ભારતમાં અહીં બનાવ્યો 24 કલાક ચાલવા વાળો દુનિયાનો પહેલો સોલાર પ્લાન્ટ, જાણો કેટલા રૂપિયા માં બન્યો ને બીજી વિગત

રાજસ્થાનના આબુ રોડ પર આવેલી બ્રહ્મકુમારી સંસ્થાનમાં દુનિયાનો પહેલો એવો સોલાર થર્મલ પાવર પ્લાન્ટ બનાવ્યો છે, જે 24 કલાક ચાલે છે. તેમાં થર્મલ સ્ટોરેજની પણ સુવિધા છે, જેમાં સૂરજની ગરમીને એકત્રિત કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં જ પહેલી વાર પેરાબોલિક રિફ્લેક્ટર વિથ ફિક્સ ફોક્સ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પેરાબોલિક રિફ્લેક્ટર કોઈ સૂરજમુખીના ફુલની જેમ જ સૂરજની દિશાની સાથે સાથે ફરે છે. આને ઈંડિયા વન નામ આપવામાં આવ્યું છે.

આને બનાવવામાં 70 % ફંડિંગ ભારત અને જર્મનીની સરકારે કર્યું છે. અને 30 % પૈસા બ્રહ્મકુમારી સંસ્થાએ ખર્ચ કર્યા છે. આને એક રિસર્ચ પ્રોજેક્ટના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે. અહીં આખું વર્ષ દેશ દુનિયાના વિદ્યાર્થીઓ રિસર્ચ માટે આવે છે. આ પ્લાન્ટથી જ રોજ 35 હજાર લોકોનું ખાવાનું બને છે. સાથે જ 20 હજારની ટાઉનશીપને વીજળી મળે છે.

કઈ રીતે કામ કરે છે આ પ્લાન્ટ :

પ્લાન્ટના પ્લાનિંગ મેનેજર બીકે યોગેંદ્ર જણાવે છે કે, 25 એકરમાં ફેલાયેલા પ્લાન્ટમાં 770 પેરાબોલિક રિફ્લેક્ટર છે. એક રિફ્લેક્ટર 600 વર્ગ ફૂટનું હોય છે, એટલે કે એક 2 બીએચકે ફ્લેટ જેટલું. સૂરજના કિરણો રિફ્લેક્ટર પર લાગેલા કાંચ સાથે અથડાય છે. પછી રિફ્લેક્ટર પાસે બનેલા ફિક્સ ફોક્સ બોક્સ આ કિરણોને રિસીવ કરે છે. તેની અંદર બનેલી કોઇલમાં પાણીમાંથી વરાળ બને છે. આ વરાળથી અહીં બનેલા રસોડામાં ખાવાનું બને છે. અને સ્ટીમ ટરબાઈનથી વીજળી બને છે.

ફક્ત સોલર ગ્રેડ મિરર અમેરિકાથી મંગાવ્યા :

સોલર પ્લાન્ટના સીઈઓ જય સિન્હા જણાવે છે કે, 1990 માં જર્મનીથી વૈજ્ઞાનિક વુલ્ફગેન્ગ સિફલર એક નાનકડું મોડલ લઈને આવ્યા હતા. તેનો આકાર 2 વર્ગફૂટ હતો. તે આનો ઉપયોગ અહીંના આદિવાસીઓ માટે કરવા માંગતા હતા, જેથી તેઓ લાકડા ન સળગાવે અને વરાળથી પોતાનું ખાવાનું બનાવે.

આ મોડલના આધાર પર આ પ્લાન્ટને અહીંના લોકોએ જ તૈયાર કર્યો. પ્લાન્ટનું 90 % કામ અહીં પર થયું છે. ફક્ત સોલર ગ્રેડ મિરર અમેરિકાથી મંગાવવામાં આવ્યા. 30 વર્ષ સુધી આ પ્લાન્ટને કાંઈ નહિ થાય. રાજસ્થાનમાં વધારે તડકો મળવાને કારણે આ સોલર પ્રોજેક્ટને અહીં સ્થાપિત કરવામાં આવ્યો છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.