સાસુ સસરાની સંપત્તિમાં વહુનો કોઈ અધિકાર નથી, દીકરા-દીકરી કે વહુ પાસે પણ ઘર ખાલી કરાવવાનો અધિકાર

દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે સાસુ સસરાની રોકડ કે સ્થાઈ મિલકતમાં વહુનો કોઈ અધિકાર નથી. પછી ભલે છતાં તે મિલકત વારસાગત હોય કે પોતે ઉભી કરેલી હોય. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ વી. કામેશ્વર રાવની સમિતિએ પોતાના ચુકાદામાં જણાવ્યું કે કોઈપણ સ્થાઈ, રોકડ, મૂર્ત, અમૂર્ત કે એવી કોઈપણ સંપત્તિ જેમાં સાસુ સસરાનું હીત જોડાયેલું હોય, તેની ઉપર વહુનો કોઈ અધિકાર નથી.

વૃદ્ધ નાગરિકોને પોતાના ઘરમાં શાંતિથી રહેવાનો અધિકાર છે. સાસુ સસરાને પોતાના ઘરમાં દીકરા દીકરી કે કાયદાકીય વારસ જ નહિ પરંતુ વહુ પાસે પણ ઘર ખાલી કરાવવાનો અધિકાર છે.

શું હતી બાબત?

હાલની બાબતમાં વહુએ માતા પિતા અને ઉંમર લાયક નાગરિકની દેખરેખ અને કલ્યાણ માટે બનેલા નિયમોને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે તે સસરા પાસે ભરણપોષણ નથી માગી રહી કે નથી લઇ રહી, એટલા માટે તે તેની પાસે ઘર ખાલી નથી કરાવી શકતા. મહિલાએ દલીલ કરી હતી કે સસરા માત્ર પોતાના દીકરા દીકરી કે કાયદાકીય વારસદાર પાસે જ ઘર ખાલી કરાવી શકે છે.

હાઈકોર્ટે મહિલાની આ તમામ દલીલોને રદ્દ કરી દીધી. અરજી દાખલ કરવાવાળી મહિલા પોતાના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ દહેજ ત્રાસ અને અન્ય બીજા આરોપોમાં કેસ દાખલ કરી ચુકી છે. મહિલાનો તેના પતિ સામે પણ છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. સસરાએ મહિલા ઉપર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી જીલ્લા અધિકારીએ મહિલાને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

જાણો શું છે મોટી ઉંમરના માતા પિતાના અધિકાર

મધ્યપ્રદેશ હાઈકોર્ટના સીનીયર એડવોકેટ સંજય મેહરાએ જણાવ્યું કે મોટી ઉંમરના માતા પિતાને કાયદાકીય ઘણા અધિકાર આપ્યા છે. કોઈ પણ સંતાન પોતાના પેરેન્ટ્સને હેરાન નથી કરી શકતા. કોઈ પણ સંતાન પોતાના પેરેન્ટ્સને તેમના ઘરમાંથી કાઢી નથી શકતા. જો ઘરનું રજીસ્ટ્રેશન દીકરાના નામે છે તો તે કેસમાં દીકરાએ પિતાને દર મહીને ભરણપોષણ આપવાની ફરજ પડે છે. જાણો તેમાં શુ કહે છે કાયદો.

વૃદ્ધ માતા પિતાને શું છે અધિકાર?

વૃદ્ધ માતા પિતાને પોતાના સંતાન પાસે ભરણપોષણ માંગવાનો અધિકાર છે.

જે ઘરમાં તેઓ રહે છે, તે ઘર તેમના નામ ઉપર રજીસ્ટર હોય તો સંતાન તેમને ઘર માંથી બહાર કાઢી શકતા નથી.

જો સંતાન પોતાના ઘરમાં તેમને નથી રાખવા માંગતા તો તેમણે પેરેન્ટ્સને દર મહીને ભરણપોષણ આપવાનું રહેશે.

આ ભરણપોષણ પેરેન્ટ્સની જરૂરિયાતો અને સંતાનની કમાણીના હિસાબે નક્કી થાય છે.

સંતાન માબાપને ઘરમાંથી કાઢી મુકે તો શું કરવું?

વરિષ્ઠ નાગરિક સંરક્ષણ અધિનિયમ, ૨૦૦૫ હેઠળ પેરેન્ટ્સ આવા કિસ્સામાં કાર્યવાહીની માંગણી કરી શકે છે.

સીઆરપીસીની કલમ ૧૨૫ હેઠળ ભરણપોષણની માંગણી કરી શકે છે.

કલેકટરને ફરિયાદ કરી શકે છે.

સંતાન મારઝુડ કરે કે ધમકી આપે છે તો પોલીસને ફરિયાદ પણ કરી શકે છે.

પોલીસ વાત ન સાંભળે તો મેજીસ્ટ્રેટ કે ફેમીલી કોર્ટમાં અપીલ કરી શકે છે.

દગાથી પોતાના નામે ઘર કરાવી લીધું તો તે માન્ય નથી

જો કોઈ સંતાને પેરેન્ટ્સને ભોળવી ફોસલાવીને દગાથી પોતાના નામે તેમની પ્રોપર્ટી કરાવી લીધી છે તો તે માન્ય નહિ રહે.

જો પેરેન્ટ્સ તે અંગેની ફરિયાદ કરે તો જીલ્લા પ્રશાસન તેને પાછો કબજો અપાવી શકે છે.

પ્રશાસન પાસેથી સહયોગ ન મળે તો પેરેન્ટ્સ કોર્ટમાં કેસ કરી શકે છે.

ભરણપોષણ ન આપે તો શું સજા?

ઓર્ડર પછી પણ જો કોઈ સંતાન પોતાના પેરેન્ટ્સને ભરણપોષણ નથી આપતા તો તેને ૧ મહિનાની જેલની સજા થઇ શકે છે.

સંતાન કોઈપણ પ્રકારે વૃદ્ધ માતા પિતાને હેરાન કરી શકે નહિ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.