વારંવાર રીસેટ કરવા છતાં પણ ભૂલી જવાય છે પાસવર્ડ, તો આ ટ્રીકથી રાખો તેને કાયમ માટે યાદ.

પાસવર્ડને તૂટે નહિ એવો મજબૂત અને યાદ રાખવામાં સરળ કેવી રીતે બનાવવો, જાણવા માટે વાંચો આ આર્ટિકલ.

સોશિયલ મીડિયા હોય કે કોઈ બેંકનું લોગ-ઈન, સુરક્ષિત પાસવર્ડ હોવો ઘણું જરૂરી છે. નિષ્ણાંત પણ કહે છે કે પાસવર્ડ એવો હોવો જોઈએ જે સરળતાથી તોડી ન શકાય. પાસવર્ડ અઘરો હોવો જોઈએ અને નામ કે નંબરનો ઉપયોગ પાસવર્ડ તરીકે ન કરવો જોઈએ. તેમ છતાં પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે ખરેખર કેવો પાસવર્ડ રાખવો જે મજબુત હોય અને યાદ પણ રહે. આવી જ થોડી તરકીબ માટે વાંચો આ લેખ.

નંબર, ચિન્હ અને અક્ષર મિક્સ કરો : તમારે નંબર, ચિન્હ અને અક્ષર મિક્સ કરીને પાસવર્ડ તૈયાર કરવાનો છે. ઉદાહરણ તરીકે તમે પાસવર્ડમાં જે સ્થાન ઉપર ‘a’ નો ઉપયોગ કરી રહ્યા છો, તે જગ્યાએ ‘@’ લગાવી શકો છો. આ રીતે ‘i’ માટે ‘!’, ‘o કે O’ ની જગ્યાએ શૂન્ય ‘૦’ રાખી શકાય છે. જો ‘M’ છે તો તેને ઉલટો લગાવી શકો છો એટલે કે ‘M’ ને ‘W’ અને ‘W’ ને ‘M’ થી બદલી શકાય છે. તેના ઉપયોગથી પાસવર્ડ કાંઈક આવી રીતે બનશે – p@ssM0rd

વાક્યનો ઉપયોગ કરો : જો કોઈ શબ્દ, ગીત કે વાક્ય તમને ગમે છે, તો તેને પણ પાસવર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો. માની લો કોઈ અંગ્રેજીનું વાક્ય છે જેમ કે ‘I love tea’, તો પાસવર્ડ બનશે ‘ilovTe@’ અને સાથે કોઈ અંક જોડો જેમ કે જો તમે કોઈ દુકાને 6 રૂપિયાની ચા પીવો છો, તો તેને પાસવર્ડમાં આ રીતે જોડશો જેમ કે ‘ilovTe@6’. આ રીતે પસંદગીનું વાક્ય જેવું કે ‘wake me up before you go’ ને ‘WkMeUpB4UGo!’ લખી શકો છો જેમાં અમુક અક્ષરોને કેપિટલ પણ કરી શકાય છે.

કી-બોર્ડ સાથે રમો : તમારા નામનો એક અક્ષર કે પસંદગીનો અક્ષર પસંદ કરો. હવે તમારા કી બોર્ડનો કોઈ એક ભાગ પસંદ કરો અને તે અક્ષરની આકૃતિની કલ્પના કરો. બટનોથી આકાર બનાવો. અમે P અક્ષર પસંદ કર્યો છે જે કી બોર્ડના બટન c થી શરુ થાય છે અને g ઉપર પૂરો થાય છે. ધ્યાન રાખશો કે શબ્દ બનાવતી વખતે નંબર પણ આવવા જોઈએ. તેથી પાસવર્ડ ‘cft67uhg’ બનશે. આ રીતે તમારી સમજણથી કી બોર્ડના કોઈ પણ ભાગ ઉપર અક્ષર બનાવીને પાસવર્ડ તૈયાર કરી શકો છો.

બે શબ્દો અને અંકો જોડો : તે બે શબ્દ કોઈ પણ હોઈ શકે છે જેમ કે પસંદગીની વાનગી, રંગ, રમત વગેરે. ઓફીસ કે કોઈ સોશિયલ મીડિયા સાથે સંબંધિત બે શબ્દ મેળવીને પણ મજબુત પાસવર્ડ બનાવી શકાય છે. માની લો શબ્દ છે – કાળો અને વાદળી ‘black અને blue’, તો પાસવર્ડ ‘bbllaucek’ બનશે. તેમાં કોઈ અંક કે ચિન્હ નથી પણ તેને તોડવો પણ સરળ નહી હોય.

જો કોઈ વેબસાઈટમાં અંક અને ચિન્હ જરૂરી છે, તો તેમાં ‘a’ ને ‘@’ લખી શકો છો કે પસંદગીના અંકને બે ભાગમાં વહેચીને જોડી શકો છો, જેમ કે 20bbll@ucek21. જો ડિઝાઈનર છો, તો બે શબ્દ વર્ક અને ડીઝાઇન મેળવીને પાસવર્ડ બનાવી શકાય છે.

તે સિવાય તમે +, -, *, /, #, $, %, & વગેરેને પણ તમારા પાસવર્ડમાં ઉમેરી શકો છો, તેનાથી પાસવર્ડ તોડવો મુશ્કેલ બની જાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.