સોમનાથ મંદિરનો રોચક ઈતિહાસ, જાણો વિદેશી આક્રમણકારો સામે પણ અડીખમ રહેલા આ મંદિરની ગાથા

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તે બાદ શિવજીની કૃપાથી ૧૫ દિવસ અજવાળુ અને ૧૫ દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું.

૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી.

લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.

ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદિઓનાં વાણા વાયા પણ જ્યારે ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ જુનાગઢનો પ્રવાસ કર્યો. ત્યારે તેમને જૂનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંઘકામના મંત્રી કાકાસાગહેબ ગાડગીલ, જામસાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો ત્યારે જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું.

નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. અને પાંચમાં મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું. ૧૯૪૮માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. આ મંદિરની ઉંચાઇ ૧૭૫ ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.

૧૯૯૫૧ માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેથી ૨૦૦૦ વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે. નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મુકવામાં આવી છે.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દ‍ક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા.

આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

વિડીયો :