બટાકાના પાપડ બનાવતી વખતે ધ્યાનમાં રાખો આ 5 બાબતો, નહિ ફાટે તમારા પાપડ.

ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાના પાપડ ઘરે બનાવવા માટે ફોલો કરો ટીપ્સ, એટલા મસ્ત પાપડ બનશે કે જીભને ચટાકો લાગી જશે. ઠંડી ઓછી થતા જ બજારમાં સારા અને પાકેલા બટાકા આવવાના શરુ થઇ જાય છે. અને હોળીનો તહેવાર નજીક હોવાને કારણે ઘરમાં જાત જાતના પકવાન બનવાના પણ શરુ થઇ જાય છે. આ ઋતુમાં બટાકાના પાપડ પણ ઘરે ઘરે બનાવવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં એક સાથે ઘણા બધા બટાકાના પાપડ બનાવી લેવામાં આવે છે, જે આખું વર્ષ ચાલે છે.

બટાકાના પાપડ બજારમાં પણ ઘણા વેચાય છે, પરંતુ ઘરે બનેલા બટાકાના પાપડની વાત જ કાંઈક અલગ હોય છે. બટાકાના પાપડ ઘરમાં ઘણી સરળતાથી બનાવી શકાય છે. પરંતુ ઘણા લોકોના બટાકાના પાપડ ઘણા વધુ ઢીલા થઇ જાય છે, તો ઘણા લોકોના બટાકાના પાપડ સુકાયા પછી તુટવા લાગે છે.

એવું એટલા માટે થાય છે કેમ કે તમે બટાકાના પાપડ બનાવવાની રીતમાં અમુક બાબતો ઉપર ધ્યાન નથી રાખ્યું હોતું. બટાકાના પાપડ બનાવવા માટે તમારે બટાકાને બાફવાથી લઈને પાપડ સૂકવવા સુધીની પ્રકિયામાં અમુક બાબતો ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ. જો તમે ઈચ્છો છો કે, તમારા બટાકાના પાપડ સારા અને સ્વાદિષ્ટ બને તો તમે આ સરળ ટીપ્સને જરૂર અપનાવો.

કેવા બટાકા પસંદ કરવા? સારા બટાકાના પાપડ બનાવવા માટે એ ઘણું જરૂરી છે કે તમે સારા બટાકાની પસંદગી કરો. આ ઋતુમાં બજારમાં 2 પ્રકારના બટાકા આવે છે. એક જે નવા હોય છે અને એક જે જુના થઇ જાય છે. તમારે જુના બટાકાની પસંદગી કરવાની છે, જેની છાલ ચીકણી થઇ ગઈ હોય અને છોલવાથી સરળતાથી ઉતારી શકાય. એવા બટાકા પાકા હોય છે અને તેના પાપડ ઘણા જ સારા બને છે. નવા બટાકામાંથી ક્યારે પણ બટાકાના પાપડ ન બનાવો, કેમ કે તે કાચા હોય છે અને તેના પાપડ સારા નથી બનતા.

કેવી રીતે બટાકાને બાફવા? બટાકાના પાપડ બનાવવા માટે જયારે તમે બટાકાને બાફો ત્યારે પણ અમુક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. સૌથી જરૂરી એ કે તમે તે જાણી લો કે બટાકાને સારી રીતે બાફવાના છે. તમે છાલ સહીત બટાકાને કુકરમાં નાખી દો અને સાથે જ 1 ચમચી મીઠું પણ નાખી દો. મીઠું નાખવાથી બટાટા ફાટતા નથી.

કુકરની એક સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો, કેમ કે જુના બટાકા જલ્દી બફાઈ જાય છે. બટાકાને વધુ બાફીને ઢીલા ન કરો, તેનાથી પાપડ બનાવવામાં મુશ્કેલી પડે છે. બટાકા જો ફાટી ગયા છે તો થોડી વાર માટે બટાકાને સૂકવવા માટે મૂકી દો. તમે નાના આકારના બટાકાની પસંદગી કરો એ સારું રહેશે, કેમ કે મોટા આકારના બટાકાને મેશ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

કેવી રીતે મેશ કરવા? બાફેલા બટાકાને ઠંડા થવા દો અને અધકચરા કરી લો. અધકચરા કરવામાં આવેલા બટાકાને સારી રીતે મેશ કરો. એક વાતનું ધ્યાન રાખો કે તમારે મેશ કરેલા બટાકાને એમ જ ગુંદવાના છે જે રીતે તમે રોટલી માટે લોટ તૈયાર કરો છો. જો બટાકા તમારા હાથમાં જરા પણ ચોંટતા નથી, તો સમજી જાવ કે તમે બટાકાના પાપડ માટે યોગ્ય બટાકાની પસંદગી કરી અને તમારા પાપડ સારા બનશે.

મિશ્રણમાં શું નાખવું શું નહિ? બટાકાના પાપડ માટે જે મિશ્રણ તૈયાર કરી રહ્યા છો, તેમાં માત્ર મીઠું, પીસેલા લાલ મરચા અને જીરું નાખો. એ વાતનું ધ્યાન રાખો કે, તમારે લાલ મરચાનો પાવડર નથી નાખવાનો કેમ કે તેનાથી તમારા પાપડ લાલ થઇ જશે અને દેખાવમાં પણ સારા નહિ લાગે. અને ઘણા લોકો પાપડમાં કોથમીરના પાંદડા નાખે છે. થોડા દિવસો પછી જયારે પાપડ સુકાયા પછી તાજા હોય છે, ત્યારે તો તે કોથમીરનો સ્વાદ સારો લાગે છે, પરંતુ જેવા પાપડ જુના થવા લાગે છે, તેમ તેમ કોથમીરના પાંદડામાં કડવાશ આવી જાય છે, જે પાપડનો સ્વાદ બગાડે છે.

કેવી રીતે વણવા અને સૂકવવા? બટાકાના પાપડને વેલણથી ન વણો પહેલા ગોળ પ્લેટથી દબાવો અને પછી હાથથી ગોળાઈમાં બરોબર ફેલાવો. એ વાતનું ધ્યાન રાખો કે પાપડ જેટલી સારી રીતે ફેલાવવામાં આવશે, એટલા જ પાતળા અને ક્રિસ્પી બનશે. તેની સાથે જ પાપડને પ્લાસ્ટિક રોલ પર ફેલાવીને સારા તડકામાં સૂકવો. પાપડ સુકાઈ ગયા પછી 3-4 દિવસ તેને તડકામાં રાખો અને પછી એયર ટાઈટ ડબામાં ભરીને મૂકી દો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.