શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

શીતળા માતા વ્રત કથા : માતા ભક્તોને શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે

ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. બંનેના બે બાળકો અને બે વહુઓ હતી. બંને વહુઓને ઘણા સમય પછી દીકરા થયા હતા. એટલામાં જ શીતળા સાતમનો પર્વ આવી ગયો. આ પર્વ અનુસાર બ્રાહ્મણના ઘરમાં ઠંડુ ભોજન તૈયાર કરવામાં આવ્યું. બંને વધુઓએ વિચાર્યું કે, જો તે ઠંડુ ભોજન કરશે તો બીમાર થઈ જશે. તેમના બાળકો પણ હજી નાના છે.

આ કારણે બંનેએ પશુઓનો ખોરાક જે વાસણમાં તૈયાર કરવામાં આવતો હતો, તેમાં ચુપચાપ બે બાટી તૈયાર કરી લીધી. પછી ત્રણેય સાસુ વહુઓએ મળીને શીતળા માતાની પૂજા કરી અને કથા સાંભળી. પછી ત્રણેય ભજન કરવા બેસી ગઈ. પણ બંને વહુઓ બાળકોનું રડવાનું બહાનું બનાવીને ત્યાંથી નીકળીને ઘરે આવી ગઈ.

ઘરે આવ્યા પછી તેમણે વાસણમાંથી ગરમા ગરમ બાટી કાઢી. સાથે જ ચુરમો પણ લીધો અને મોજથી ભોજન કર્યું. જયારે સાસુ ઘરે આવી તો તેમણે વહુઓને જમવા માટે કહ્યું. પણ બંનેએ ઠંડુ ભોજન કરવું ન હતું એટલે બહાના તરીકે ઘરનું કામ કરવાનું શરૂ કરી દીધું. સાસુએ કહ્યું કે, બાળકોને પણ જગાડીને ભોજન કરાવી દો. જયારે વહુઓ બાળકોને જગાડવા ગઈ તો તેમણે જોયું કે તેમના બાળકો મૃત્યુ પામ્યા છે.

આ શીતળા માતાનો પ્રકોપ હતો, કારણ કે વહુઓએ નિયમ તોડ્યો હતો. પછી વહુઓએ લાચાર થઈને સાસુને બધી વાત કરી. સાસુએ કહ્યું કે, તેમણે શીતળા માતાની આલોચના કરી છે. તેમણે પોતાની વધુઓને ઘર છોડીને જતા રહેવા કહ્યું. સાથે જ કહ્યું કે, જયારે બાળકો જીવતા અને સ્વસ્થ થાય ત્યારે જ ઘરમાં પગ મુકજો.

બંને વહુઓએ પોતાના મૃત બાળકોને ટોપલીમાં સુવડાવ્યા અને ઘરમાંથી નીકળી ગઈ. રસ્તામાં એક શમીનું જીર્ણ વૃક્ષ આવ્યું. તે ઝાડની નીચે ઓરી અને શીતળા બે બહેનો બેઠી હતી. બંનેના માથામાં અપાર જુ હતી. બંને વહુઓ ત્યાં જઈને બેસી ગઈ. તે બંનેએ શીતળા-ઓરીના વાળમાંથી ઘણી બધી જુ કાઢી, તેનાથી ઓરી અને શીતળાને પોતાના માથામાં શીતળતાનો અનુભવ થયો. તે બંનેએ વહુઓને કહ્યું કે, તમે અમને બંનેને શીતળતા પ્રદાન કરી છે, તમને પેટની શાંતિ મળે.

બંને વહુઓએ તેના પર કહ્યું કે, અમે પોતાના પેટનું આપેલું લઈને દર દર ભટકી રહ્યા છીએ, પણ શીતળા માતાના દર્શન નથી થઈ રહ્યા. ત્યારે શીતળા માતાએ કહ્યું કે, તમે બંનેએ પાપ કર્યું છે. તમારુ તો મોં પણ જોવા લાયક નથી. શીતળા સાતમના દિવસે જયારે ઠંડુ ભોજન કરવામાં આવે છે, ત્યારે તમે ગરમ ભોજન કર્યું. આ સાંભળીને બંને વહુઓ શીતળા માતાને ઓળખી ગઈ. બંનેએ માતાને વંદન કર્યા અને કહ્યું કે, તેમણે અજાણતામાં ગરમ ખાવાનું ખાઈ લીધું છે. તેમને માફ કરી દો. ફરીથી આવું દુષ્કૃત્ય ક્યારેય નહિ થાય.

આ સાંભળીને બંને માતાઓ ઘણી પ્રસન્ન થઈ ગઈ. માતાએ તેમના બંને બાળકોને જીવિત કરી દીધા. બંને પોતાના જીવિત બાળકો સાથે પોતાના ગામ પાછી આવી. જયારે ગામના લોકોને ખબર પડી કે, બંને વહુઓને શીતળા માતાના દર્શન થયા છે, તો તેમનું ઘણી ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું. બંનેએ કહ્યું કે, તેઓ ગામમાં શીતળા માતાનું મંદિર બનાવશે. સાથે જ શીતળા સાતમના દિવસે ફક્ત ઠંડુ ભોજન જ કરશે. જે રીતે શીતળા માતાની કૃપા બંને વહુઓ પર રહી એવી જ રીતે આપણા બધા પર પણ બની રહે. તે આપણા બધાને શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે.

શીતલે ત્વં જગન્માતા,

શીતલે ત્વં જગત પિતા.

શીતલે ત્વં જગધાત્રી

શીતલાયૈ નમો નમઃ

બોલો શીતળા માતાની જય.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.