આ ભાઈ સરહદી વિસ્તારની સ્કૂલની મુલાકાત લીધા પછી મૂકી આ પોસ્ટ અને ફોટા ખરેખર વાંચવા જેવું છે.

અમારી બનાસકાંઠા મુલાકાત દરમ્યાન અમે સરહદી વિસ્તારમાં વાવ તાલુકાનાં હરીપુરા ગામની મુલાકાત લીધી. ત્યાના સરકારી શાળાના આચાર્ય શ્રી કીરણભાઈ અમારા મિત્ર અને તેમનો આગ્રહ અમને ત્યાં સુધી ખેંચી ગયો. આમ તો કીરણભાઈ અને કાંતિભાઈ બે ભાઈઓ શિક્ષક અને સાથે રચનાત્મક વિચારસરણીવાળા. આ બંને હેમાણીબંધુઓએ અમને ગામ બતાવ્યું અને અંતે કીરણભાઈની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.

બહારથી સામાન્ય લાગતી શાળા અંદરથી ઘણી જ રચનાત્મક પ્રવૃતિઓથી સજ્જ. સુંદર ગ્રંથાલય, સુંદર બેઠક વ્યવસ્થા અને વર્ગખંડ પ્રમાણે જુદા જુદા કલરની બેન્ચીસ, અલગ અલગ વિષય પ્રમાણે ક્લાસમાં ચિત્રકલાનો ઉપયોગ કરી સરળ સમજુતીકરણ, આચાર્ય સહીત અન્ય શિક્ષકોનું ઉચ્ચ સ્તરનું જ્ઞાન અને બૌધ્ધિક સ્તર.

આ તમામ વસ્તુઓ અમારી સમગ્ર અતુલ્ય વારસોની ટીમને આકર્ષિત કરનારી હતી. વધુમાં લોકડાઉન દરમ્યાન આ શાળા દ્વારા એક વિધાર્થી લોકેશન મેપ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં વિધાર્થીઓ શાળાથી કેટલા અંતરે છે અને શું પ્રવૃતિઓ કરી રહ્યા છે તેની સરળતાથી નોંધ કરી શકાય.

કીરણભાઈ સાથે વાત થતા તેઓએ એક સરસ વાત કરી કે, “કપિલભાઈ, હકીકત એ છે કે ખાનગી શાળામાં તો જે વધુ માર્ક્સ ધરાવતો હોય અથવા લાવી શકે તેમ હોય તેવા જ વિધાર્થીને પ્રવેશ આપતા હોય છે જેથી જે-તે શાળાનું શૈક્ષણિક સ્તર ઊંચુ રહી શકે, આ ઉપરાંત વાલી સક્ષમ હોય તેવા વિધાર્થીઓને જ એડમિશન આપે છે જ્યારે અહીં તો તમામ પ્રકારનાં વિધાર્થીઓ સરળતાથી આવી શકે છે અને જુદા જુદા વિધાર્થીઓ બૌધ્ધિક ક્ષમતા પ્રમાણે ન માત્ર શિક્ષણમાં જ પણ રમત-ગમત, કલા જેવી અનેકવિધ બાબતોમાં આગળ વધતા હોય છે. અમારી મર્યાદામાં પણ અમે શ્રેષ્ઠ શિક્ષણ અને પ્રવૃતિઓ દ્વારા અમારા વિધાર્થીઓએ વિશ્વસ્તરે પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને કરતા રહીશું.”

લેખનાં શિર્ષક પ્રમાણે શિક્ષણનીતિ તો બદલાતી રહેશે સાથે સાથે વાલીઓની નીતિ બદલાય તે આવશ્યક છે. આપણે સૌએ આપણા બાળકનાં ભણતર માટે વધારે ચિંતા કર્યા કરતા, આપણી મર્યાદામાં જ જ્યાં શક્ય હોય અને તમે આર્થિક રીતે પહોચી શકો એ રીતે બાળકને ભણાવીએ એ બાળક અને આપણા સૌના માટે હિતાવહ છે, બાકી સરકાર તરફથી પણ ફ્રી શિક્ષણ અથવા ન્યુનતમ ફી થકી શિક્ષણની વ્યવસ્થા છે જ.

– કપિલ ઠાકર, અતુલ્ય વારસો.