આ બે લાઈનોની માઇક્રો ફિક્શન વાર્તાઓ દરેકને પાઠ ભણાવી જશે.

સમજાય તેને સલામ.

(1) 86 વર્ષે બા પરમ ધામ ગયા. દિકરાઓએ દાદાને કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. તમે ઘરમાં જ રહો.’ દાદા પોતાના રૂમમાં ગયા, લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકીને રડ્યા.

(2) સાજનો સમય હતો, ચાલતા ચાલતા તેણે ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

(3) આજે બન્ને જણા 15 વર્ષે એક્બીજાની સામે આવ્યા. ન જાણે કેટલીય યાદો સજીવન થઇ ગઇ. પણ હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું.

(4) એક સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં રહેલી 10 પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે 1000 રૂપિયાનું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.

ઘરે આવતાં જ તેની માં એ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?”

એણે હસીને કહ્યું, હા મમ્મી…”

(5) ગઇકાલે લગભગ 5 હજાર માણસો પર્યાવરણ બચાવોની રેલીમાં જોડાયા. અને આજે સફાઈ કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ 8 હજાર જેટલી પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલો ભેગી કરી.

(6) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના રાષ્ટ્રધ્વજમાંથી પરમે ભારતનો રાષ્ટ્રધ્વજ શોધી નાખ્યો. તેણે પોતાના નાનકડા દીકરાને કહ્યું, “જો આ આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે. આને આમ સલામી આપવાની.”

ત્યાંજ મોબાઇલ રણકયો અને સામે છેડેથી પરમના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયું છે. કાલ સુધીમાં 4 કરોડ નેતાજીના સ્વિસખાતામાં ટ્રાન્સફર કરી દેજે.”

(7) નેતાજી અચાનક પુલ ઉપરથી પડી ગયા. લોકોમાં હાહાકાર થયો. એવામાં એક કાકાએ પાણીમાં ઝંપલાવ્યુ અને જીવના જોખમે નેતાજીને બચાવ્યા. નેતાજીએ તેમનો આભાર માન્યો. કાકાએ હસીને નદી કિનારે લાગેલા પાટીયા સામે જોયું જેમા લખ્યું હતું, “ગંદા કચરાથી ગંગાજીને બચાવો.”

(8) હ્યુમન રાઈટ કમીશન (માનવ અધિકાર પંચ) ના પ્રમુખ સાંજ પડે ઓફિસમાંથી ઘરે પાછા ફર્યા અને પત્નીએ કહ્યું, “આટલા ઓછા પગારમાં આટલુ બધું કામ કરાવો છો, એમ કહી આપણા નોકરે કામ છોડી દીધું છે.”

(9) એક દિવસ પાઉભાજીની લારી પર નાસ્તા માટે ગયેલા પરિવારના વડીલે તેના દિકરાને કહ્યુ, દીકરા તું ભણીશ નહી તો નોકરી નહી મળે અને અહી પ્લેટો સાફ કરવી પડશે. આ સાંભળી પાઉભાજીની લારીવાલો યુવાન બોલી ઉઠ્યો, સાહેબ ભણ્યો તો હું પણ છું, પણ આ ફિક્સપગારમાં પૂરૂ નથી થતું એટલે રાત્રે પણ કામ કરવુ પડે છે.

(10) એક લેખક મૃત્યુ પામ્યા. બીજા જ મહિને પસ્તીના પૂરા 350 રૂપિયા વધારે મળ્યા.

(11) એક નેતાના નિવાસની સામેના ફુટપાથ પર વર્ષોથી બેસતા ખીમજી મોચીને પોલીસે ભગાડ્યો. કારણ પૂછતા જાણવા મળ્યું, ‘સિક્યોરીટી રિઝન.’ શહેર સ્વછતા અભિયાન હેઠળ તેમને બીજે ક્યાંય જગ્યા ન મળી. અંતે કુટુંબનું ભરણપોષણ ન કરી શકવાથી ખીમજીએ પરિવાર સહિત જીવન ટૂંકાવ્યુ અને ચિઠ્ઠીમાં તૂટ્યા ફૂટ્યા અક્ષરે કારણ લખ્યું “સિક્યોરીટી રીઝન.”

(12) ઝૂંપડામાં લટકતા ગણપતિજીના કેલેન્ડર સામે આંગળી કરીને નાનકડો મનુ બોલ્યો, “આ ફોટા કેમ લટકાવવાના?”

કામ ઉપર જતી તેની માં એ કહ્યું, “બેટા, એ ખાલી ફોટા નથી, ભગવાનના ફોટામાં જે હોય એ બધું સાચું હોય.”

માં ની વાત સાચી માનીને ગઈકાલનો ભૂખ્યો મનુ કેલેન્ડરની પાસે પહોંચ્યો. એક ખાલી ડબ્બા ઉપર ચડીને ગણપતિજીની જમણી બાજુ પડેલા લાડુના થાળને ચાટવા લાગ્યો.

(13) બારીની બહાર પાનની પીચકારી મારી બાંયથી મ્હોં લૂછતા સુમન માસ્તર મોટેથી બોલ્યા, “છોકરાઓ… જીવનમાં ખોટી ટેવથી હંમેશા દૂર રહેવું જોઇએ.”

આશા છે કે તમે આ વાતો ગમી હશે.

– સાભાર ઉલ્કેશ ડામોર (અમર કથાઓ ગ્રુપ)