સારું અને મીઠું પપૈયું ખરીદવાની 5 સરળ ટિપ્સ.

મીઠું અને સ્વાદિષ્ટ પપૈયું ખાવા માંગો છો, તો તેને ખરીદતા પહેલા આ 5 મહત્વપૂર્ણ ટિપ્સને યાદ કરી લો. ઉનાળાની ઋતુ નજીક જ છે. તે વાતનો અણસાર બજારમાં પપૈયાના ઢગલા જોઈને જ લગાવી શકાય છે. ઉનાળાની ઋતુમાં પપૈયા ઘણા વેચાય છે, અને તેને હોંશથી ખાવામાં પણ આવે છે. આમ તો હવે દરેક ઋતુમાં તમને બજારમાં પપૈયા મળી જશે. પણ ઉનાળાની ઋતુમાં તમને સારા અને ગળ્યા પપૈયા ખાવા મળી શકે છે.

પરંતુ સારા અને ગળ્યા પપૈયા ત્યારે જ ખાઈ શકાય છે, જયારે તમે બજારમાંથી યોગ્ય પપૈયા ખરીદીને લાવ્યા હોવ. મોટાભાગના લોકોને એ વાતની ખબર નથી હોતી કે, કેવું પપૈયુ સ્વાદિષ્ટ અને ગળ્યું હોય છે. તેથી ઘણી વખત પપૈયાના દેખાવ ઉપરથી અંદાઝ લગાવીને પપૈયા ખરીદી લાવે છે, અને ઘરે આવીને જયારે તેને કાપે છે તો તે અંદરથી કાચું, સડેલું, સ્વાદ વગરનું અને ફિક્કું નીકળે છે.

પપૈયા આરોગ્ય માટે ઘણા ફાયદાકારક છે, પરંતુ તમે જો ચકાસીને પપૈયા નથી ખરીદતા, તો તે ખાઈને બીમાર પણ પડી શકો છો. આજે અમે પપૈયા ખરીદવાની યોગ્ય રીત જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે માત્ર 5 બાબતોને ધ્યાનમાં રાખો, તો તમે બજારમાંથી સારું અને ગળ્યું પપૈયું ખરીદીને ઘરે લાવી શકો છો.

પાકા પપૈયાની ઓળખ : સામાન્ય રીતે લોકો જયારે બજારમાં પપૈયા ખરીદવા જાય છે, તો તે માત્ર પપૈયાનો રંગ જોઈને તે ખરીદી લાવે છે. જો પપૈયા પીળા રંગના હોય તો તેને પાકેલા માનીને લોકો તેને ઘરે લઇ આવે છે. પરંતુ પાકા પપૈયાની ઓળખ માટે સૌથી સરળ રીત છે, તેની ઉપર પડેલી પીળી લીટીઓ જોવી. જો પપૈયા ઉપર પીળી કે નારંગી રંગની લીટી તમને જોવા મળી રહી છે, તો તે પાકું છે. જો પપૈયામાં થોડી પણ લીલાશ જોવા મળી રહી છે તો તે ન ખરીદો.

પપૈયાને આ રીતે ચકાસો : ચકાસ્યા વગર અને ફળવાળાના કહેવાથી પપૈયા ન ખરીદો. ઘણી વખત લોકો ફળવાળા પાસે થોડું પપૈયું કાપીને ખવરાવવા માટે કહે છે, અને ફળવાળા પણ તેમને ચાલાકી દેખાડીને પપૈયાના સૌથી પાકેલા ભાગમાંથી એક ટુકડો કાઢીને ખવરાવી દે છે. પણ તમારે પપૈયાને દબાવીને જોવું જોઈએ. જો પપીયુ વધુ દબાઈ રહ્યું છે તો સમજી લો કે તે અંદરથી ગળેલુ છે અને સ્વાદ વગરનું હશે.

આવું પપૈયું ન ખરીદો : જો તમને પપૈયા ઉપર પીળી કે નારંગી રંગની લીટી જોવા મળી રહી હોય, પરંતુ પપૈયા ઉપર તમને સફેદ રંગ પણ જોવા મળી રહ્યો હોય, તો તે પપૈયું ક્યારે પણ ન ખરીદો. એવા પપૈયા પાકા તો હોય છે, પરંતુ વધુ પાકેલા અને વાસી હોવાને કારણે તેની ઉપર ફૂગ લાગી જાય છે. જયારે તમે એવા પ્રકારના પપૈયા કાપશો તો તે ગળેલુ હશે અને ક્યાંકથી મીઠું હશે, પરંતુ ક્યાંકથી તે સ્વાદ વગરનું હશે. સાથે જ ફૂગ લાગેલા પપૈયા ખાવાથી તમારું આરોગ્ય પણ ખરાબ થઇ શકે છે.

પપૈયાની સુગંધ : પપૈયાની સુગંધ ઉપરથી તમે ઓળખી શકો છો કે, તે સારું છે કે નથી. સામાન્ય રીતે જે પપૈયામાંથી વધુ સુગંધ આવી રહી હોય છે, તે અંદરથી પાકું અને ગળ્યું હોય છે. એટલા માટે જયારે તમે પપૈયા ખરીદી રહ્યા હોવ તો તેની સુગંધને ધ્યાન બહાર ન કરો.

પપૈયાની છાલ : જો પપૈયા વજનમાં ઘણા ભારે છે અને તેની છાલ પણ જાડી અને કડક છે, તો સમજી લો કે તે હજી સંપૂર્ણ રીતે પાક્યું નથી. એટલું જ નહિ, તમારે પપૈયાના આગળ અને પાછળ બંને ભાગને જોવા જોઈએ. જો પપૈયા તમને લીલા લાગી રહ્યા છે કે દબાવવાથી તે કડક લાગી રહ્યા છે, તો તેને ક્યારેય પણ ન ખરીદો.

આશા રાખીએ કે તમને આ લેખ જરૂર પસંદ આવ્યો હશે. હવે તમે જયારે પણ બજારમાંથી પપૈયા ખરીદવા જાવ તો ઉપર જણાવેલી ટીપ્સ જરૂર ધ્યાનમાં રાખો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.