1 હજારના ખેડૂતે કર્યા 40 હજાર, સીધા 40 ગણા ગુગલથી શીખ્યો જૈવિક ખેતી.

આ ખેડૂતે ગૂગલથી શીખ્યો જૈવિક ખેતી, મફતમાં 1 હજારના કરી દીધા 40 હજાર રૂપિયા.

રતલામ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકે પોતાના દીકરા સાથે મળીને લોકડાઉનને કારણે સ્કૂલ બંધ હોવાના સમયગાળાનો ફાયદો ઉઠાવીને કમાણી કરી છે. આ શિક્ષકે પોતાની દોઢ હેકટર જમીન પર જૈવિક ખેતીથી શાકભાજી ઉગાડી અને 40 હજાર રૂપિયા કમાણી કરી, જેમાં ફક્ત 1 હજાર રૂપિયા ખર્ચ થયો હતો.

તે શિક્ષક રતલામ જિલ્લાના નરસિંહ નાકા ગામમાં પ્રાથમિક સ્કૂલમાં ભણાવતા ગોવિંદ સિંહ કસાવત છે. તેમના દીકરા મનોજે પણ પિતાની પૂરતી મદદ કરી. નરસિંહ નાકા, આદિવાસી વિસ્તારનું નાનકડું ગામ છે.

આજે આ શિક્ષક ખેડૂત પાસે જૈવિક ખેતી શીખવા માટે આસપાસના ખેડૂતો આવવા લાગ્યા છે. તેમજ શાકભાજી ખરીદવા માટે પણ લોકો તેમના ખેતરમાં આવવા લાગ્યા છે.

આ શિક્ષકે જૈવિક ખેતી વિષે સાંભળ્યું હતું, પણ ક્યારેય જૈવિક ખેતી કરી ન હતી. તેમના મનમાં લોકડાઉનને કારણે મળેલા સમયનો ઉપયોગ કરવા માટે જૈવિક ખેતીને અપનાવવાનો વિચાર આવ્યો.

તેમણે પોતાના દીકરા સાથે મળીને યુ ટ્યુબ અને ગુગલ પર જૈવિક ખેતી વિષે જાણકારી ભેગી કરી અને પછી તે જાણકારીના આધાર પર પોતાના ખેતરમાં દૂધી, કારેલા સહીત અન્ય શાકભાજી ઉગાડયા.

આ પાકમાં તેમણે જૈવિક ખેતી અંતર્ગત જૈવિક ખાતરનો ઉપયોગ કર્યો. શાકભાજીની ખેતી ખુબ સારી રીતે થઈ અને પાક પણ સારો આવ્યો. પોતાના ખેતરની શાકભાજી વેચવા માટે શિક્ષક પોતે આદિવાસી વિસ્તારથી રતલામ આવતા હતા, અને શાકમાર્કેટમાં શાકભાજી વેચતા હતા. થોડા સમય પછી શાકભાજીના વ્યાપારીઓ તેમના ખેતરમાંથી જ શાકભાજી લઈ જવા લાગ્યા.

એપ્રિલમાં શરુ થયેલું આ કામ તેમને આજે 40 હજારની કમાણી આપી ગયું. તેમના ખેતરમાં આજે પણ કાકડી, દૂધી, તુરીયા, ગલકાના પાક લહેરાઈ રહ્યા છે. બંને પિતા-પુત્ર હવે આખો દિવસ જૈવિક ખેતીમાં જ લાગ્યા રહે છે.

શિક્ષક ગોવિંદે જણાવ્યું કે, યુટ્યુબ પર મને રાષ્ટ્રીય જૈવિક ખેતી અનુસંધાન કેંદ્ર, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના મહાનિદેશક ડોક્ટર કિશન ચંદ્રાનો વિડીયો જોવા મળ્યો હતો. તેમાં તેમણે માત્ર 20 રૂપિયાની એક નાનકડી ડબ્બી અને પ્રતિ 100 લીટર પાણીમાં 1 કિલો ગોળથી ખાતર અને દવાનું ઉત્પાદન કરવાની રીત જણાવી હતી. તે રીત અજમાવીને આજે સારો પાક થયો છે.

હું મારા દીકરાની મદદ લઈને આજે ઘણી સારી જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યો છું. મારો ઉદ્દેશ્ય છે કે વધારેમાં વધારે ખેડૂત ભાઈ આ ખેતીને પશ્ચિમી મધ્યપ્રદેશના આદિવાસી બાજના-રાવટી ક્ષેત્રમાં કરે અને પોતાની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે.

ખેડૂતના દીકરા મનોજે જણાવ્યું કે, મેં ડીએડ (Ded Course) કર્યું છે અને નોકરી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, પણ આશા નથી. પિતાએ જૈવિક ખેતી કરી અને રુચિ રાખી અને શીખવાડ્યું. હવે ખેતી કરવાનું જ નક્કી કર્યું છે. હું નવી નવી રીતોથી ખેતી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.