પાણી નહિ પથ્થરોની નદી છે વૈજ્ઞાનિકો માટે પડકાર, આજ સુધી બની રહી છે રહસ્ય

આમ તો નદીમાં તમે પાણી સાથે પથ્થર પણ જોયા હશે. પણ શું તમે ક્યારેય એવી નદી જોઈ છે જે પથ્થરોની બનેલી હોય. જી હાં, તમે બરાબર વાંચ્યું. એક જગ્યાએ એવું છે. અહીં રહેલા અસંખ્ય પથ્થર કોઈ નદીના વહેણની જેમ ગોઠવાયેલા છે. પણ એમાંથી કયારેય પાણીનું એક ટીપું પણ નથી વહેતુ. આ નદી રશિયામાં છે. વૈજ્ઞાનિકો માટે આ જગ્યા એક ઉખાણો બનેલી છે, જેને તે આજ સુધી ઉકેલી નથી શકયા.

કુદરતની આ અજીબોગરીબ રચનાને સ્ટોન રિવર (Stone River) કે સ્ટોન રન કહે છે. આ નદીમાં લગભગ 6 કિલોમીટર સુધી તમને ફક્ત પથ્થર જ પથ્થર જોવા મળશે. તે જોવામાં એકદમ કોઈ નદીના પ્રવાહની જેમ લાગે છે. 20 મીટર નાના પ્રવાહથી લઈને કોઈ કોઈ જગ્યાએ આ નદી 200 થી 700 મીટર મોટા પ્રવાહનું રૂપ પણ લઈ લે છે. આમ લગભગ 10 ટન સુધી વજન ધરાવતા પથ્થરો 4 થી 6 ઇંચ જમીનની અંદર ઘુસેલા છે.

આ જગ્યા પર આટલા બધા પથ્થર ક્યાંથી આવ્યા અને તેમણે એક નદીનું રૂપ કઈ રીતે લીધું? આ સવાલોનો સાચો જવાન આજ સુધી નથી મળી શક્યો. પણ અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, લગભગ 10 હજાર વર્ષ પહેલા ઊંચા પર્વત પરથી ગ્લેશિયર તૂટીને નીચે પડ્યા હશે, જેના કારણે આ અજીબોગરીબ નદીનું નિર્માણ થયું છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.