સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા આ મહાન વ્યક્તિ કેટલાય લોકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી રહ્યાં છે.

મહીસાગર જિલ્લાના દઘાલીયા ગામના વતની કલ્યાણસિંહ પુંવાર માત્ર 9 ચોપડી ભણેલા છે અને જીવન નિર્વાહ માટે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ માણસે એક એવો સેવાયજ્ઞ શરૂ કર્યો છે જેના દ્વારા કેટલાય લોકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પથરાઈ રહ્યો છે.

છેલ્લા 7 વર્ષથી કલ્યાણસિંહ પોતાના આસપાસના વિસ્તારના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તેવા અને લોકોને વાંચવા ગમે તેવા પ્રેરક પુસ્તકો એકત્ર કરીને લાઈબ્રેરી ઉભી કરી રહ્યા છે, અને જુદી જુદી સંસ્થાઓને પણ પુસ્તકો દાનમાં આપી રહ્યા છે. આપને સૌને જાણીને આશ્વર્ય થશે કે, અત્યાર સુધીમાં કલ્યાણસિંહે દોઢ કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતના 5,00,000 થી વધુ પુસ્તકો લાઈબ્રેરી અને લોકોને વહેંચ્યા છે.

તમને થશે કે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો એક સામાન્ય માણસ આટલા બધા પુસ્તકો કેવી રીતે ખરીદીને લોકોને આપી શકે? કલ્યાણસિંહ પોતાના આ સેવાયજ્ઞ માટે નોકરી સિવાયના સમયે બીજા નાના-મોટા કામ કરીને થતી કમાણીમાંથી જેટલા લઇ શકાય એટલા પુસ્તકો લઈને વહેંચવાના ચાલુ કર્યા.

એમની આ સદપ્રવૃત્તિ જોઈને અમુક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ કલ્યાણસિંહને મદદ કરી રહ્યા છે, અને તેનાથી આ જ્ઞાનની પરબ દિવસે અને દિવસે વિસ્તરતી જાય છે.

– શૈલેષ સગપરિયા.