ગધેડીના દૂધમાંથી બને છે દુનિયાનું સૌથી મોંઘુ પનીર, કિંમત નવાઈ પમાડી દેશે.

દુનિયાનું સૌથી મોંઘુ પનીર બને છે ગધેડીના દૂધ માંથી, તે ખાવું દરેકની હેસિયતની વાત નથી.

પનીરનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં કરવામાં આવે છે. તેમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે બટર પનીર, પાલક પનીર કે મટર પનીરને લોકો હોંશથી ખાય છે. આપણા માંથી મોટા ભાગના લોકો એ જાણે છે કે પનીર ગાયના દૂધ માંથી બનાવવામાં આવે છે, અને તેની કિંમત એટલી વધુ પણ નથી હોતી કે તેને એક સામાન્ય માણસ ખાઈ ન શકે. પણ તમને જો પૂછવામાં આવે કે, શું તમે ગધેડીના દૂધ માંથી બનેલું પનીર ખાધું છે, તો તમારો શું જવાબ હશે?

જણાવી દઈએ કે, દુનિયાનું સૌથી મોંઘુ પનીર ગધેડીના દૂધ માંથી બનાવવામાં આવે છે. તેના વિષે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આ લેખ આખો વાંચજો.

ગધેડીના દૂધ માંથી બનેલુ પનીર એટલે સૌથી મોંઘુ પનીર :

આ વિશેષ પનીરનું નામ છે ‘પ્યુલ ચીઝ’. તે એક સર્બીયાઈ પનીર છે, જે ગધેડાની એક ખાસ પ્રજાતી ‘બાલ્કન’ ના દૂધ માંથી તૈયાર કરવામાં આવે છે. પણ તેમાં માત્ર ગધેડીના દૂધનો ઉપયોગ નથી થતો. 60 ટકા બાલ્કનનું દૂધ અને 40 ટકા બકરીનું દૂધ મિક્સ કરવામાં આવે, ત્યારે જઈને તૈયાર થાય છે દુનિયાનું સૌથી મોંઘુ પનીર. છે ને રસપ્રદ વાત.

કેટલી છે કિંમત?

એક રિપોર્ટ મુજબ એક કિલો ‘પ્યુલ ચીઝ’ ની કિંમત 1130 ડોલર એટલે લગભગ 82 હજાર થાય છે. હવે તમે અંદાઝ લગાવી શકો છો કે ગધેડીનું આ પનીર કેટલું મોંઘુ છે. આગળ જાણો ક્યાં બને છે આ વિશેષ પનીર.

ક્યાં બને છે આ પનીર?

તમને જાણીને નવાઈ લાગશે કે આ વિશેષ પનીરનું ઉત્પાદન દરેક દેશમાં નથી કરવામાં આવતું. ‘પ્યુલ ચીઝ’ ને સર્બિયાના ‘જસાવીકા સ્પેશ્યલ નેચર રીઝર્વ’ માં તૈયાર કરવામાં આવે છે. હવે વિચારો આ કેટલું સ્પેશીયલ છે.

કેમ છે તે આટલું મોંઘુ?

હવે તમે વિચારી રહ્યા હશો કે ખરેખર ‘પ્યુલ ચીઝ’ આટલું મોંઘુ હોવાનું શું કારણ છે? તો આ પનીરની ક્વોલેટી અને બનવાની જટિલ પ્રક્રિયા તેને મોંઘુ બનાવવાનું કામ કરે છે. એક કિલો ‘પ્યુલ ચીઝ’ બનાવવામાં લગભગ 25 લીટર બાલ્કન ગધેડીના દૂધની જરૂર પડે છે. ત્યાર પછી એક જટિલ પ્રક્રિયા હેઠળ આ પનીરને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.

જ્સાલિકા સ્પેશ્યલ નેચર રીઝર્વ :

જેવું કે અમે ઉપર જણાવ્યું કે આ વિશેષ પનીરને સર્બિયાના ‘જસાવીકા સ્પેશ્યલ નેચર રીઝર્વ’ માં બનાવવામાં આવે છે. હવે આ ફાર્મને બનાવવાનો શ્રેય જેને જાય છે, તે વ્યક્તિનું નામ છે સ્લોબોડન સીમિક જેમણે આ ફાર્મને સ્થાપિત કર્યું. આ ફાર્મમાં ગધેડાની દુર્લભ પ્રજાતિ ‘બાલ્કન’ ને સંરક્ષિત કરવામાં આવી છે.

સીમિકની સિક્રેટ રેસિપી :

આ ગધેડીના દૂધ માંથી પનીર બનાવવું એટલું સરળ કામ નથી. ખાસ કરીને તેને જમાવવા માટે તેમાં પૂરતા પ્રમાણમાં કેસીઇન (casein) નથી હોતું. તેને ઘટ્ટ કરવા માટે ફાર્મના સંસ્થાપક સીમિક એક સિક્રેટ રીત અપનાવે છે. સીમિકને પોતાની ઉપર ગર્વ છે કે તે દુનિયાનું સૌથી મોંઘુ પનીર બનાવે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.