂર્ણ રીતે ઢાંકાયેલું હોય અને વાયર ક્યાંયથી પણ કપાયેલો નહિ હોય. કારણ કે એમાંથી તમને કરંટ લાગી શકે છે.

હવે ખરાબ થઇ ગયેલી એલઈડીને શોધવા માટે તમે ચીપિયા વડે એક પછી એક દરેક એલઈડીને શોટ કરો. એટલે કે સર્કિટ પર લાગેલી એલઈડીના બંને છેડા પર ચીપિયાના છેડા લગાવો. આ કામ તમે કોઈ તાર કે વાયરના ટુકડા વડે પણ કરી શકો છો.(નીચે વિડીયોમાં દેખાડવામાં આવ્યું છે.)

જયારે તમે આ રીતે એક પછી એક એલઈડી ચેક કરતા જશો, તો જે એલઈડી બંધ હશે એની પર ચીપિયો કે તાર મુકતા તમારો બલ્બ ફરીથી પ્રકાશિત થઇ જશે. એટલે તમારે એ બંધ એલઈડીને સર્કિટ પરથી ઉખાડવાની રહેશે. આ રીતે સર્કિટ પર બંને તરફ લાગેલી એલઈડીઓ ચેક કરી લો. અને જે બંધ હોય એની પર કોઈ પેન કે માર્કરથી નિશાન કરી દો.

હવે તમે પાવર સપ્લાય બંધ કરી બલ્બને હોલ્ડરમાંથી કાઢી લો. ત્યારબાદ બંધ એલઈડી બલ્બને ચીપિયા વડે ઉખાડી લો, અથવા તો સોલ્ડર મશીનથી ઉખાડી લો. આ કેવી રીતે કરવું એ નીચે વિડીયોમાં દેખાડવામાં આવ્યું છે. ખરાબ એલઈડી ઉખાડ્યા પછી એ જગ્યા પર સોલ્ડર કરી દો. એના માટે મોબાઈલ રીપેર કરવા માટે વપરાતું નાનકડું સોલ્ડર મશીન લઈને, એની સાથે આવેલા તારમાંથી થોડો ભાગ ગરમ કરીને ઉખાડેલી એલઈડીની જગ્યા પર લગાવી દો.

તમે બલ્બ લઈને કોઈ મોબાઈલ રીપેર કરવા વાળાની દુકાને જશો, તો તે અંદાજે દસ એક રૂપિયામાં તમને સોલ્ડર કરી આપશે. અને હવે તો ઘણા લોકો આવું નાનકડું સોલ્ડર મશીન ઘરમાં રાખતા જ હોય છે. એટલે તમને આડોશ પાડોશમાંથી એ મળી રહેશે. અને તમે પણ એક નાનકડું સોલ્ડર મશીન અને પાના પેચિયાનો એક સેટ ઘરમાં રાખો તો વધારે સારું રહેશે. એ ઘણી બધી વસ્તુઓમાં કામ લાગી શકે છે.

મિત્રો, હવે સોલ્ડર થઇ ગયા પછી તમે હોલ્ડરમાં બલ્બ લગાવી પાવર આપીને જોઈ લો. તમારો બલ્બ ફરીથી શરુ થઇ ગયો હશે. હવે પાવર બંધ કરી એને હોલ્ડરમાંથી કાઢી બલ્બનો ઉપરનો ભાગ લગાવી એને બંધ કરી દો. તો આ રીતે તમારો ખરાબ થઈ ગયેલો એલઈડી બલ્બ તમે સરળતાથી ઘરે જાતે જ રીપેર કરી શકો છો. એમાં વધારે મહેનત કરવાની અને વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. આ આખી પ્રોસેસ તમને નીચેના વિડીયોમાં જોવા મળશે.

જુઓ વિડીયો :