ફૂલ સાવરણીના ભુકા અને ગોળથી બનાવી રહ્યા હતા નકલી જીરું, જુઓ કઈ રીતે તમારા સ્વાસ્થ્ય સાથે રમત રમાય છે

બવાના થાના પોલીસે સાવરણીના ભુકામાંથી નકલી જીરું બનાવવાવાળી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પૂંઠખુદમાં આવેલી ફેક્ટરીમાંથી એના આગેવાન અને ત્યાં કામ કરતા ચાર મજૂરોની ધરપકડ કરી છે. પોલીસે ફેક્ટરીમાંથી લગભગ 20 હજાર કિલો નકલી જીરું અને 8075 કિલો કાચો માલ જપ્ત કર્યો છે. શરૂઆતની તપાસમાં ખબર પડી હતી કે, આરોપી સાવરણીના ઘાસના ભુકામાં ગોળ અને પથ્થરનો પાઉડર મિક્સ કરીને નકલી જીરું તૈયાર કરતા હતા. જયારે આ સત્ય સામે આવ્યું તો પોલીસ પણ ચકિત રહી રહી ગઈ.

ગેંગ પહેલા શાહજહાંપુરમાં ફેક્ટરી ચલાવી રહી હતી. વધારે નફો મેળવવા માટે આરોપીઓએ દિલ્લીમાં ફેક્ટરી ખોલી હતી. આરોપી નકલી જીરાની સપ્લાઈ ગુજરાત અને ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લામાં કરતા હતા. પોલીસ ગેંગના એક અન્ય આગેવાન અને ફાઈનેંસરને શોધી રહી છે.

જિલ્લા પોલીસ ડેપ્યુટી કમિશનર ગૌરવ શર્માએ જણાવ્યું કે, આરોપીઓની ઓળખ જલાલાબાદ, શાહજહાંપૂર, ઉત્તરપ્રદેશના રહેવાસી હરિનંદન, કામરાન, ગંગા પ્રસાદ, હરીશ અને પવનના રૂપમાં થઈ છે. બવાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હવલદાર પ્રવીણને પૂંઠખુદ ગામમાં નકલી જીરું બનાવતા હોવાની જાણકારી મળી હતી.

પ્રવીણે ઉપરી અધિકારીઓને આની જાણકારી આપી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ધર્મદેવના નેતૃત્વમાં પોલીસ ટીમે દેખરેખ રાખી, અને પછી સોમવારે સાંજે ખાદ્ય વિભાગના અધિકારીઓ સાથે ફેક્ટરીમાં છાપો માર્યો. ફેક્ટરી સુરેશ કુમારના મકાનમાં ચાલી રહી હતી.

ત્યાં છાપો મારીને પોલીસે આરોપીઓને નકલી જીરું બનાવતા પકડી પાડ્યા અને એમની ધરપકડ કરી લીધી. એ સમયે પોલીસને 485 ગૂણ નકલી જીરું (1 ગૂણમાં 40 કિલો), 350 ગૂણ પથ્થરનો ભૂકો (1 ગૂણમાં 15 કિલો), 80 ગૂણ સાવરણીના છોડનો ભુકો (1 ગૂણમાં 20 કિલો) અને 35 ડ્રમ ચાસણી (1 ડ્રમમાં 35 કિલો) મળ્યા હતા. આ બધો માલ જપ્ત કર્યો છે.

દિલ્હીમાં 3 મહિનાથી ચાલી રહ્યો હતો ગોરખધંધો :

પોલીસ પૂછપરછમાં ખબર પડી કે બધા આરોપીઓ પહેલા જલાલાબાદમાં નકલી જીરું બનાવતા હતા. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, જલાલાબાદમાં રહેવાવાળા મોટાભાગના લોકો નકલી સામાન બનાવે છે. આ ગેંગના આગેવાન હરિનંદને જણાવ્યું કે, વધારે નફો મેળવવા માટે તે લોકો ઓગસ્ટ મહિનામાં દિલ્લીમાં નકલી જીરું બનાવવા લાગ્યા હતા.

લગભગ ત્રણ મહિના પહેલા તેમણે પૂંઠખુદ ગામમાં સુરેશ કુમારનું ઘર ભાડે લીધું હતું. તપાસમાં ખબર પડી છે કે આ ગેંગનો મુખ્ય આગેવાન લાલુ છે, જે હાલમાં ફરાર છે. લાલુનું કામ કાચો માલ ખરીદવાથી લઈને એને વેચવા સુધીની વ્યવસ્થા કરવાનો હતો. શરૂઆતી તપાસમાં ખબર પડી કે, હરિનંદનનું કામ જીરું તૈયાર કરવાનું હતું.

આ રીતે બનાવતા હતા નકલી જીરું :

આરોપીઓએ જણાવ્યું કે, સૌથી પહેલા સાવરણીના છોડનો ભૂકો કરી દેવામાં આવતો હતો. એ પછી ગોળ ગરમ કરીને તેની ચાસણી તૈયાર કરવામાં આવતી હતી. તેમાં સાવરણીનો ભૂકો નાખીને મિક્સ કરવામાં આવતું હતું. મિક્સ કર્યા પછી તેને થોડો સમય સુકાવા દેવામાં આવતું હતું. ત્યારબાદ તેમાં પથ્થરનો ભૂકો મિક્સ કરવામાં આવતો હતો. પછી લોખંડની મોટી ચારણીથી ચાળી લેવામાં આવતો હતો. ચારણીના કાણા એટલા મોટા રાખતા જેમાંથી જીરું સરળતાથી નીકળી શકે.

80 કિલો અસલીમાં મિક્સ કરતા 20 કિલો નકલી જીરું :

જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓ 80 કિલો અસલી જીરામાં 20 કિલો નકલી જીરું મિક્સ કરતા હતા. એનાથી ગેંગને 100 કિલો જીરા પર 8 હજાર રૂપિયાનો ફાયદો થતો હતો.

મકાન માલિકને પણ પકડીને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે :

તપાસ દરમિયાન પોલીસે મકાન માલિકની પણ ધરપકડ કરી છે. પોલીસ તેની સાથે પૂછપરછ કરીને એ જાણકારી પ્રાપ્ત કરી રહી છે કે, તે હરિનંદનને કેવી રીતે ઓળખે છે. તેની હરિનંદન સાથે મુલાકાત કેવી રીતે થઈ. શું તેણે પોતાને ત્યાં રહેલા લોકોની નોંધણી કરાવી હતી કે નહિ. શું તેને એ વાતની જાણકારી હતી કે, આરોપી નકલી જીરું બનાવવાનું કામ કરે છે.

કેન્સર, કિડની અને લીવરને ખરાબ કરી શકે છે :

સફદરગંજ હોસ્પિટલના ડોક્ટર જુગલ કિશોર જણાવે છે કે, પહેલા પણ દેશના અલગ અલગ રાજ્યોમાં ભેળસેળ વાળા જીરા સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. ભેળસેળ વાળા જીરામાં ઘાતક રસાયણ અને ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ એને બનાવવામાં પથ્થરનો ઉપયોગ પણ થાય છે. તે સીધી રીતે કેંસરને પ્રોત્સાહન આપી શકે છે. સાથે જ એનાથી કિડની પર અસર પડી શકે છે.

ભેળસેળવાળા જીરાનો ઉપયોગ કરવાથી લીવરને પણ નુકશાન થઈ શકે છે. ડો. કિશોરનું કહેવું છે કે, બજારમાં પણ સસ્તા ભાવમાં જીરાવાળા ડ્રીંક વેચાઈ રહ્યાં છે, એની ગુણવત્તાને લઈને પણ લોકોએ સતર્ક રહેવું જરૂરી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.