શરદ પૂનમની રાત્રે ચંદ્રમાંથી અમૃત વરસે છે, વાંચો રાત્રે ખીર ખાવાની પરંપરા વિષે

હિંદુ ધર્મમાં શરદ પૂનમનું ઘણું વધારે મહત્વ માનવામાં આવ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર આને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. અને આપણે ત્યાં એવી માન્યતા છે કે, આ તિથિ પર દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને પૂછે છે કે, કોણ જાગી રહ્યું છે? આ કારણે આને કોજાગરી પૂનમ પણ કહે છે. આવો શરદ પૂનમ વિષે થોડી ખાસ વાતો જાણીએ.

માન્યતા છે કે આ રાત્રે ચંદ્રમાંથી અમૃત વરસે છે :

શરદ પૂનમ સાથે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે, આ તિથિની રાત્રે ચંદ્રના કિરણો અમૃતમયી ગુણોથી યુક્ત રહે છે, જે ઘણી બીમારીઓ રોકે છે. એ જ કારણ છે કે, શરદ પૂનમની રાત્રે લોકો પોતાના ઘરના ધાબા પર ખીર બનાવે છે. ખીર પર ચંદ્રના કિરણો પડે છે. અને એનું સેવન કરવામાં આવે છે. અમુક સ્થળો પર સાવર્જનિક રૂપથી ખીરની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવે છે.

ખીર સાથે જોડાયેલી ખાસ વાતો :

શરદ પૂનમથી વાતાવરણમાં પરિવર્તનની શરૂઆત થાય છે. આ તિથિ પછી વાતાવરણમાં ઠંડક વધવા લાગે છે. એ પછી ઠંડી ઋતુનું આગમન થાય છે. શરદ પૂનમની રાત્રે ખીરનું સેવન કરવું એ વાતનું પ્રતિક છે કે, ઠંડી ઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ, કારણ કે એ વસ્તુઓથી ઠંડીમાં શક્તિ મળે છે. ખીરમાં દૂધ, ચોખા, સુકામેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ નાખવામાં આવે છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુઓને કારણે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. અને એનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

શરદ પૂનમની રાત્રે જ શ્રી કૃષ્ણ રાસ રમ્યા હતા :

શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એ માન્યતા પ્રચલિત છે કે, શરદ પૂનમની રાત્રે જ શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમ્યા હતા. આ કારણે વૃંદાવનમાં આજે પણ શરદ પૂનમની રાત્રે એનું વિશેષ આયોજન કરવામાં આવે છે. એને રાસલીલા પણ કહેવામાં આવે છે. બીજી એક માન્યતા એ છે કે, આ રાત્રે મહાલક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને જુએ છે કે, કોણ જાગી રહ્યુ છે? અને જે જાગી રહ્યું હોય છે તેના ઘરમાં લક્ષ્મીજી વાસ કરે છે. આ કારણે શરદ પૂનમની રાત્રે જાગરણનું વિશેષ મહત્વ છે. લોકો આખી રાત પૂજા પાઠ કરે છે. અને ઘરની બહાર લક્ષ્મીના સ્વાગત માટે દીવો પણ પ્રગટાવવામાં આવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)