રેકોર્ડ : સ્ટેચ્યુ ઓફ યુનિટીના દિવસ દીઠ પ્રવાસીઓની સંખ્યા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં વધી ગઈ

અનાવરણના એક વર્ષ પછી જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની દરરોજના મુલાકાતિઓની સંખ્યા અમેરિકાના ૧૩૩ વર્ષ જુના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીના મુલાકાતીઓ કરતા વધી ગઈ. ગુજરાત સ્થિત આ સ્મારકને જોવા આશરે ૧૫,૦૦૦ થી વધુ પર્યટકો રોજ પહોંચી રહ્યા છે

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 1 નવેમ્બર, 2018 થી 31 ઓક્ટોબર, 2019 સુધી, પ્રથમ વર્ષે દરરોજ મુલાકાતીઓની સંખ્યામાં સરેરાશ 74% વધારો થયો છે. અને હવે બીજા વર્ષના પ્રથમ મહિનામાં આ સંખ્યા સરેરાશ દૈનિક 15,036 પ્રવાસીઓ સુધી પહોંચી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અઠવાડિયાના અંતિમ દિવસોમાં તે વધીને 22,430 થઈ ગઈ છે. અમેરિકાના ન્યુ યોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત 10,000 પ્રવાસીઓ લે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

આ મૂર્તિ ગુજરાતના કેવડિયા કોલોનીમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમની નજીક બનાવવામાં આવી છે. ભારતીય શિલ્પી રામ વી સુતરેએ તેની રચના કરી છે. આ પ્રોજેક્ટની પહેલી જાહેરાત વર્ષ 2010 માં કરવામાં આવી હતી.

તેનું અનાવરણ 31 ઓક્ટોબર 2018 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે જંગલ સફારી, ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, રિવર રાફટીંગ, બોટીંગ વગેરે જેવા નવા પર્યટક આકર્ષણોના લીધે આ સ્મારકમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાનું કારણ આપ્યું છે.

તેમણે કહ્યું, ‘આ વધારાના પર્યટક આકર્ષણોને કારણે નવેમ્બર 2019 માં રોજિંદા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, આ વર્ષે 30 નવેમ્બર સુધીમાં 30,90,723 પ્રવાસીઓ કેવડિયા પહોંચ્યા અને 85.57 કરોડની આવક થઈ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.