આ રીતે બનાવો વિસરાતી જતી ગુજરાતી વાનગી “ભૈડકું”, ટેસ્ટની સાથે સ્વાસ્થ્ય લાભોથી છે ભરપુર.

આજે અમે તમારા માટે વિસરાતી જતી એક ગુજરાતી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. તમારામાંથી ઘણા લોકોએ તો આનું નામ પણ નહિ સાંભળ્યું હોય. અમે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ભૈડકું’. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે. સાથે સાથે જણાવી દઈએ કે આ એક ઓથેન્ટિક ગુજરાતી રેસિપી છે. જે ખુબ સ્વાદિષ્ટ છે અને પોષક તત્વોથી ભરપૂર છે. તો આવો તમને જણાવીએ કે કઈ રીતે ભૈડકું બનાવવામાં આવે છે.

જરૂરી અનાજ અને કઠોળ :

1 કપ સિંગલ પોલીસ્ડ ચોખા, (નહિ હોય તો ઘરમાં જે હોય તે ચોખા લેવા.)

1 કપ બાજરી,

1 કપ જુવાર,

1 કપ મગની છોળાવાળી દાળ.

પ્રી-મિક્સર બનાવવાની રીત :

સૌથી પહેલા બધા અનાજ સરખા પ્રમાણમાં લઇ લઈશું, અને તેને સાફ કરી મલમલના કપડાથી લૂછી લઈશું. તેને આછા ગુલાબી રંગના થાય તે રીતે શેકી લઈશું. બધી વસ્તુ અલગ અલગ શેકવાની છે. સિંગલ પોલીસ્ડ ચોખામાં ઝીંક, ફાઈબર, આયરન એ બધું વધારે પ્રમાણમાં હોય છે. એટલે શક્ય હોય તો એવા ચોખા લેવા, ન મળે તો જે તમે કાયમ વપરાતા હોય તે લઇ શકો છો.

જુવાર, બાજરી અને મગની દાળને પણ આજ રીતે શેકી લેવાના છે, આ રીતે શેકવાથી તે 80 % રંધાઈ જશે, એટલે બનાવતી વખતે તમારી રેસિપી ઝડપથી બની જશે. તેમજ તેમાં જે મોઈશ્ચર (ભેજ) હોય તે પણ નીકળી જશે. આપણે તેને ગ્રાઈન્ડ કરવાના છે એટલે તે ફટાફટ ગ્રાઈન્ડ થઈ જશે.

આ બધાને તમે પ્રી-કુક કરીને સ્ટોર કરી રાખો, તો જયારે ખાવું હોય ત્યારે તે ફટાફટ 15 મિનિટ જેટલા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. આજના સમયમાં ડાયાબિટીસ અને મોટાપો ઘણી ઝડપથી પ્રસરી રહ્યા છે, એટલે નવી પેઢીને આ રેસિપી આપી શકો છો.

બધી વસ્તુઓ શેકાય ગયા પછી તેમને મિક્સરમાં અલગ અલગ દળી લેવાની છે. તેને દરદરું એટલે કે અધકચરું દળવાનું છે. પછી તે બધાને મિક્સ કરી દેવાના છે. તેને તમારે એક એયર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું છે. આથી જયારે પણ બનાવવું હોય ત્યારે આ વાનગી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે.

હવે આ વાનગી બનાવવા માટે જોઈશે લીલા વટાણા, ગાજર, કેપ્સિકમ મરચા, કોથમીર, કઢી લીમડો, ટામેટા, આદુ અને લીલા મરચા. અ વાનગી બનાવવા માટે જો તમે એક બાઉલ પ્રી-મિક્સર (આપણે જે અનાજ-કઠોળ દળ્યા છે તે) પાઉડર લેવાના હોય, તો તેમાં 3 ગણું પાણી લેવાનું છે.

સૌથી પહેલા એક કડાઈમાં 2 ચમચી તેલ લઈને અડધી ચમચી જીરું નાખવાનું છે. જીરું તૈયાર થાય એટલે તેમાં કઢી લીમડો નાખવાનો છે. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખવાની છે અને તેને સાંતળવાનું છે. હવે લીલા વટાણા નાખવાના છે. 1-2 મિનિટ માટે વટાણા સાંતળી લીધા પછી તેમાં ઝીણા સમારેલા ગાજર નાખવાના છે અને તેને સાંતળવાના છે. પછી તેમાં સમારેલા કેપ્સિકમ મરચા નાખી તેને હલાવીને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે.

પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવાના છે. અને તેમાં સવાથી દોઢ ચમચી મીઠું નાખી તેને બરાબર મિક્સ કરવાનું છે. પછી અડધી ચમચી હળદર પાવડર નાખી તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે ઇચ્છો તો તેમાં ધાણાજીરુંનો પાવડર પણ નાખી શકો છો. ઘણા લોકો આમાં સીંગદાણાનો પાવડર પણ નાખતા હોય છે.

હવે તેમાં સાડા ત્રણ બાઉલ પાણી નાખીને તેને ઉકળવા માટે મૂકી દો. તેને 2-3 મિનિટ માટે ઢાંકી રાખી ઉકળવા દો. તને ઘીમાં જીરું નાખીને પણ આ રેસિપી બનાવી શકો છો. આપણે અહીં શાકભાજી નાખીને બનાવી છે. જેને કબજિયાત હોય, ડાયાબિટીસ હોય કે વજન ઓછું કરવું હોય તેમને આ વાનગી મદદ કરી શકે છે.

ઉકળી ગયા પછી તેમાં આપણે ભૈડકુંનો દળીને તૈયાર કરેલો પાઉડર નાખવાનો છે. તેને તમારે હલાવતા રહેવો પડશે જેથી ગઠ્ઠાના પડે. તે મિક્સ થઈ જાય પછી તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. પછી છેલ્લે તેમાં કોથમીર નાખવાની છે. તો તૈયાર છે તમારું ભૈડકું. તેને તમે દહીં સાથે ઘણી નાખીને પીરસી શકો છો.