છત્રપતિ શિવાજીના ‘સિંહ’ પર બની છે અજય દેવગણની તાનાજી, જાણો સિંહગઢનો કિલ્લો જીતવાની કહાની

આ તે જંગની કહાની છે જેના જંગનાયક તાનાજીએ બહાદુરી સાથે લડતા સિંહગઢનો કિલ્લો તો જીતી લીધો હતો, પરંતુ તેમ કરતા કરતા તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જયારે શિવાજીએ પોતાના યોદ્ધાના મૃત્યુ વિષે જાણ્યું તો તેમણે કહ્યું ‘ગઢ આવ્યો, પણ સિંહ ગયો’ એટલે કે કિલ્લો તો જીતી લીધો, પરંતુ સિંહ ગુમાવી દીધો. આ સ્ટોરી તે સમયથી શરુ થાય છે જયારે સિંહગઢનું નામ કોંધાના હતું. લગભગ સાડા સાત સો મીટરની ઉંચાઈ ઉપર બનેલા કિલ્લા ઉપર એક રાજપુત કમાન્ડર ઉદયભાનનું રાજ હતું.

શિવાજી આ કિલ્લાને પાછો મેળવવા માંગતા હતા. અને તેના માટે તેમણે તાનાજીને જવાબદારી આપી. અને તાનાજી શિવાજીનો આદેશ મેળવીને સૈનિકો સાથે ત્યાં પહોંચી ગયા. તાનાજીએ આ લડાઈ માટે રાતનો સમય પસંદ કર્યો. તે રાત્રે તાનાજી પોતાના સૈનિકો સાથે કિલ્લાની નીચે એકઠા થયા. કિલ્લાની દીવાલ એટલી ઉંચી હતી કે તેની ઉપર સરળતાથી ચડવું અશક્ય હતું.

ચડાણ એકદમ સીધું હતું. જયારે કાંઈ ન સુજ્યું તો તાનાજીએ પોતાના ચાર પાંચ બહાદુર સૈનિકો સાથે ઉપર ચડવાનું શરુ કર્યું. ધીમે ધીમે ઉપર ચડતા તાનાજી કિલ્લા સુધી પહોંચી ગયા. ત્યાર પછી તેમણે પોતાની સાથે લાવેલા દોરડાને એક ઝાડમાં બાંધ્યો અને નીચે ફેંક્યું, જેથી બીજા સૈનિકો પણ ઉપર કિલ્લા સુધી પહોંચી શકે.

સિંહગઢના યુદ્ધ નામે પ્રસિદ્ધ આ જંગનો કિસ્સો મહારાષ્ટ્ર સરકારની સંસ્થા બાળ ભારતી દ્વારા પ્રકાશિત ધોરણ ૪ ના પુસ્તકમાં પ્રકાશિત છે. પરંતુ હવે તાનાજીની બહાદુરી અને આ જંગ ઉપર એક ફિલ્મ બની રહી છે, જેમાં અજય દેવગન તાનાજીની ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવે છે કે, જયારે શિવાજી તરફથી આ કિલ્લો જીતવાનો આદેશ મળ્યો ત્યારે તાનાજી પોતાના દીકરાના લગ્નમાં વ્યસ્ત હતા.

પરંતુ આદેશ મળતા જ તાનાજીએ કહ્યું કે, હવે પહેલા કિલ્લો લઈશું ત્યારે લગ્નની વાત થશે. દિલ્હી યુનીવર્સીટીમાં ઈતિહાસ ભણાવતા પ્રોફેસર અનિરુદ્ધ દેશપાંડે આ જંગની પાછળની સ્ટોરી જણાવે છે. તેઓ કહે છે કે, આ કિલ્લો ૧૬૬૫ માં મુગલ સામ્રાજ્ય અને શિવાજી વચ્ચે થયેલી સંધી હેઠળ ઓરંગઝેબને મળી ગયો હતો. ત્યાર પછી જ તેના જેવા ૨૩ બીજા કિલ્લા પણ મોગલોને મળી ગયા હતા.

૧૬૬૫ ની સંધી પછી શિવાજી ઓરંગઝેબને મળવા આગ્રા ગયા. પરંતુ જયારે તેમને ત્યાં બંદી બનાવી લેવામાં આવ્યા, તો શિવાજી કોઈ પણ રીતે આગ્રાથી ભાગીને મહારાષ્ટ્ર પહોંચ્યા અને તેમણે પુંરદર સંધીનો અસ્વીકાર કરી દિધો, અને પોતાના તમામ ૨3 કિલ્લા પાછા મેળવવાની પ્રક્રિયા શરુ કરી દીધી.

દેશપાંડે જણાવે છે, રાજકારણની રીતે આ એક ઘણો જ મહત્વપૂર્ણ કિલ્લો હતો. તે સમયે ઉદયભાન રાઠોડ નામના એક રાજપૂત સેનાપતિ પ્રમુખ કિલ્લાની રખેવાળી કરતા હતા. અને તાનાજી માલુસરે સાથે તેમના ભાઈ સુર્યા માલુસરે પણ હતા. પુણે શહેરથી ૨૦ કી.મી. દક્ષીણ પ્રશ્ચિમમાં હવેલીમાં આવેલા આ કિલ્લાનું ક્ષેત્રફળ ૭૦,૦૦૦ ચોરસ કી.મી. છે.

કિલ્લાનો એક દરવાજો પુણે તરફ ખુલે છે તો બીજો દરવાજો કલ્યાણ તરફ ખુલે છે. બાલભારતી દ્વારા છાપવામાં આવેલા પુસ્તકમાં જણાવામાં આવ્યું છે કે, જયારે તાનાજીએ કિલ્લા ઉપર ચડાઈ કરી તો સૂર્યજી પોતાની સેના સાથે કિલ્લાના કલ્યાણ દ્વાર ઉપર પહોંચી ગયા. અને દરવાજો ખુલવાની રાહ જોવા લાગ્યા.

ઉદયભાનને જયારે તેના વિષે ખબર પડી તો બંને ટુકડીઓમાં જોરદાર લડાઈ થઈ ગઈ. તેવામાં તાનાજીના થોડા સૈનિકોએ જઈને કલ્યાણ દ્વાર ખોલી દીધો અને સુર્યાજીના સૈનિકો અંદર આવી ગયા. તાનાજી અને ઉદયભાન વચ્ચે જોરદાર યુદ્ધ થયું. પરંતુ ઉદયભાને તેની ઉપર છલાંગ લગાવી દીધી અને ઉદયભાનના હુમલાથી તાનાજીની ઢાલ તુટી ગઈ હતી.

પરંતુ ત્યાર પછી પણ બંને એક બીજા સાથે લડતા રહ્યા. અને છેવટે ત્યાં બંનેના મૃત્યુ થઈ ગયા. તાનાજીને મરતા જોઈ મરાઠા સૈનિક આમ તેમ ભાગવા લાગ્યા. તેવામાં સુર્યાજી ત્યાં આવ્યા અને તેમણે જમીન ઉપર તાનાજીને પડેલા જોયા. ત્યાર પછી જયારે સુર્યાજીએ સૈનિકોને ભાગતા જોયા તો તેમણે સૈનિકોને કહ્યું, તમારા સેનાપતિ લડતા લડતા માર્યા છે અને તમે ભાગી રહ્યા છો. મેં નીચે ઉતરવાનું દોરડું કાપી નાખ્યું છે. હવે તો કિલ્લા ઉપરથી કુદીને જીવ આપો અથવા તો દુશ્મનોનો બહાદુરી પૂર્વક સામનો કરો.

આ જંગને લઈને એક અફવા છે કે, મરાઠા સેનાએ કિલ્લા ઉપર ચડવા માટે એક વિશાળકાય ગરોળીનો સહારો લીધો હતો. આ ગરોળી સાથે દોરડું બાંધી દેવામાં આવ્યું હતું. જયારે આ ગરોળી કિલ્લા ઉપર પહોંચી ગઈ તો ત્યાર પછી સૈનિકોએ કિલ્લા ઉપર ચડવાનું શરુ કર્યું. પરંતુ અનિરુદ્ધ દેશપાંડે તેના સહમત થતા ન હતા.

એક બીજા લેખક સ્ટીવર્ટ ગાર્ડને પણ પોતાના પુસ્તક ‘ધ મરાઠાઝ’ માં લખ્યું છે કે, મરાઠા સૈનિક દોરડું નીચે ફેંક્યા પછી કિલ્લા ઉપર ચડ્યા હતા. કોંધાના કિલ્લા વિષે કહેવામાં આવે છે કે, જેની પાસે આ કિલ્લો હશે, પુના પણ તેનું હશે. તેવામાં જયારે તાનાજીએ આ કિલ્લો જીત્યો તો શિવાજીએ તેને કિલ્લાનું નામ બદલીને સિંહગઢનો કિલ્લો રાખી દીધું.

તાનાજીના આ કિલ્લો જીતવાના થોડા સમય પછી ઓરંગઝેબે એક વખત ફરી આ કિલ્લો જીતી લીધો. પરંતુ ત્યાર પછી નાવજી બાળકાવડેએ તાનાજીની જેમ લડતા આ કિલ્લો ફરી વખત મેળવ્યો. અને છેલ્લે મહારાણી તારાબાઈએ ઓરંગઝેબ સાથે લડીને આ કિલ્લા ઉપર જીત મેળવી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.