જન્મકુંડળીમાં સૂર્ય : સૂર્યની જેમ જીવનમાં આવી ચમકે છે કેટલાક લોકો.

સૂર્યની સ્થિતિના આધારે હોય છે વ્યક્તિની સફળતા અને અસફળતા, જાણો કેવી રીતે.

વૈદિક જ્યોતિષ મુજબ આદિકાળમાં સૂર્યદેવ પાસે તમામ રાશીઓનું પ્રતિનિધિત્વ હતું પરંતુ સમયાંતરે તેમણે સિંહ રાશી પોતાની પાસે રાખી અને કર્ક રાશીનું પ્રતિનિધિત્વ ચંદ્રને આપી દીધું. બીજા પાંચ ગ્રહો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનીને બે-બે રાશીઓના પ્રતિનિધિ નિયુક્ત કર્યા. સૃષ્ટિ સર્જનમાં સૂર્યનું વિશેષ મહત્વ છે. તેમની અમૃતરૂપી અસર દ્વારા જ જીવની ઉત્પતી થાય છે.

જ્યોતિષમાં તેને આત્માના કારક, સંશોધન કાર્ય કરવાવાળા, રાજયોગ પ્રદાન કરવાવાળા, નેત્રોના સ્વામી, કુશળ પ્રશાસક, યશ અને કીર્તિ પ્રદાન કરવાવાળા ગ્રહ તરીકે માનવામાં આવે છે. જન્મ કુંડળીમાં તેની સ્થિતિ લોકોના જીવનની દશા-દિશા બદલવામાં સંપૂર્ણ રીતે સહાયક રહે છે. વ્યક્તિના જીવનની સફળતા અને નિષ્ફળતાનો ગ્રાફ મોટા ભાગે સૂર્યની સ્થિતિ ઉપર આધાર રાખે છે. એટલા માટે જન્મકુંડળી વિશ્લેષણ વખતે સૂર્ય કયા ભાવમાં છે તેનું ઊંડાણપૂર્વક વિવેચન કરવું જોઈએ. લોકોની જન્મકુંડળીના તમામ 12 ગૃહોમાં સૂર્યનું ફળ કેવા પ્રકારનું રહે છે, આવો તેનું જ્યોતિષીય વિશ્લેષણ કરીએ.

પ્રથમ ગૃહ : જે લોકોની જન્મકુંડળીમાં સૂર્ય પ્રથમ ગૃહમાં રહે છે તેમના ચહેરા ઉપર એક વિશેષ પ્રકારનો ભાવ રહે છે. સૂર્ય બળવાન હોય તો એવા વ્યક્તિ સમાજમાં અલગ ઓળખ ઉભી કરે છે. વ્યક્તિને સરકારી સર્વિસ મળવાની વધારે સંભાવના રહે છે. નાના સ્તરના કાર્ય શરુ કરીને પણ વ્યક્તિ પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ રહે છે. આવા લોકોમાં ગજબની પૂર્વાભાસ શક્તિ રહે છે. ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ પડવાથી આવા લોકો થોડા જીદ્દી સ્વભાવના થઇ જાય છે. સૂર્ય નબળો હોય તો હ્રદય સંબંધી વિકાર ઉભા થવાની સંભાવના રહે છે.

દ્વિતિય ગુહ : જન્મકુંડળીના આ ગૃહમાં સૂર્યની સ્થિતિ વ્યક્તિ માટે મિશ્રિત ફળ પ્રદાન કરવાવાળી હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ તેમને જમણી આંખ અને સર્વાઇકલ સંબંધિત બીમારીઓ થવાની સંભાવના રહે છે. લોકોને તમામ ભૌતીક સુખ પ્રાપ્ત થાય છે, પરંતુ કૌટુંબિક ઝગડા અને માનસિક અશાંતિને કારણે કોઈને કોઈ તકલીફ ઉભી થતી રહે છે. જો સૂર્ય સાથે પાપ ગ્રહ હોય અથવા પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો એવા લોકો જીદ્દી અને ખરાબ ભાષાનો ઉપયોગ કરવાવાળા હોય છે. આદ્યાત્મ તરફ વલણ ધરાવતા લોકો માટે તેનું ફળ ઘણું શુભ રહે છે.

તૃતીય ગૃહ : કોઈ પણ લોકોની જન્મકુંડળીમાં જો સૂર્ય તૃતીય ગૃહમાં હોય તો એવા વ્યક્તિ ઘણા સાહસી અને પરાક્રમી હોય છે. પોતાની ઉર્જા શક્તિના બળ ઉપર વિકટમાં વિકટ સ્થિતિને નિયંત્રિત કરી લે છે. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કામની પ્રસંશા પણ થાય છે. મોટા ભાઈનું સુખ ઓછું રહે છે અથવા તો મળતું નથી અને મળે છે તો કોઈને કોઈ વિવાદ રહે છે. આવા લોકો કઠોર નિર્ણય લેવાવાળા કુશળ પ્રશાસક અને લોકપ્રિય હોય છે. સમાજ પ્રત્યે તેમનો સમર્પણ ભાવ તેમને બીજા લોકોથી અલગ હરોળમાં રાખે છે.

ચોથો ગૃહ : જેમની જન્મ કુંડળીઓમાં સૂર્યદેવ ચોથા ગૃહમાં રહે છે તેવા લોકો માતા-પિતામાંથી કોઈ એકના સુખ-સહયોગથી વંચિત રહે છે. મિત્રો અને સંબંધીઓ દ્વારા એવા લોકો શોષિત થાય છે અને ક્યાંકને ક્યાંક દગાનો ભોગ પણ બને છે. દેવા કે લેવડ-દેવડની બાબતોમાં પણ આવા લોકોથી સાવચેત રહેવું જોઈએ. જો શુભ ગ્રહ સાથે હોય અથવા તેની દ્રષ્ટિ પણ પડી જાય, તો આવા લોકોને રાજકીય શીષ્ઠાચાર અને તેમના દ્વારા મેળવેલ વૈભવ અને સન્માન પ્રાપ્ત થાય છે. મકાન-વાહનનું પુરતું સુખ મળે છે. આરોગ્યની દ્રષ્ટિએ તેમણે હ્રદય વિકારથી સાવચેત રહેવું જોઈએ.

પાંચમો ગૃહ : જેમની જન્મકુંડળીમાં સૂર્ય પાંચમાં ગૃહમાં બિરાજમાન હોય તેવા લોકો અલ્પ સંતાનવાળા હોય છે, પરંતુ તેમનું સંતાન કુળદીપક હોય છે. શિક્ષણ સ્પર્ધાઓમાં પોતાના કુટુંબનું નામ રોશન કરે છે. શોધ અને આવિષ્કાર કરવાના ક્ષેત્રોમાં આવા લોકો સંપૂર્ણ સફળ રહે છે. સમાજમાં માન-મોભાની સાથે સાથે આગેવાનીની પણ જવાબદારી મળે છે. ચૂંટણી સંબંધી બાબતોમાં પણ આવા લોકો સંપૂર્ણ સફળ રહે છે. સૂર્યની પાપ ગ્રહોથી યુતિ અથવા દ્રષ્ટિ શિક્ષણના ક્ષેત્રમાં અડચણોના સંકેત આપે છે, તેવામાં લોકો ખોટી સંગતનો ભોગ પણ બની શકે છે.

છઠ્ઠો ગૃહ : આ ગૃહમાં સૂર્ય અતિ પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. આવા વ્યક્તિ મહાપરાક્રમી મહાન કાર્ય કરવાવાળા, સફળ ઉદ્યમી હોય છે. સૂર્યની શુભ અસરના ફળસ્વરૂપે આવા લોકો લશ્કર અથવા સરકારી નોકરીના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે છે. તેમનામાં ગજબની ન્રેતુત્વ શક્તિ હોય છે. સંગઠાત્મક કાર્યોમાં પણ આવા લોકો પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. કોર્ટ કચેરીના કેસમાં સફળતા મળે છે, અને દુષણો ઉપર હંમેશા વિજયી રહે છે. માનસિક રીતે સંપૂર્ણ રીતે મજબુત રહેતા આવા લોકો જીવનમાં આવનારી મુશ્કેલીઓ અને સંઘર્ષો ઉપર સફળતાપૂર્વક વિજય પ્રાપ્ત કરે છે.

સાતમો ગૃહ : જે લોકોની જન્મ કુંડળીમાં સૂર્ય સાતમાં ગૃહમાં રહે છે, તેવા લોકોએ દાંપત્ય જીવનમાં ક્યાંકને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે, એકથી વધુ લગ્નના યોગ પણ ઉભા થાય છે. કામ-ધંધાના ક્ષેત્રમાં આવા લોકો વિરુદ્ધ કોઈને કોઈ ષડ્યંત્ર પણ ચાલતું રહે છે. ઘણી વખત જોવામાં આવે છે કે કોર્ટ કચેરીના ધક્કા પણ ખાવા પડે છે. તેઓ હરવા ફરવાના શોખીન હોય છે. આવા લોકો ઉપરી અધિકારીઓ અને શાસન સત્તાનો લાભ મેળવવામાં સફળ રહે છે. સૂર્યના અશુભ ગ્રહોની યુતિ હોય અથવા દ્રષ્ટિ હોય તો આવા લોકોએ ભાગીદારીમાં વેપાર કરવાથી દુર રહેવું જોઈએ.

આઠમો ગૃહ : જે લોકોની જન્મ કુંડળીમાં સૂર્ય આઠમાં ગૃહમાં હોય તેમના જીવનમાં અલગ અલગ પ્રકારના મિશ્ર પરિણામ જોવા મળશે. આરોગ્યની દ્રષ્ટિએ તેમને અગ્નિ, ઝેર તથા દવાઓના રીએક્શનનું જોખમ રહે છે, પરંતુ તેમનું આયુષ્ય લાંબુ હોય છે. આ ગૃહમાં બળવાન સૂર્ય લોકોને પ્રતાપી બનાવે છે. આવા વ્યક્તિ પોતાના બળ ઉપર યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. ગુઢ વિષયોમાં રસ ધરાવતા લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત કરે છે. કુટુંબ માટે સમર્પિત હોય છે, પરંતુ કુટુંબવાળા તેમની લાગણી સમજી નથી શકતા.

નવમો ગૃહ : જે લોકોની જન્મ કુંડળીમાં સૂર્ય નવમાં ગૃહમાં બિરાજમાન રહે છે તેવા લોકો તીક્ષણ બુદ્ધી ધરાવતા, કામ ધંધામાં પૂર્ણ સફળ રહેવાવાળા, પોતા કમાયેલા ધનનો સદ્દઉપયોગ કરવાવાળા, સ્પષ્ટ વક્તા અને આકરી તપશ્ચર્યામાં આગળ રહેવાવાળા હોય છે. ધર્મ-કર્મની બાબતમાં આગળ વધીને ભાગ લે છે અને દાન પુણ્ય પણ કરે છે. તેમના જીવનમાં માતા-પિતાથી દુર રહેવા અથવા વિદેશ પ્રવાસના યોગ સતત ઉભા થતા રહે છે, આવા લોકોને વિદેશી નાગરિકતા ઘણી સરળતાથી મળી જાય છે. અશુભ ગ્રહોની યુતિ અથવા દ્રષ્ટિ હોય તો આવા લોકોમાં અહંકાર વધુ આવી જાય છે.

દશમો ગૃહ : જે લોકોની જન્મ કુંડળીમાં સૂર્ય દશમાં ગૃહમાં રહે છે તેવા વ્યક્તિ રાજસત્તાનું પૂર્ણ સુખ ભોગવે છે. વિદેશી કંપનીઓમાં પણ એવા લોકો ઊંચા હોદ્દા ઉપર રહેલા જોવા મળે છે. લોકો ઘણા પ્રકારના કામ-ધંધા કરીને સમાજમાં માન-મોભો પ્રાપ્ત કરે છે. આવા વ્યક્તિઓના જન્મના સમયે તેમના પિતાના જીવનમાં સફળતાઓની પરંપરા ઝડપથી આગળ વધતી જાય છે. આવા લોકો ધર્મ શાસ્ત્રોમાં પારંગત વ્યક્તિ, રાજનીતિજ્ઞ અને સમાજસેવીઓ તરીકે પણ સારી પ્રતિષ્ઠા મેળવે છે. સૂર્યના અશુભ ગ્રહો સાથે યુતિ અથવા દ્રષ્ટિ તેમના કાર્યમાં અડચણ તો ઉભી કરે જ છે, પરંતુ આવા લોકો છેલ્લે સુધી સફળ જ રહે છે.

આગિયારમો ગૃહ : જે લોકોની જન્મ કુંડળીમાં સૂર્ય અગિયારમાં ગૃહમાં રહે છે, એવા લોકોના જીવનમાં સૂર્ય વરદાન જેવું ફળ આપે છે. તે લોકોને ધનવાન તો બનાવે જ છે, સાથે જ શિક્ષણ સ્પર્ધાઓમાં પણ સંપૂર્ણ રીતે સફળતા અપાવીને તેમના કામ ધંધામાં પણ મનપસંદ સફળતા પ્રાપ્ત કરાવે છે. સરકાર દ્વારા જાહેર ઇનામ પ્રાપ્તિની પણ સંભાવના રહે છે. આવા લોકો દુશ્મનનો સામનો કરે તેવા હોય છે, અને કોર્ટ કચેરીની બાબતમાં જીત પ્રાપ્ત કરે છે. બની શકે છે કે મોટા ભાઈઓના સુખ કે સહકારથી વંચિત રહેવું પડે, પરંતુ શુભચિંતકોની સંખ્યા ખુબ જ વધતી રહે છે.

બારમો ગૃહ : જે લોકોની જન્મ કુંડળીમાં સૂર્ય બારમાં ગૃહમાં રહે છે એવા લોકોએ જીવનમાં ઘણા ઉતાર ચડાવનો સામનો કરવો પડે છે. આરોગ્યની દ્રષ્ટિએ તેમણે જમણી આંખ સંબંધિત રોગ અને શરીરમાં કેલ્શિયમની ઉણપ ઉભી ન થાય તે માટે સાવચેત રહેવું જોઈએ. ઘણી વખત જોવામાં આવે છે કે, આવા લોકોએ દાંપત્ય જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમણે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે. તેમના માટે વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે પ્રયત્ન કરવો અથવા વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરીને તે દેશમાં ભાગ્ય અજમાવવું વધુ લાભદાયક રહે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)