સોલર એનર્જીથી ચાલશે કાર, આ છે મોદી સરકારનો નવો પ્લાન

કેન્દ્ર સરકારે સોલર કાર ઉત્પાદનની દિશામાં ભર્યું મોટું પગલું

કોરોના મહામારી અને ચીન સાથે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કેંદ્ર સરકાર હવે દેશને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવવાનો પ્લાન તૈયાર કરી રહી છે. એવામાં હવે સરકાર સોલાર કાર મેન્યુફેક્ચરિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સૂત્રો અનુસાર સરકાર દેશમાં સોલાર કાર નિર્માણને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવાનો વિચાર કરી રહી છે.

કેંદ્ર સરકારે તૈયાર કર્યો પ્લાન :

સોલાર કાર નિર્માણને લઈને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર તરફથી એક નવી પોલિસીનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી ઓટો કંપનીઓને દેશમાં સોલાર કાર મેન્યુફેક્ચરિંગ માટે આકર્ષિત કરી શકાય. આ પ્લાન અંતર્ગત કેંદ્ર સરકાર ઓટો કંપનીઓને ટેક્સમાં છૂટ, સબસીડી, સસ્તી લોન અને સસ્તી જમીન અપાવશે, જે દેશમાં જ સોલાર કાર નિર્માણના પ્લાન્ટ શરૂ કરવા માટે પગલાં ભરશે. સાથે જ હવે આ ક્ષેત્રમાં મોટા સ્તર પર રોજગારની શક્યતાઓ પણ વધી ગઈ છે.

સરકાર કરશે કમિટીનું ગઠન :

કેંદ્ર સરકાર સોલાર કાર નિર્માણની દિશામાં કામ કરવા માટે જલ્દી જ કમિટી બનાવશે. સૂત્રો અનુસાર કમિટીમાં નાણા મંત્રાલય, પાવર-રિન્યુએબલ એનર્જી મંત્રાલય અને ભારે ઉદ્યોગ મંત્રાલય, અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા વિશેષજ્ઞ શામેલ થશે. તે બધા પ્રધાનમંત્રી કાર્યાલયને પોતાની સલાહ આપશે કે, દેશમાં સોલાર કાર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કયા પ્લાન અંતર્ગત આગળ વધી શકાય છે.

મોદી સરકાર પણ હવે આ પ્લાનને લઈને ઘણી વધારે ગંભીર છે. નોંધનીય વાત છે કે, ભારત 2021 સુધી દુનિયાનું ત્રીજું સૌથી મોટું પેસેન્જર વ્હીકલ માર્કેટ બનવાની શક્યતા છે. એવામાં સોલાર માર્કેટને લઈને પણ સરકારને મોટી આશા દેખાય છે. દેશમાં હાલમાં ટાટા મોટર્સ, ટીવીએસ મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓ પાસે પહેલાથી જ સોલાર પ્લાન્ટ છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.