ખરાબ સમય ચાલી રહ્યો હોય તો આ વાતોનું ધ્યાન રાખીને મુશ્કેલીઓમાંથી બહાર નીકળી સફળતા મેળવી શકાય છે

સ્વામી વિવેકાનંદ અને ઘોડા ગાડીવાળાના પ્રસંગ પરથી જાણો ખરાબ સમય સામે કેવી રીતે લડવું જોઈએ. તમે બધા સ્વામી વિવેકાનંદને ઓળખતા જ હશો. તે ઘણા જ્ઞાની અને વિદ્વાન પુરુષ હતા. જણાવી દઈએ કે સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમણે 25 વર્ષની ઉંમરે સન્યાસ ધારણ કર્યો હતો. સ્વામી વિવેકાનંદે શિકાગોના ધર્મ સમ્મેલનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ ભાષણ પછી તે આખી દુનિયામાં ઘણા પ્રસિદ્ધ થઈ ગયા હતા.

સ્વામી વિવેકાનંદના જીવનમાં બનેલા પ્રસંગો તેમજ તેમની વાતો દરેક વ્યક્તિના જીવનમાં ઉપયોગી સાબિત થાય છે. તે કેટલાય લોકોના આદર્શ છે. આજે આપણે તેમના જીવનના એક એવા પ્રસંગ વિષે જાણીશું જે આપણને જરૂરી શીખ આપશે. એક સમયની વાત છે જયારે સ્વામી વિવેકાનંદ વિદેશમાં હતા, ત્યારે તેમની મુલાકાત એક ધનવાન મહિલા સાથે થઇ હતી. તે સ્વામીજીના વિચારોથી ઘણી પ્રભાવિત થઈ હતી. તે મહિલા તેમની શિષ્યા બની ગઈ હતી.

એક દિવસ સ્વામી વિવેકાનંદ પોતાની તે શિષ્યા સાથે ઘોડા ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તે ઘોડા ગાડીવાળાએ રસ્તાના કિનારે ગાડી ઉભી રાખી. ત્યાં થોડે દૂર એક મહિલા અને કેટલાક બાળકો પહેલાથી જ ઉભા હતા. ઘોડા ગાડીવાળો તેમની પાસે જાય છે અને બાળકોને વ્હાલ કરી તે મહિલાને થોડા રૂપિયા આપીને પાછો આવી જાય છે.

સ્વામી વિવેકાનંદ અને તે શિષ્યા આ બધું ધ્યાનથી જોઈ રહ્યા હતા. જયારે ઘોડા ગાડીવાળો પાછો આવ્યો તો શિષ્યાએ તેને પૂછ્યું કે, તમે કોને મળવા ગયા હતા, તે મહિલા અને બાળકો કોણ છે? પછી ઘોડા ગાડીવાળાએ કહ્યું કે, તે મારી પત્ની અને બાળકો છે. પહેલા હું એક બેંકમાં મેનેજર હતો. મારી પાસે પૈસાની કોઈ કમી ન હતી. પણ જયારે બેંકને નુકશાન થયું તો મારા પર દેવું વધી ગયું. મારી બધી સંપત્તિ દેવું ચૂકવવામાં જતી રહી.

બધું ખતમ થયા પછી મેં કોઈ રીતે આ ઘોડા ગાડી ખરીદી છે અને નાનકડું ઘર ખરીદ્યું છે. હું સતત મહેનત કરી રહ્યો છું, જેવી જ મારી સ્થિતિ થોડી સારી થશે કે હું નવી બેંક ખોલીશ. મને વિશ્વાસ છે કે હું જલ્દી જ નવી બેંકને વિકસિત કરી શકું છું.

આ વાત સાંભળીને વિવેકાનંદ ઘણા પ્રભાવિત થયા. તેમણે શિષ્યાને કહ્યું કે, આ વ્યક્તિ એક દિવસ પોતાનું લક્ષ્ય જરૂર પૂરું કરશે. જે લોકો આટલા ખરાબ સમયમાં પણ પોતાના પર વિશ્વાસ રાખે છે અને પરિવારનું ધ્યાન રાખે છે, તે ધૈર્ય સાથે કામ કરી એક દિવસ લક્ષ્યને જરૂર પ્રાપ્ત કરે છે.

આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે કે, ગમે એટલો મુશ્કેલ સમય હોય આપણે ધીરજ અને વિશ્વાસ ગુમાવવો જોઈએ નહિ. આપણે પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરતા રહેવું જોઈએ. એક કરવાથી મુશ્કેલી જરૂર દૂર થશે અને સફળતા આપણી ઝોળીમાં આવશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.