સ્કૂલના આ આચાર્ય પોતે જ સ્કૂલમાં સાફસફાઈ કરે છે, ‘આચરતિ ઇતિ આચાર્ય’ ને તેમણે સાર્થક કરી દેખાયું છે.

સાબુના પાણીથી ફરસ સાફ કરતા આ ભાઈ કોઈ સફાઈ કામદાર નથી પરંતુ જસદણ તાલુકાની વડોદ તાલુકા શાળાના આચાર્ય છે અને પોતાની જ શાળાની ફરસને ઘસી ઘસીને ચમકાવી રહ્યા છે.

શ્રી ગીરીશભાઈ બાવળીયા 13 વર્ષ શિક્ષક તરિકે નોકરી કર્યા બાદ HTATની પરીક્ષા પાસ કરીને પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવામાં જોડાયા. જસદણ તાલુકાના વડોદ ગામની એની સરકારી શાળાની મુલાકાત લો તો ખબર પડે કે, હજારો રૂપિયાની ફી લેતી ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી સરકારી શાળા બનાવી છે.

ગીરીશભાઈ રોજ શાળાના સમયથી એક કલાક વહેલા જ શાળાએ આવી જાય છે. જેની દેખરેખ હેઠળ બીજી 8-10 શાળાઓ આવતી હોય એવી તાલુકા શાળાના આચાર્ય હોવા છતાં પોતાના હોદાને એકબાજુએ રાખીને હાથમાં સાવરણો લઈને શાળાની સફાઈ કરે અને જરૂર પડે ત્યારે કચરા-પોતા પણ કરે. શૌચાલય સાફ કરવા માટે જો સફાઈ કામદાર ન આવ્યા હોય તો તે દિવસે શૌચાલય પણ જાતે જ સાફ કરી નાખે છે.

મેં એમને પૂછ્યું કે ‘તમે આવું કેમ કરો છો?’ ત્યારે એમણે જણાવ્યું કે ‘શાળાએ આવતા મારા દીકરા-દિકરીઓને શિક્ષણની સાથે શાળાનું આંગણું, વર્ગખંડો અને શૌચાલય પણ સ્વચ્છ મળવા જોઈએ એ આચાર્ય તરીકેની મારી ફરજ છે. ગામડાના વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવવાના ન હોય પણ પ્રેક્ટિકલ કરીને સમજાવવાના હોય. ‘કોઈ કામ નાનું નથી’, જીવનનો આ મહત્વનો પાઠ વિદ્યાર્થીઓ વાતોથી નહીં પણ વર્તનથી જ શીખી શકે’.

સંસ્કૃતમાં સુભાષિત છે કે ‘આચરતિ ઇતિ આચાર્ય’ જે આચરણમાં મૂકે એ આચાર્ય. ગીરીશભાઈ પોતાના આચરણ દ્વારા કશું જ બોલ્યા વગર એની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઘણો મહત્વનો સંદેશો આપે છે. શાળાને જિલ્લા પંચાયત તરફથી અને હવે તો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જુદી જુદી ગ્રાન્ટ મળતી હોય છે જેમાંથી સફાઈ કામગીરી પણ થઈ શકે. પરંતુ ગીરીશભાઈ જાતે કામ કરીને જે બચત થાય એ બચતમાંથી શાળામાં બીજી સુવિધા ઉભી કરે.

આચાર્યની સાથે શિક્ષકો પણ પોતાની આવડત અનુસાર શાળાને વધુ સુંદર બનાવવા દિલથી પ્રયાસ કરે. આ જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા મારા મિત્ર જીગ્નેશભાઈ ધોળકિયા ખૂબ સારા પેઈન્ટર છે. જીગ્નેશભાઈ એમના આચાર્યની સાથે આખું વેકેશન શાળાએ ગયા હતા અને શાળાની તમામ દીવાલોને બાળકોને ગમે એવા પેઇન્ટિંગથી જીવંત કરી દીધી છે.

જેને ભૂલો કાઢવી છે એ ભૂલો કાઢે છે, જેને બહાના કાઢવા છે એ બહાના કાઢે છે, જેને ફરિયાદો કરવી છે એ ફરિયાદો કરે છે અને જેને કામ કરવું છે એ કામ કરે છે.

– શૈલેષ સગપરિયા