આજે પણ ઈંટ પથ્થર ઉપાડી રોજ મજૂરી કરે છે શહીદ ઉધમ સિંહના દીકરા, સરકારશ્રી એમની પણ મદદ કરી દો

જયારે દેશના અમર ક્રાંતિકારીઓ અને શહીદોની વાત થાય છે, તો તેમાં શહીદ ઉધમ સિંહનું નામ ઘણા ગર્વથી લેવામાં આવે છે. શહીદ ઉધમ સિંહે આજીવન દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો અને ૧૩ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લઈને હસતા હસતા ફાંસીના ફંદાને ગળે લગાવ્યો.

અમર શહીદનો જન્મ ૨૬ ડીસેમ્બર, ૧૮૯૯ ના રોજ પંજાબના સુનામ ગામમાં સરદાર ટહલ સિંહના ઘરે થયો હતો. આમ તો ટહલ સિંહનું શરુઆતનું નામ ચૂહડ સિંહ હતું. પરંતુ પાછળથી તેનું નામ ટહલ સિંહ પડ્યું. તેમનો વારસાગત ધંધો ખેતીવાડી હતો. પરંતુ તેના પરિવારનું ગુજરાન ચાલી શકતું ન હતું. એટલા માટે સરદાર ટહલ સિંહે પાડોશી ગામ ઉપાલમાં રેલ્વે ક્રોસિંગ ઉપર ચોકીદારીની નોકરી કરવા માટે મજબુર થવું પડ્યું. કહેવાનો અર્થ ઉધમ સિંહનો જન્મ ઘણા સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શેર સિંહ હતું. તેના મોટા ભાઈનું નામ મુક્ત સિંહ હતું.

શહીદ ઉધમ સિંહનું વારસાગત ઘર : શહીદ ઉધમ સિંહનું બાળપણ પણ ઘણું દુ:ખદાયક રહ્યું હતું. જયારે તે ૧૨ વર્ષના હતા, તો વર્ષ ૧૯૦૧ માં તેમની માતુશ્રીનું અવસાન થઇ ગયું અને થોડા વર્ષો પછી ૧૯૦૭ માં તેના પિતાનું પણ અવસાન થઇ ગયું. હવે તે આ દુનિયામાં એકદમ એકલા અને અનાથ થઇ ગયા. બાળપણમાં જ તેની દુનિયા ઉઝડી ગઈ હતી. એટલે તેને ભાઈ કિસન સિંહ રોગીનો સાથ મળ્યો અને તેમણે બન્ને ભાઈઓને ખાલસા અનાથાલયમાં ભરતી કરાવી દીધા. અહિયાં બન્ને ભાઈઓને નામ નવા મળ્યા. બાળક શેર સિંહને ઉધમ સિંહ અને મુક્ત સિંહને સાધુ સિંહ નામ મળ્યું. વર્ષ ૧૯૧૭ માં તેના મોટા ભાઈનું પણ અવસાન થઇ ગયું. હવે તો અનાથ ઉધમ સિંહ ઉપર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. અનાથાલયમાં રહીને બાળક ઉધમ સિંહે જેમ તેમ વર્ષ ૧૯૧૮ માં દસમાંની પરીક્ષા પાસ કરી. તેની આગળ તે કાંઈ વિચારે કે બીજા જ વર્ષમાં એટલે કે ૧૯૧૯ માં તેના જીવનમાં એક ઐતિહાસિક વળાંક આવી ગયો.

૧૩ એપ્રિલ, ૧૯૧૯ ના રોજ વૈશાખીના દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં પંજાબ કોંગ્રેસના વડા ડો. સેફૂદીન કીચ્લું અને સત્યપાલની ધરપકડ અને રોલટ એક્ટના વિરોધમાં લગભગ ૨૦ હજાર લોકો એકઠા થયા. જેનાથી અંગ્રેજી સરકારને માથે પરસેવો આવી ગયો. ત્યારે પંજાબના તે સમયના ગવર્નર માઈકલ ઓ ડાયરના આદેશ ઉપર જનરલ હેરી ડાયરે બંધુકોથી સજ્જ ૯૦ થી વધુ સૈનિકો અને બે બખ્તર બંધ ગાડીઓ સાથે જલિયાંવાલા બાગમાં પ્રવેશ કર્યો, અને સભામાં શાંતિપૂર્વક બેઠેલા લોકો, મહિલાઓ અને માસુમ બાળકો ઉપર તાબડતોબ ફાયરીંગ શરુ કરી દીધું. જ્યાં સુધી કોઈ કાંઈ સમજી શકે ચારો તરફ લાશોના ઢગલા, માંસુબ બાળકોની ચીસો અને ઘાયલોની દર્દભરેલી ચીસોનું વાતાવરણ થઇ ગયું હતું.

અંગ્રેજોની આ દમનદાયક કાર્યવાહીમાં સત્તાવાર રીતે ૩૭૯ લોકો માર્યા ગયા, અને જલિયાંવાલા બાગમાં સ્થાનિક માહિતી મુજબ ૧૨૦ લોકોના શબ તો કુવા માંથી જ મળ્યા, જો કે જીવ બચાવવા માટે કુવામાં પડ્યા હતા. પંડિત મદન મોહન માલવિયાના જણાવ્યા મુજબ જલિયાંવાલા બાગમાં ઓછામાં ઓછા ૧૩૦૦ લોકો શહીદ થયા હતા. જો કે સ્વામી શ્રદ્ધાનંદના જણાવ્યા મુજબ આ આંકડો ૧૫૦૦ ઉપર થઇ ગયો હતો. આ ઘટનાના સંદર્ભમાં અમૃતસરમાં હાજર રહેલા સિવિલ સર્જન ડોક્ટર સ્મિથના જણાવ્યા મુજબ આ હત્યાકાંડમાં મરવા વાળાની સંખ્યા ૧૮૦૦ થી વધુ હતી. બધા મળીને હજારો નિર્દોષ લોકો, મહિલાઓ અને માસુમ બાળકોને જનરલ ડાયરે જોત જોતામાં મૃત્યુની ઊંઘમાં સુવરાવી દીધા.

જલિયાંવાલા બાગ હત્યાકાંડે આખા દેશને હચમચાવી મુક્યો. ક્રાંતિકારીઓના લોહીમાં આગ લાગી ગઈ. આક્રોશની જ્વાળા દરેક દેશવાસીના દિલમાં ભભકી ઉઠી. આ હત્યાકાંડ ઉધમ શિંહે પોતાની આંખોથી જોઈ. તે સમયે એકઠા થયેલી ભીડને અનાથાલયના સાથીઓ સાથે પાણી પીવરાવવાનું કામ કરી રહ્યા હતા. આ હત્યાકાંડ જોઈને નવ યુવાન ઉધમ સિંહનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે એ સમયે જલિયાંવાલા બાગની માટી ઉપાડી અને અમૃતસરના સ્વર્ણ મંદિરમાં લઇ જઈને સોગંધ લીધા, કે જ્યાં સુધી નરસંહારના સાચા ગુનેગારને મૃત્યુની ઊંઘમાં નહિ સુવરાવું, ત્યાં સુધી શાંતિથી નહિ બેસું.

ઉધમ સિંહે આ હત્યાકાંડના સાચા ગુનેગાર પંજાબના તે સમયના ગવર્નર ડાયરને ગણ્યા, કેમ કે તેમના આદેશ ઉપર આ નરસંહાર થયો હતો. હવે ઉધમ સિંહનું જનરલ ડાયરને મ્રુત્યુની ઊંઘમાં સુવરાવવાનું મુખ્ય મિશન બની ગયું હતું. તેમણે એ મિશનને પૂરું કરવા માટે ઉધમ સિંહ અનાથાલય છોડીને સ્વતંત્રતા આંદોલનની ચળવળમાં જોડાયા. તેમણે દેશના ક્રાંતિકારીઓ સાથે સંપર્ક કરવાનું શરુ કરી દીધું. ૧૯૨૦ માં તે આફ્રિકા જતા રહ્યા. વર્ષ ૧૯૨૧ માં નેરોબીના રસ્તે સંયુક્ત રાજ્ય અમેરિકા જવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ વીઝા ન મળવાને કારણે સફળતા ન મળી શકી અને તેમને સ્વદેશ પાછા ફરવું પડ્યું. પરંતુ સતત પ્રયાસો પછી છેવટે તે વર્ષ ૧૯૨૪ માં અમેરિકા પહોચવામાં સફળ થઇ ગયા. તે અમેરિકામાં સક્રિય ગદર પાર્ટીમાં જોડાઈ ગયા અને ક્રાંતિકારીઓના સંપર્ક મજબુત કરતા ગયા.

તેમણે ફ્રાંસ, ઇટલી, જર્મની, રૂસ વગેરે ઘણા દેશોના પ્રવાસ કરીને ક્રાંતિકારીઓ સાથે મજબુત સંબંધ બાંધ્યા. તે વર્ષ ૧૯૨૭ માં ફરી સ્વદેશ પાછા ફર્યા. અહિયાં તેમણે શહીદે આજમ ભગત સિંહ જેવા મહાન ક્રાંતિકારીઓ સાથે મુલાકાત કરી. સ્વદેશ પાછા ફરવાના માત્ર ત્રણ મહિના પછી તે ગેરકાયદેસર હથીયારો અને પ્રતિબંધિત ક્રાંતિકારી સાહિત્ય સાથે પોલીસે તેમની ધરપકડ કરી. તેમને પાંચ વર્ષની આકરી જેલની સજા થઇ.

વર્ષ ૧૯૩૧ માં ઉધમ સિંહ જેલમાંથી છુટા થયા. છુટા થયા પછી ઉધમ સિંહ પોતાના ગામ સુનામમાં આવી ગયા. ગામમાં આવ્યા પછી ચોકીમાં દરરોજ હાજરી આપવાના નામ ઉપર તેમણે ઘણા પ્રકારની તકલીફો સહન કરવી પડી. પોલીસ તેમની ઉપર સખ્ત નજર રાખી રહી હતી. તેનાથી બચવા માટે તે અમૃતસર આવી ગયા અને પોતાનું નામ બદલી મોહમદ સિંહ આઝાદ રાખી દીધું. અહિયાં તેમણે સાઈન બોર્ડ પેઈન્ટ કરવાની દુકાન ખોલી દીધી. ઉદમ સિંહ વર્ષ ૧૯૩૩ માં પોલીસને થાપ આપવામાં સફળ થઇ ગયા અને કાશ્મીર જઈ પહોચ્યા. ત્યાર પછી તે જર્મની થઇને ઇટલી જઈ પહોચ્યા. ઇટલીમાં થોડા મહિના પછી ફ્રાંસ, સ્વીત્ઝરલૅન્ડ અને આસ્ટ્રીયા થઇને વર્ષ ૧૯૩૪ માં પોતાનું મિશન પૂરું કરવા માટે ઇંગ્લેન્ડ પહોચવામાં સફળ થઇ ગયા.

વર્ષ ૧૯૩૮ માં લંડનના શેફર્ડ બુશ ગુરુદ્વારામાં લંગર સેવા દરમિયાન રોટલી બનાવતા શહીદ ઉધમ સિંહ : ઇંગ્લેન્ડ પહોચીને ઉધમ સિંહ ભૂતપૂર્વ લંડનની એડરલ સ્ટ્રીટમાં એક ભાડે મકાન લઇને રહેવા લાગ્યા. અહિયાં રહીને જનરલ ડાયરને મારવાની સચોટ તૈયારીઓ શરુ કરી દીધી અને તકની રાહ જોવા લાગ્યા. તેમની એ તક વર્ષ ૧૯૪૦ માં જઈને પૂરી થઇ. જયારે ઉધમ સિંહને ખબર પડી કે ૧૩ માર્ચ, ૧૯૪૦ ના રોજ લંડનના કેકસ્ટન હોલમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસીએશન અને રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીનું સંયુક્ત અધિવેશન થવા જઈ રહ્યું છે. અને તેમાં જલિયાંવાલા બાગના સાચા ગુનેગાર માઈકલ ઓ ડાયર વિશેષ રૂપે આમંત્રિત છે. તો તકની રાહ જોઈ રહેલા ઉધમ સિંહ એકદમ જોશથી ઉઠ્યા. ઉધમ સિંહે ગોળીઓથી ભરેલી પિસ્તોલ લીધી અને એક જાડા પુસ્તકની અંદર તેની ડીઝાઈન મુજબ પાનાં કાપી નાખ્યા. પછી તે પુસ્તકની અંદર તે પિસ્તોલને છુપાવીને સમય પહેલા જ પૂરી તૈયારી સાથે અધિવેશન સ્થળના પ્રેક્ષકો સાથે બેઠા.

અધિવેશનમાં જેવા જ માઈકલ ઓ ડાયરે મંચ ઉપર આવીને પોતાનું ભાષણ આપવાનું શરુ કર્યુ, તો ૨૧ વર્ષથી દિલમાં બદલાની ધબકતી જ્વાળાને દબાવી બેઠેલા ઉધમ સિંહે તરત પુસ્તક માંથી પોતાની પિસ્તોલ કાઢી અને જોત જોતામાં આડેધડ છ રાઉન્ડ ગોળીઓ ધરબી દીધી. ઉધમ સિંહના આ અચૂક હુમલાથી દરેક સુન્ન અને સ્તબ્ધ થઇ ગયા. બીજી જ પળે મંચનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. બે ગોળીઓ જલિયાંવાલા બાગના હજારો લોકોના હત્યારા જનરલ માઈકલ ઓ ડાયરની છાતી ચીરીને મૃત્યુની ઊંઘમાં પહોંચાડી દીધા હતા. મંચ ઉપર સર લુઇસ અને લોર્ડ લેમીગટન ઉપરાંત જેટલેંડ પણ ગોળીઓ વાગવાથી ઘાયલ અવસ્થામાં ચીસો પાડી રહ્યા હતા. અને સભામાં જોરદાર દોડધામ મચી ગઈ હતી. પરંતુ ભારત માતાના વીર સપુત ઉધમ સિંહ ગર્વ અને શોર્ય ભરેલી છાતી અને વિજયના ભાવ સાથે અને નીડરતા સાથે ઉભા હતા. તેમણે ત્યાંથી ભાગવાનો જરાપણ પ્રયાસ કર્યો ન હતો.

મહાન ક્રાંતિકારી અને દેશભક્ત ઉધમ સિંહની સ્થળ ઉપર જ ધરપકડ કરી લેવામાં આવી. ૧ એપ્રિલ, ૧૯૪૦ ના રોજ તેમની ઉપર કાયદેસર રીતે હત્યાનો કેસ શરુ કરવામાં આવ્યો. તેવામાં ઉધમ સિંહે જેલમાં ભૂખ હડતાલ શરુ કરી દીધી. તેમણે ૪૨ દિવસ સુધી ભૂખ હડતાળ શરુ રાખી. તેને બળજબરીથી તળેલા પદાર્થ આપવામાં આવ્યા. છેવટે બ્રિટીશ જજ એટકીંસનએ તાત્કાલિક કોર્ટની કાર્યવાહી કરતા ભારત માતાના વીર સપુત ઉધમ સિંહને સજા એ મોતની જાહેરાત કરી દીધી. તે સજાને સાંભળીને વીર ક્રાંતિકારી ઉધમ સિંહને કોઈ આશ્ચર્ય ન થયું. તેમણે છેલ્લા શબ્દો રજુ કરતા કહ્યું, હું પરવા નથી કરતો, મરી જવું કોઈ ખરાબ વાત નથી. શું ફાયદો છે, જો મૃત્યુની રાહ જોવામાં આપણે ઘરડા થઇ જઈએ? એમ કરવું કોઈ સારી વાત નથી. જો આપણે મરવા માંગીએ છીએ તો યુવાન અવસ્થામાં મરીએ. તે સારું છે અને એ હું કરી રહ્યો છું. હું મારા દેશ માટે મરી રહ્યો છું. પોતાના આ અમુલ્ય ઉદ્દગારો સાથે ભારત માતાના આ બાહોશ યોદ્ધા ૩૧ જુલાઈ, ૧૯૪૦ ના રોજ લંડનની પેંટવિલે જેલમાં હસતા હસતા ફાંસીના માંચડા ઉપર લટકી ગયા. આ મહાન શહીદને આ જેલની અંદર જ દફનાવી દેવામાં આવ્યા.

ભારત માતાના આ અનોખા લાલની શહીદીને દેશભરમાં સલામી આપવામાં આવી. નેતાજી શુભાશચંદ્ર બોઝ જેવા મહાન ક્રાંતિકારીઓએ શહીદ ઉધમ સિંહના અમુલ્ય બલીદાનની ભારોભાર પ્રશંસા કરી. સિત્તેરના દશકમાં શહીદ ઉધમ સિંહના અવશેષોને લાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી. પંજાબના સુલ્તાનપુર લોધીના ધારાસભ્ય સાધુ સિંહ થીગ્ડના અથાગ પ્રયાસો અને તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના વિશેષ રસ પછી ઇંગ્લેન્ડના શહીદ ઉધમ સિંહના અવશેષ આપવાનો સ્વીકાર કર્યો. ભારત સરકારના વિશેષ દૂત તરીકે સરદાર સિંહ થીગ્ડ જુલાઈ, ૧૯૭૪ માં લંડન પહોચ્યા. અને ઇંગ્લેન્ડ સરકાર પાસેથી શહીદ ઉધમ સિંહના અસ્થીઓના સ્વાગત માટે એરપોર્ટ ઉપર તે સમયના કોંગ્રેસ અધ્યક્ષ શંકર શર્મા, પંજાબના મુખ્યમંત્રી જ્ઞાની જેલ સિંહ સહીત દેશના ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર હતા. શહીદ ઉધમ સિંહનો અંતિમ સંસ્કાર તેમના પેત્રુક ગામ સુનામ (પંજાબ) માં કરવામાં આવ્યો અને તેમની અસ્થીઓ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સતલુજમાં પધરાવવામાં આવી હતી.

જયારે આઝાદી માટેની લડાઈના બાહોશ અને પરાક્રમી ક્રાંતિકારી ઉધમ સિંહની વીરતાને યાદ કરવામાં આવે છે, તો ગર્વથી છાતી ફૂલી જાય છે અને જયારે આઝાદીના ૬૪ વર્ષો પછી તેમના વારસદારોની એકદમ દયાજનક હાલતને જોવામાં આવે તો માથું શરમથી ઝુકી જાય છે. આજે મહાન શહીદ ઉધમ સિંહના વારસદાર સરદાર જીત સિંહ (પૌત્ર) ઇંટો, પથ્થર તોડીને અને મહેનત મજુરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મજબુર છે. બેરોજગારી, બેકારી, ગરીબી, નિસહાય અને બેકારીને લઇને આખું કુટુંબ મુશ્કેલી ભરેલું જીવન જીવવા માટે મજબુર છે. ગરીબીને લીધે શહીદ ઉધમ સિંહના પ્રપૌત્ર જગ્ગા સિંહે ૧૧ મું ધોરણ પાસ કર્યા પછી અભ્યાસ અધુરો છોડીને મહેનત મજુરી કરવા માટે મજબુર થવું પડ્યું.

મજુરી કરે છે અને ઇંટો તોડે છે શહીદ ઉધમ સિંહના પૌત્ર જીત સિંહ : ગયા જુલાઈ મહિનામાં રાજ્યસભા સાંસદ ડૉ. રામ પ્રકાશના પ્રયત્નો પછી, હરિયાણાના કુરુક્ષેત્ર જીલ્લામાં પીપળીમાં આવેલા પેરીફીટમાં આયોજિત એક સન્માન સમારંભમાં આવેલા શહીદ ઉધમ સિંહના પૌત્ર સરદાર જીત સિંહ, અને પ્રપૌત્ર જગ્ગા સિંહની અત્યંત દયાજનક હાલત જોઈને માર્મિક શબ્દો સાંભળીને દરેકનું કાળજું કંપી ઉઠ્યું, અને માથું શરમથી ઝુકી ગયું. શહીદના પૌત્ર સરદાર જીત સિંહ સમારંભમાં આછા રંગનો કુર્તો-પાયજામો પહેરેલો હતો, કુર્તા ઉપર જુદા જુદા રંગના બટન લગાવેલા હતા, પગમાં ૧૫-૨૦ રૂપિયાના પ્લાસ્ટિકના તૂટેલા ચપ્પલ પહેરલા અને ઉદાસ અને નિસહાય ચહેરા સાથે, આઝાદીના ગીતો ઉપર નાચવા વાળા દરેક નિવાસીને હકીકતની જાણ કરાવી રહ્યા હતા.

જયારે તેમને તેના દાદા વિષે થોડું બોલવા માટે વિનંતી કરવામાં આવી, તો તે એટલું બોલી શક્યા કે હું શું બોલું, બોલ્યા તો ઉધમ સિંહ હતા. શિક્ષણ વિષે પૂછવા ઉપર તે એટલું જ બોલ્યા કે, મજુરી કરવા અને પેટ ભરવાની માથાકૂટમાં ભણવા ગણવા વિષે વિચારવાની તક જ નથી મળી.

શહીદ ઉધમ સિંહની ચોથી પેઢીના વંશજ જગ્ગા સિંહના શબ્દો તો દરેક દેશવાસીને હચમચાવી દે તેવા હતા. શહીદના પ્રપૌત્ર જગ્ગા સિંહનું દુ:ખ એકાએક ઉભરાઈ આવ્યું અને એ એટલું બોલી શક્યો કે, ગરીબીને કારણે જ તેને વચ્ચેથી અભ્યાસ છોડવો પડ્યો છે. ઘણું દુ:ખ થાય છે કે દેશને આઝાદ કરાવવા માટે ફાંસી ઉપર ચડવા વાળાના વંશજોની આ આઝાદ દેશમાં અવગણના થઇ રહી છે.

શહીદ ઉધમ સિંહના ભાણેજ ઈંદર સિંહ અને ખુશી નંદના જણાવ્યા મુજબ, કુટુંબીજનોએ પંજાબના મુખ્યમંત્રીને પત્ર દ્વારા વિનંતી કરી કે અમર શહીદ ઉધમ સિંહના વારસાગતના મકાનના એક મોટા ભાગ ઉપર પાડોશીઓ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે. પરંતુ સરકાર કોઈ રસ નથી દાખવી રહી. બીજી એક જાણકારી મુજબ તે પહેલા શહીદના પરિવારને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્ર સિંહે શહીદના કુટુંબને એક સરકારી નોકરી આપવાનું વચન પણ આપ્યું હતું. જો કે માત્ર વાયદા જ બનીને રહી ગયા.

બધું મળીને આઝાદી માટેના યુદ્ધના બાહોશ યોદ્ધા શહીદ ઉધમ સિંહને તેમની ૧૧૩ મી જન્મ જયંતી ઉપર યાદ કરીને, છાતી પહોળી કરીને શબ્દોનું ગૌરવ ગાતી વખતે આપણે તેના વંશજોની હાલત, અને પોતાના પરમ કર્તવ્ય બોધને પણ યાદ કરવા જોઈએ. દરેક શહીદની જયંતિ અને પુણ્યતિથીને મનાવતી વખતે આ પરંપરાનું પાલન કરવાનું રહેશે. ત્યારે આપણે આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અને સાચા અર્થમાં આપણી કૃતજ્ઞતાનું નિર્વહન કરી શકીશું. મહાન ક્રાંતિકારી અને અમર શહીદ ઉધમ સિંહને કોટી કોટી પ્રણામ. આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી ઉધમ સિંહના પરિવારને ન્યાય મળે.